અશ્રુઘર/પ્રારંભિક
મારી આ પ્રથમ કૃતિ વાંચતાં વાંચતાં તમને એ તમાર હૃદય નજીક લઈ જશે તો તમારું તમારી સાથેનું એ મિલન પરોક્ષ એવા મને પણ આનંદશે. ‘અશ્રુઘર’ના પ્રકાશનમાં કવિમિત્ર રઘુવીર ચૌધરીનો સ્નેહ સક્રિય બન્યો છે.
પ્રકાશક રમેશભાઈ દેસાઈનો આભારી છું.
મારા પ્રિય શિક્ષક શ્રી અમુભાઈ પંડયા શાળાકીય વર્ષો દરમિયાન મને શબ્દ સાથે અટકચાળાં કરતો જોઈ ગયા અને પછી તમાકુના છોડને ઉછેરવા જેવી મારા વિશે એ કાળજી લેવા લાગ્યા.
રાવજી.
અમે અજાણ્યા ક્યાં લગ રે’શું
કહો તમારા ઘરમાં?
હમણાં હડી આવશે પ્હોર–
રાતના ઘોડા ગોરી,
સાગ ઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
શમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું
જંપું.