અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/નારંગી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નારંગી

હરીશ મીનાશ્રુ

આ નારંગી
મહાભારતકાળની છે
એવું તમને લાગશે
પણ ખરેખર એવું છે નહીં
એટલી ચોખવટ આરંભે જ કરી લઈએ.

પહેલા દિવસની જ આ વાત છે.
સૂર્ય ઢળી ચૂક્યો છે : હવે આરંભાયો છે
યુદ્ધવિરામ કાલરાત્રિનો.
ઘાયલ યોદ્ધાઓની શુશ્રૂષામાં
વૈદ્યો ઉપરાંત નારંગીઓ પણ
કુશળ ગણાય છે એ તો તમને ખબર હશે જ.
ક્ષત વિક્ષત અંગોને કારણે
પીડિત અને પ્રબળ ઊંહકારા કરવાની
યથોચિત ક્ષણ હોવા છતાં
યુદ્ધોન્માદ અને યુદ્ધવિદ્યાઓના અહંકારને વશવર્તીને
બધા જ યોદ્ધાઓ હોઠ ભીડીને પડેલા છે
પોતપોતાના તંબુઓમાં.
વૈદ્યવર્યો ને પરિચારિકાઓ
યોગક્ષેમ, કરુણા ને સત્તાના આધિપત્યમાં
આ સકળ સૃષ્ટિનું
રુગ્ણાલયમાં રૂપાંતર કરી ચૂક્યા છે
ઔષધિના દેવતાને જરીકે જંપ નથી.

આ સમયે
દીપકના ઝાંખા અજવાસમાં એક નારંગી જુવે છે કે
એક બલિષ્ટ યોદ્ધાના
ખડતલ ને ઘાટીલા અંગર પર ઊંડો ઘા પડેલો છે
ને એમાંથી નાની નાની
તીવ્ર રંગની નારંગીઓ ગબડી રહી છે.
કૌતુકવશ નારંગીએ આ દડદડતી નારંગીઓનું
પૃથક્કરણ કર્યું કે રૂપ રસ ગંધ
ને કંઈક અંશે સ્વાદ બાબતે
એ બધી જ પોતાના સમાન વંશીય ગુણધર્મો
ધરાવે છે : કમી હોય તો એટલી જ
કે પોતાની જેમ રસરક્ષાકવચ
જેને મનુષ્યો તુચ્છકારથી છાલ કહે છે તે
ધરાવતી નથી.

નારંગીના આવા મનોભાવ સમજી ગયેલી
પેલી દદડતી નારંગીઓએ સહજ સ્પષ્ટતા કરી કે
સખી, તારી સ્હેજ સમજફેર થતી લાગે છે,
ના, અમે નારંગીઓ નથી, બિલકુલ નથી.
અમે તો યુદ્ધનું કલ્પન છીએ.
ને વૈદ્યો ને વિદ્ધો અમને શોણિતનાં ટીપાં કહે છે
જોકે એક કારણસર આપણે સૌ એક જ ગોત્રનાં ગણાઈએ :

ગયા જન્મે અમે બધાં તારા જેવી જ
રમ્ય નિર્દોષ ને રમતિયાળ નારંગીઓ હતાં.
એટલામાં સૂર્યની પ્રથમ ટશર ફૂટી :
બધી માંસમજ્જાઓ યોદ્ધાઓનું વીરોચિત શરીર બની ગઈ
બધી જ ધાતુઓ દ્યુત અને વિદ્યુત
બધી જ વિદ્યાઓ મેલી વિદ્યાઓ
બધી જ શક્તિઓ શાક્તસંપ્રદાય
બધા જ ઉદ્ગારો : કરિષ્યે વચનમ્ તવ
બધા જ છંદો : છિન્દંતિ છિન્દંતિ
બધાં જ ભૂતો : ભભૂતિ ભભૂતિ

નારંગી હવે પોતાના ભૂત અને વર્તમાનને જાણનારી
દૃષ્ટા નારંગી બની ગઈ
જોકે ભવિષ્યની અનભિજ્ઞ ને તેથી ભયભીત.
સૌથી ભયાનક સત્ય એ હતું કે
એ સ્વયં સ્થિર હતી એક તુમુલ યુદ્ધની મધ્યે, — નિઃશસ્ત્ર
આમ ને આમ, નારંગીએ પોતાના અભણ આત્મા વડે
અઢાર દિવસની યુદ્ધવાસરિકા નારંગી શાહી વડે આલેખી
ને એક રતાંધળા રાજાએ તેને ઉકેલવાની મથામણ કરી
જય પરાજય કે સંજય વિશે કશુંય ન સમજી શકતી
આ હાહાકારમાં પોતાના નારંગી રંગ અને ગોળાકાર
માંડ માંડ સાચવતી
પેલી નારંગી છેવટે સૂર્યના પ્રકાશમાં બહાર આવી.

એણે જોયું કે ક્યાંય નહોતું યુદ્ધ, ક્યાંય નહોતો યુદ્ધોન્માદ
નહોતા આર્યપુત્રો, નહોતું આર્યભિષગ્
નહોતા વૈદ્યો, નહોતી પરાચારિકાઓ
માત્ર નારંગી રંગ ફેલાયેલો હતો સર્વત્ર
નારંગીના ઝેરી રસથી રસબસતો
કંઈક અંશે નારંગીના સ્વાદ અને ગંધમાં તરફડતો.
મહાનારંગીનું આ વિરાટ દર્શન હતું :
પોતાનાં કુળ અને ગોત્ર વિશે નારંગીને
ગર્વિષ્ઠ અહોભાવ ઉત્પન્ન થયો.
આ મતિમૂઢ નારંગીના ભોળપણ પર દ્રવી જઈને
પ્રજ્ઞાવાન નારંગી જેવા સૂર્યએ આકાશવાણી કરી :
હે મૂઢ, તું જેને મહાનારંગી સમજી રહી છે
તે નારંગી નથી જ તે તું નિશ્ચિતપણે જાણ.
તે તો સંખ્યાતીત પૃથ્વીઓમાંની એક છે ને કેવળ
યુદ્ધનું પુરાકલ્પન છે.
એક બીજી વાત સમજી લે કે
આ યુદ્ધના નિર્લેપ સાક્ષી હોવાના પુણ્યે અથવા પાપે કરીને
આવતા જન્મે તારે નાંગીના શરીરમાંથી મોક્ષ પામીને પૃથ્વી થવાનું છે.

આંખે પાટા બાંધી શાપ અને વરદાનની સંમિશ્ર
પાણ્ડુલિપિ ઉકેલતી
નારંગી હવે નિજમાં નિમગ્ન આથમી રહી છે
ધીમે ધીમે
ને ઊગી રહ્યું છે એક સત્ય :
તમે રસાળ હો કે શુષ્ક
તમે સશસ્ત્ર હો કે નિ :શસ્ત્ર
તમે કરુણામૂર્તિ હો કે કરાલમૂર્તિ
ત્રણેય કાળમાં તમે રહો છો કેવળ નારંગી
અને નારંગી તે નિરંતર યુદ્ધનું એકમેવ નિત્યકલ્પન છે.