અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હિંમત ખાટસૂરિયા/આવ્યો છું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આવ્યો છું

હિંમત ખાટસૂરિયા

હું રંગ કહો તો રંગ રેડવા, જંગ કહો તો જંગ છેડવા
આવ્યો છું, હું આવ્યો છું.

હું સપનાનો સોદાગર છું સાચું કહું છું,
સૂતેલાને, થાકેલાને ભાથું દઉં છું,
હું જામ કદીક પી લઉં છું, પાઈ કદી દેતો.
હું શબદ બે શબદ ગીત તણાં ગાઈ લઉં છું.
હું વણખેડ્યાં ખેતરને ખેડવા આવ્યો છું. …હું રંગ.

મેં સાગરની છલછલતી મસ્તી દીઠી છે,
મૃત્યુ સાથે જીવનની હસ્તી દીઠી છે,
મેં શાંત શાંત સમંદરનાં પેટાળે પેસીને
ઉપર તરતી નાનકડી કિશ્તી દીઠી છે,
તોફાની સાગર તરવા તમને
આજ તેડવા આવ્યો છું. …હું રંગ.

મેં માનવતાની મીઠપ મધુરી માણી છે,
ન દાનવતાની દુષ્ટ લીલા નિહાળી છે;
મેં દિલભર દોસ્તી પ્રીત જગે પિછાણી છે,
ને નરદમ નાટક રીતે વળીયે ન્યાળી છે,
પણ તેમ છતાંયે પરમ પ્યારની
બની બજા’વા આવ્યો છું. …હું રંગ.

મેં ઘેરા ઘેઘૂર રંગ કસુંબલ ઘૂંટ્યા છે,
ને અગન-લિસોટા અંતર માટે ઊઠ્યા છે;
મેં અમૃત-અનુભવ આ અવનિમાં લીધા છે,
ને ઝેર ન જિરવાયે એવાં પણ પીધાં છે;
એક નવા જીવનની તેમ છતાંયે
તાન છેડવા આવ્યો છું. …હું રંગ.

(ઇજન, ૧૯૬૬, પૃ. ૧૧-૧૨)