અલ્પવિરામ/તને જોઈને
તને જોઈને તો શિશુક વયનાં મુગ્ધ સમણાં,
પરીની વાતોનાં, અરબ દુનિયાનાં, મૃત સમાં
હતાં તે સૌ આજે સ્મરણપટથી જાગ્રત સમાં
નિહાળું છું દૃષ્ટિ સમીપ કરતાં મૂર્ત રમણા.
અકલ્પી કેવી આ મિલનક્ષણ! મારા વ્યતીતને,
વીતેલાં વર્ષોને પુનરપિ જહીં જીવન મળ્યું;
સુધાનું સોહાગી સુભગ તવ સંજીવન ઢળ્યું,
ભવિષ્યે બાંધ્યો ત્યાં પલકમહીં મારા અતીતને.
કશો તારે તે સાંપ્રત? નહિ, નહીં દેહ તુજને,
મહા કો સ્રષ્ટાના સૃજનનિધિની રે સહ ચૂમી
રહી છે હ્યાં જે આ મુજ હૃદયની કલ્પનભૂમિ
તહીં ચાંચલ્યોમાં નિત પ્રગટતી નવ્ય સૃજને
કશી સોહે છે તું વીનસ સરખી સંગમતટે!
સદા તુંહી તુંહી પ્રણયતરસ્યું અંતર રટે.