અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સંગાથ
સંગાથ
હરીન્દ્ર દવે
રોતાં મેલીશું મીઠું માયરું ને
વળી હસતાં ઝાલીશું તારો હાથ,
લીલુડા વન કેરી માયા મૂકીને
જશું પરદેશી, તારે સંગાથ.
નીલ નેણ સંગે હજી નેણ જરા પ્રોયાં,
થોડું થોડું મલક્યાં ને થોડું થોડું રોયાં,
જાણ્યાં–પ્રીછ્યાંને હવે ઝાઝા જુહાર
મને આવી મળ્યો અણજાણ્યો સાથ.
આંબલાની શીળી છાંય મેલીને ચાલશું,
હૂંફાળા તડકામાં પંથ નવે મ્હાલશું,
ડગલાં જ્યાં સાત હજી માંડ્યાં ત્યાં
પામી ગયાં જનમોજનમનો સંગાથ.