અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/રાઈનર મારિયા રિલ્કેને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાઈનર મારિયા રિલ્કેને

હરિશ્ચંદ્ર ભટ્ટ

સમર્પી શું તારી ક્ષણ ક્ષણ બધી આ જગતને
રગે જેના લોહી મહીં અણુ અણુ મૃત્યુજીવન.
કહે, દુઃખાનંદે પુલકિત થઈને કવનમાં
પીધો ને પાયો તેં જીવનરસ એનો જ સહુને?

જુવાની શી વર્ષા પ્રથમ વરસે, ને ઝરણ જે
વહે છે તે સૌયે સતત નહિ ક્યારેય વહતા
કુમારા સ્રોતોને રણ-શિલામાં અટકવું
પડે, વ્હે તોડી એ પુનરપિ ’થવા લુપ્ત જ થતા.

અને જ્યારે તારું ઉરઝરણ સૂક્યું તુજ વ્યથા
હશે કેવી જાણું—મુજ હૃદયની એ જ કથની.
ઉનાં આંસુ અંતસ્તલ ઊકળતો અગ્નિરસ એ
સમાવે તે જાણે ધરતી અથવા કો કવિ-ઉર.

રવિ રશ્મિ ફૂલે; ફળ રસ મહીં આ ધરતીના
અનંતાબ્દોની તેં કિરણ-રસ-સમૃદ્ધિ નીરખી.
મનુષ્યોના હાથે નીરખી વળી શક્તિ, ધરતીની
ભરે માટીમાં જે રસકસની સિદ્ધિ અણખૂટી.

‘અજંપે જાગું હું સતત, પ્રભુ! તારે જરૂર જો
પડે તો આવું હું, તુજ તરસ તો હું જ છીપવું’
કહી એવું અર્પે હૃદય શકું એવું જ અરપી
અ-નામીને કિંતુ, શરણ ઉર-દૌર્બલ્ય ગણતો.

ગુલાબી રાતાં વા ધવલ ગુલ પીળાં ગુલ બધાં
ગુલોના પ્રેમી ઓ! સુમન-સુરભિએ મન ભર્યું
અને પિવાડી એ મઘમઘતી ખુશ્બો જગતને
અરે! એનો કાંટો તુજ મરણનું કારણ થયો.


‘વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં ત્યાં
થાયે છોને મૃત્યુ-લેખો કવિના’ —
તારા એ શબ્દ થાઓ જીવન-મરણ આલેખ મારા સદાના.