અશ્રુઘર/૧૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬

નિશાળ ચાલુ હતી એટલે અંદર જવું સત્યે મુનાસીફ ન માન્યું. મનમાં એમ પણ થઈ આવ્યું કે સૂર્યાને પત્ર લખી સાફ જણાવી દેવું. પણ એમ કર્યે કંઈ ઉકેલ નીકળે એવું વિચારતાં એને ન લાગ્યું. નિશાળ છૂટવાને હજી વાર હતી. એટલે તે ભાગોળ તરફ ચાલ્યો. સામેથી બાપુજીને આવતા દીઠા.

‘ક્યાં ગયો હતો?’

નજીક આવતાં જ એમણે પૃચ્છા કરી. અને સત્યના ઉત્તરની અપેક્ષા રાખ્યા વગર એને ‘ચાલ ઘેર’ કહીને લઈ ગયા. સત્યને લાગ્યું કોઈ અનપેક્ષિત રોષ માથા પર ઝઝૂમી રહ્યો છે. ઘેર જતાંવેંત બાપુજીએ રોકડું પરખાવ્યું :

‘ઘરબર કોઈને આલવાનું નથી. સીધી રીતે રહે, તું કંઈ મારો બાપ નથી.’

ને હાથમાં લાકડી લઈને તે પંચાયતની ઑફિસમાં જતા રહ્યા. સુરભિનાં રમકડાંને મા ચાવી ભરી આપતી હતી. ઓસરીમાં દરજી કપડાં સીવતો હતો એની પાસે તે વાત કરવાને બહાને સત્ય તરફથી નજર ફેરવી લીધી.

બાપુજી ગયા એટલે સત્યે માને કહ્યું :

‘આપણું ઇશ્વરવાળું ઘર તો ખાલી છે. એમાં ઉપર ઘાસ છે તે ભલે રહ્યું પણ નીચે છે તે નારણ પાસે કઢાવી લઈશું. પછી શો વાંધો છે? ભાડાનો સવાલ નથી મા, બિચારીને છેવાડે બીક ન લાગે?’ મા દરજી જોડે વાતે ચડી હતી.

‘એણે મને કહ્યું નથી, પણ મેં એને ઘર આપવા માટે વચન આપ્યું છે.’

‘બેસ બેસ હવે વચનવાળો.’ દિવાળીને સત્ય પેલી શિક્ષિકા માટે એકવચન વાપરે એ ન રુચ્યું.

‘એ તારી શી સગલી થાય છે તે તારા પેટમાં આટલી ચૂંક આવે છે. એ રહી અસ્રીની જાત. વળી પાછી બામણની વરણ. કાલ ઊઠીને….ના ભઈ ના, મારે કશો ધરમબરમ નથી કરવો ને વચનેય નથી પાળવું. લોકનું મોં દાબવા જેવો મારો હાથ નથી. આ તને કહી દીધું. આ સૂર્યા માટે તો સાંભળું છું ને પાછું….ઠીક છે કે એ તો….તું મને મરવા જેવું ના કરાઈશ ભઈ. આ તને કહી દઉં છું’

‘પણ એમાં ઘાસ રહે એના કરતાં—’

‘છાનો રે હવે. તું તો કહીશ એમાં ભવાયા રાખો.’ સત્ય ક્યારેય આવી વિકટ પરિસ્થિતિમાં મુકાયો નહોતો.

એક વાત તો નિશ્ચિત હતી કે પોતે અત્યારે અધિકારશૂન્ય બની ગયો હતો.

બપોર થયા હતા અને તે બહાર નીકળી ગયો.