અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/એક સવારે
એક સવારે
સુન્દરમ્
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજને.
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજને.
(વસુધા, ૧૯૬૪, પૃ. ૫)