અશ્રુઘર/૨૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨

ડૉક્ટર ગોખલેએ X-Ray જોયો અને કંઈ બોલ્યા વગર ટેબલ પર મૂકી દીધો.

પ્રોફેસર મૅયો સત્યની ઓળખ આપવા ગયા—

‘આ….’

‘ઓળખું છું પ્રોફેસર, પહેલાં પણ એ આ સેનેટોરિયમમાં આવી ગયા હતા. મિ. પટેલે મને ઓળખાણ કરાવી હતી. પરંતુ disease પાસે તો સૌ સરખા; વ્યક્તિ ગમે તે હોય; રોગ એ રોગ છે. એઓ શરીર પ્રત્યે બેદરકાર છે. મટયા પછી પણ એ અહીં આવ્યા હતા. એ ખૂબ લાગણીશીલ છે. મેં એમને સલાહ આપી હતી. Mind well still you are patient, this is not the time of love, but the time against T.B. તે સમજ્યા નહીં. We are helpless.’ પછી ડૉક્ટર સત્યના બાપુજી તરફ ફર્યા.

‘જુઓ કાકા, સેનેટોરિયમમાં બે અઢી માસ રાખી જુઓ કદાચ ઑપરેશન કરાવવું પડે.’

‘ઑપરેશન!’ સત્યના પિતાજી ટેબલ પર બેસી ગયા.

પ્રોફેસર મૅયો સત્યને હિંમત રાખવાનું કહી સ્ટેશન જવા રવાના થઈ ગયા. ડૉક્ટર ગોખલેએ સેનેટોરિયમમાં જવા માટે સત્યના બાપુજીને ચિઠ્ઠી આપી. આણંદથી દોઢેક માઈલ દૂર લીલાં ખેતરોની વચ્ચે રૂગ્ણાલય આવ્યું હતું.

સેનેટોરિયમમાં ગાડું આવ્યું. સત્ય નીચે ઊતર્યો. વૉર્ડની બહારનો બગીચો ખાસ્સો વધી ગયો હતો. ગુલાબના છોડ પર ભરચક ફૂલ બેઠાં હતાં. એટલામાં આંબાના ઓટલા પર બેઠેલો કૂતરો ઓચિંતો આ અજાણ્યા લોકોને જોઈને ભસવા મંડયો. છેક સત્ય પાસે દોડતો આવ્યો–એ લંગડાતો હતો. સત્યની પાસે જઈ ઊભો. ભસવાનું ભૂલી જઈને સત્યના મોંની ઉદાસીનતાને જોવા મંડયો. સત્યના બાપુજી એ એને જોસથી પરોણો ઝાપટી દીધો ને એના લંગડાતા પગને સંભાળતો વાઉંઉંઉં વાઉંઉંઉં કરતો તે આંબા તરફ જતો રહ્યો. ભીની આંખને કૂતરા પરથી ઊંચકી લઈ સત્ય સામેના પીળચટા ડાંગરનાં ખેતરોના વિસ્તારને જોઈ રહ્યો.

સત્યની દૃષ્ટિ હવે થાકી ગઈ હતી. આંબા નીચેના ઓટલા પર જઈ બેઠેલા પેલા લંગડા શ્વાન સુધી જ તેની નજર પહોંચતી હતી. પીળચટી ભૂમિના વિસ્તારને જોવામાં હવે એને રસ રહ્યો નહોતો. એને હવે ક્યાં કોઈ વાર્તાનું પાત્ર શોધવું હતું. કૂતરો હજીય પોતા તરફ કશીક પરિચયતાથી નિહાળી રહ્યો હતો.

‘હેંડ ભઈ, ક્યાં લગી અહીં ઊભો રૈશ?’

*

સત્ય પલંગ પર સૂતો. એને ફરી વાર આવેલો જાણી દર્દીઓ એનું નામઠામ પૂછતા ચોતરફ વીંટળાઈ વળ્યા. નર્સ ઈંજેક્શન તૈયાર કરીને આવી. એણે વહાલભર્યો પરિચય તાજો કર્યો.

‘આટલા દિવસ ધ્યાન ન આપ્યું તેં? તું કંઈ બીજા દર્દીઓ જેવો અભણ નથી.’

નર્સની નજરમાંથી, મોંમાંથી સંજીવની વાણી નીતરતી જોઈને સત્યને જીવવાનું મન થઈ આવ્યું.

‘ડૉક્ટર પટેલ ક્યાં છે, બેન?’

‘બરોડા, પણ તું હવે બહુ બોલ બોલ ન કરતો.’

સત્ય આંખો મીંચી પડયો રહ્યો…થોડી વાર પછી એને થયું બાપુજી પોતાને આમ આંખો મીંચેલો જોતા હશે ને? એટલે તે સામેના ખાટલાઓ પર સૂતેલા, બેઠેલા, વાતે વળગેલા, પોતાને કુતૂહલપૂર્વક જોતા દર્દીઓના મોં જોવા લાગ્યો.

ગયા વખતે પોતે સામેની લાઈનમાં હતો, પેલા 10 નંબરના ખાટલા પર. અત્યારે તો તે ખાલી છે….સત્યને એના પર સૂવાની ઇચ્છા થઈ આવી. ગયા વખતની જેમ પોતે વર્તી શકે તો કેવું! એણે ગયા વખતની જેમ બધા દર્દીઓને જોવાનો એક દૃષ્ટિપ્રયાસ કરી જોયો. પોતે જે ખાટલા પર સૂતો છે એનાં પર તો રામાકાકા હતા. આખે શરીરે વલુર ઊપડી હતી. એમને પોતાને આ વખતે ઇંજેકદશનનું રિએક્શન ઊપડશે તો? એ ઘરડો મનુષ્ય જબરો સહનશીલ હતો— તોય…મહેતરાણી પેશાબ લેવાની બાટલી મૂકી ગઈ. ઈશ્વરને યાદ કરી એણે પ્રાર્થના કરી :

‘સાજા નરવા માણસને આવે એવો પેશાબ આવવો શરૂ થઈ જાય.’

બાપુજી પોતાના ભણી ગરીબડું જોઈ રહ્યા છે. એણે એક વખત સ્વસ્થ મનુષ્યની જેમ ખોંખારો ખાધો. ત્યાં જ છાતીમાંથી ગરમ ગરમ વછૂટયું. રક્તવમન.

‘બાપુ—’સત્યની આંખ ભીની ભીની થઈ આવી.

મહેતરાણીએ પોતું કરી, ચાદર બદલી, સત્યના ખાટલા નીચે ટબ લાવી મૂક્યું.

ટબ જોતાં જ તેનાથી બોલાઈ ગયું.

‘ટબ કેમ લાવી?’

‘ઊલટી થાય છેને.’

પોતાને માટે આમ ટબ લવાય એ એનાથી સહન થયું નહીં. એ ટબ મૂકી ગઈ એનો અર્થ તો એ જ થયો કે પોતાને ફરી વાર પણ ઊલટી થવાની જ. ને એ પણ….પણ હવે ઊલટી ન જ થવી જોઈએ. હવે ખોંખારો ખાવાની મૂર્ખાઈ ન કરવી. એને જન્નુ યાદ આવ્યો. એ ઘોડાની જેમ ખોંખારો ખાતો હતો.

સત્યે જન્નુવાળા ખાટલા ભણી નજર કરી. એના પર અત્યારે એક મૂંછાળો સૂતો હતો. પડયો પડયો એ મૂંછો આમળ્યા કરતો હતો. ક્યાંય સુધી એ જોઈ રહ્યા, ત્યારે એણે બીક લાગે એવા ડોળા પોતાના તરફ ફેરવ્યા. એને પાંપણો હલાવવાની આદત નહોતી. એટલે સત્યને જોવાનું ન ગમ્યું. સત્યને એના પ્રત્યે ખીજ ચડી. નર્સ ટેમ્પરેચર માપવા આવી.

‘બેન, જન્નુના સમાચાર મળે છે કે?’

‘એ તો ગયો.’

‘જાય જ ને, ઓછો અહીં પડયો રહે.’

‘એય ગયો હોત તો સારું જ ને; એટલા ખાતર તો મારે પેલી નંદાડીને પણ કાઢવી પડી. એ કંઈ ઓછી બીડીઓ ન’તો પીતો– તે તારી જેમ સાજો થઈને ઘેર જાય. બિચારો.’ કહીને નર્સ થર્મોમિટર જોવા લાગી.

સત્યે મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી. બે મિનિટ પછી એણે આંખ ઉઘાડી ત્યારે પેલો મૂંછાળો ગાતો હતો :

‘જીયા બેકાર હૈ, છાઈ બહાર હૈ

આજા મોરી બાલુમા તેરા અન્તેજાર હૈ.’

સત્યે બાપુજીને એ આમ મોટેથી રાગડા ન તાણે એમ કહેવા કહ્યું.

‘છોને ગાય, તારા બાપુનું શું જાય?’

સત્ય એમના મોં સામે જોઈ રહ્યો. એને થયું, બાપુજી પોતાના બિછાના આગળ બેસી રહે એ પોતાની અતિ માંદગીનું સૂચક છે.

‘બાપુજી તમે હવે જાવ. જરૂર પડશે એટલે માત્ર લખીશ.’ આમ બોલીને ગયા વખતે પણ પોતે એકલો જ પડયો રહેતો હતો એ યાદ કરી રહ્યો.

‘કાલે જઈશ. નાયણાને ગાડું લઈને પાછો મોકલી દીધો છે. તું ચિંતા ન કર.’

સત્ય બાપુજીના શીળીના ચાઠાવાળા મુખને જોઈ રહ્યો. બધા કહે છે, પોતે બાપુજી પર પડયો છે. સત્ય ઘણી વખત આયનામાં જોઈને એ નક્કી પણ કરતો. ફેર એટલો પોતાનું મોં સુંવાળું અને મા જેવું ઉજળું છે અને બાપુજીનું મોં શીળીવાળું અને મોટાભાઈ જેવું કાળું છે. પોતે બાપુજીથી ડરતો હતો એનું કારણ આજે સમજાયું. ઘણા લોકો કહે છે; છોકરો બાપ પર પડે, અને છોકરી મા પર પડે. બેન હોત તો મા પર પડી હોત.’

‘જીયા બેકાર હૈ, છાઈ—’

સત્ય ધૂંધવાતો હતો. ગાતાં ન આવડતું હોય તો ડોળાળો ગાતો કેમ હશે? જન્નુ બિચારો સારો હતો આના કરતાં તો. એની મેળે પત્તાં ટીચ્યા કરતો ને કંટાળતો ત્યારે બીડી. ને સત્ય પાછો મનમાં મૂંગો થઈ ગયો.

પાછો એ ખાટલા જોવા માંડયો. ગયા વખતે જોતો હતો એમ પોતાનો ખાટલો હજીય ખાલી કેમ હશે? બીજો દર્દી આજ સુધીમાં ત્યાં આવ્યો જ ન હોય? નં. 11 પર એક તરવરિયો છોકરો બેઠો હતો. એ ઓશીકા પર આયનો મૂકીને પાંથી પાડતો હતો. પોતે અહીં આવ્યો ત્યારે બધા દર્દીઓ જમતા હતા ને આ છોકરો દાળ પીરસતો હતો. દર્દીએ શ્રમ શા માટે કરવો જોઈએ? પ્રોફેસર મૅયો પાસે રહ્યો હોત તો પોતે ક્યારેય રોગી ન બન્યો હોત. સ્ટૂલ ખાલી હતું. બાપુજી બહાર ગયા હતા. પોતાની (પુત્રની) પાસે બેસવાનું એમને સૂગભર્યુ લાગતું નહીં હોય?

‘જુઓ શીવાકાકા, મારું મોં કેવું લાગે છે, હવે?’

પેલા છોકરો માથા વચ્ચે પાંથી પાડી શીવાકાકાને બતાવતો હતો.

‘છોડી જેવો લાગે છે.’

‘શીવાકાકાની વહુ જેવો’ બીજો દર્દી હસ્યો.

પેલો છોકરો ખાટલા પરથી નીચે કૂદી પડયો. અને શીવાકાકાના ખાટલા પાસે જઈ ગાવા મંડયો :

‘ઝટ જાવો ચંદનહાર લાવો

ઘૂંઘટ નૈ ખોલું રે…’

સત્ય અવળો ફરીને સૂતો. એને ક્રોધ ચડયો હતો. આ દુષ્ટોને ક્ષય તો થયો છે. પણ મનની વિકૃતિઓનો પણ રોગ વળગ્યો છે સૌને, સૂર્યાએ પોતાને કેટલીય વખત કહ્યું હતું :

‘તમારાથી કંઈ નહીં થાય.’

ને અત્યાર સુધીની બધીયે રાત્રિઓ સત્યની માંદી આંખમાં બહાર તાર પર સૂકવેલાં ક્ષય રોગીઓનાં વસ્રોની જેમ ફફડવા લાગી.

વૉર્ડમાં લગભગ બધાય સૂઈ ગયા હતા; કેટલાક તૈયારીમાં હતા. સર્વદમન લંગડાતું લંગડાતું વૉર્ડમાં આવતું હતું એણે બહાર જોયું : આંબા નીચે ઓટલા પર એક વૃદ્ધ દર્દી બેઠો હતો. ગયે વખતે પોતે…બહાર બેસી રહેવાનું જ એ પસંદ કરતો હતો!

એણે આંખ મીંચી. સર્વદમન પણ આંખમાં આવી ગયું. થોડી વાર પછી ફરી આંબા નીચે દૃષ્ટિ કરી તો બે સ્રીઓ વાતોએ ચડેલી : સ્રીઓ…સેનેટોરિયમમાં પણ સ્રીઓ! પહેલી વખત પોતે અહીં દાખલ થયો ત્યારે એ દર્દીઓની સભામાં બોલેલો.

પોતે સ્પર્શ ઉપર ભાર મૂકીને રોગના પરાજયની શક્યતા સમજાવી હતી; પોતાનું ઉદાહરણ આપીને. એને યાદ આવ્યું :

વાર્તાસંમેલન પ્રસંગે મુંબઈ જવાનું થયેલું. અભિનવ કવિ બાદશાહ પણ પોતાની સાથે હતો. અત્યારે અમદાવાદની એક કૉલેજમાં તે ગુજરાતીનો અધ્યાપક છે. પોતાની જેમ એ પણ લ્લેરી – સ્પર્શની બાબતમાં – એટલે વાર્તાને સંમેલનમાં મોકલી બન્ને જણ સાગર તટ પર રાત પડે એની રાહ જોવા ગયેલા ચાલતા. આખો દિવસ બેય જણાએ મળીને એક કામ કર્યું. પાગલોની ગણતરી કરવાનું. ફૉકલેન્ડ પરથી નીકળ્યા ત્યાં સુધીમાં એણે 17 પાગલ ગણી બતાવ્યા અને પોતાને એમાં ઉમેરીને ઓગણીસ પાગલોની ગણતરી કરેલી.

બહારથી પવનનો સુસવાટો આવ્યો. નર્સ ફરીથી ટેમ્પરેચર માપી ગઈ. સર્વદમનને પણ ભડકાવે, હરાવે એવો શ્વેતશ્વાન પવનમાંથી નીચે ઊતરી પડયો. કામરુ દેશની કોઈ રૂપગર્વિતા શ્વાનરૂપે આવે એમ આમ્રમંજરી જેવું એનું પુચ્છ વારંવાર હલતું હતું. પીળચટાં-લીલાં ખેતરો પરથી પવન આછે આછે ધક્કે અહીં ક્ષય વૉર્ડમાં આવી પડયો હોય એવો તે શ્વેત શ્વાન પોતાના ખાટલાને સુંઘવા લાગ્યો. પોતાને એનો ઘ્ર્રાણસ્પર્શ થયો કે તરત ખેતરો એની દૃષ્ટિમાં ઓગળી ગયાં. પવન હલેસું બની ગયો. આમ્રમંજરી નાવ બની ગઈ. એમાં લથપથ ઉમ્મરખયામની મદિર આંખો અને એક નાજુક સુગંધશિલ્પા રુબાઈઆત. માત્ર ચોમેર સ્રીઓની લિસ્સી સાથળો ઘૂઘવતી હતી. કેવળ ઓચિંતાની પાતાળવાસી તક્ષક કન્યા નાવમાં ઊછળી પડી. એક છાલક. બીજી. ત્રીજી. ચોથી….ને આકાશ ચિરાયું, ચંદ્ર ખરી પડયો. ઉપરનીચે ઘૂઘવતી હતી દરિયાવ સાથળોની લિસ્સી સપાટી. ગુફાઓ. અસંખ્ય ગુફાઓ એકસામટી પ્રસવવા મંડી, અંધકારની ખારીલુશ છાલકોમાંથી ગુફાઓની ગુફાઓ અવતરી રહી. નાવમાં બેઠેલી મદિરલોચના રુબાઈયાતને પોતાના બાહુમાં સાહી લીધી. એને બચાવવા માટે દોલાયમાન નાવમાંથી શ્યામસ્થિર રિક્તતામાં હળવાશથી મૂકી દીધી. મૂકી દીધી? પોતે એક ફૂલકુંવરીને મૂકી દીધી? પશ્ચાત્તાપ, સંતાપ, તોબાહ, એ પુષ્પકાયા ક્યાં ગઈ? ક્યાં ગઈ એ સુગંધશિલ્પા નિરાશ્રિતા? ચંદ્ર તો ક્યારનોય ખરી પડયો, વિદ્યુતના ઝબકારામાં એને ખોળવી ને છાલકના શાસ્રને હાથમાં પકડવું બેય સરખું છે. તારો ખર્યો, તારા ખર્યા, અસંખ્ય નિહારિકાઓ ખરી પડી, ગ્રહ-નક્ષત્રો ચૂર્ણ-વિચૂર્ણ થઈને ખરી પડયાં; સતત તેજવર્ષા, કેવળ દૃષ્ટિક્ષેત્રમાં વીંઝાતું રહ્યું લિસોટાતું શ્વેત આકાશ.

સત્યની આંખ ખૂલી ગઈ.

પેલો મૂંછાળો ગાતો હતો :

‘કાંનજી કુંજગલનમાં ક્યાં ગયા?

કાંનજી, રાધાની પગલી આ રહી

કાંનજી જુમના નીરમાં ડૂબકી ગયા!

કાંનજી હરતા ફરતા ડૂબી ગયા.’

આ મૂર્ખનું ફેફસું દુખતુ નહીં હોય! સત્ય ચિડાયો. બપોરની ઊંઘને અત્રતત્ર પડેલી તે જોઈ રહ્યો. તંદુરસ્તીની પ્રતીક્ષા કરતાં–પડી રહેલા વિલાસી અગ્નિવર્ણ રાજાનાં અસંખ્ય સ્વરૂપો…ગયે વખતે પોતાને મળ્યો હતો – તે ખાટલા પર અત્યારે સર્વદમન નિરાંતે સૂતું હતું.

‘ઊઠ…ઊઠ…સર્વદમન.’ ને એને ઉધરસ સાથે લોહી બહાર નીકળી આવ્યું. કપાળે મોંએ પરસેવો બાઝી ગયો. વાંસા પર બાપુજીનો હાથ ફરતો હતો.

‘ભઈ, ગભરૈશ નૈ. હું છું.’

‘બા—’ સત્યની આંખોમાં પાણી આવ્યું.

‘જોઈએ છે તારે કંઈ?’

સત્યે દીર્ઘ નિસાસો નાખ્યો.

‘હા.’

ટબ નીચે મૂકી એના બાપુજીએ પ્રશ્નસૂચક દૃષ્ટિથી પુત્ર સામે જોયું.

સત્ય હવે બોલ્યો :

‘મારે સહારો જોઈએ છે. સહારો આપી શકો છો? ક્રૂર રીતે હસ્યો અને પછી શરૂ કર્યું. ‘તમારા ગજા બહારની વાત છે, વડીલ મને સહારો કોઈ નહીં આપી શકે. કોઈ નહીં. કોને મળ્યો? કોણે માગ્યો ને એને તે મળ્યો? દરેક પોતપોતાનો સહારો ઇચ્છે છે; ઝંખે છે. કોઈક જ સદ્ભાગી હોય છે. અસંખ્ય મનુષ્યોથી ભરીભરી આ સૃષ્ટિ પર ક્યાંક તો એ હશે, જે મને…સાવ સીધી વાત છે, વડીલ મનુષ્ય ઘર જેવો છે. ઘરને ટેકો તો જોઈએ જ. ટેકા વગરનું ઘર ચિત્રમાંય ઊંભું રહેતું નથી જોયું. ટેકો ખસી જતાં તે તૂટી પડે છે. મારી જેમ. પછી ભલેને એ ન તૂટયા જેવું લાગે. પણ સરવાળે જીરો.

વડીલ તમે શૂન્યમાં સમજો છો કંઈ? સરવાળામાં મીંડું એટલે અચેતન હાજરી. અત્યારે મારું હોવું–ન હોવું મીંડા જેવું છે. મારા જેવાં જમીનપરસ્ત મકાન આ માટી પર–આ પૃથ્વી પર અસંખ્ય છે.’

‘ભૈ હું છું ને.’

સત્ય હસ્યો.

‘તમે? વડીલ, તણખલાના ઘરને લોખંડના ટેકાની જરૂર નથી હોતી.’

‘બેટા!’ નિરાધાર ઉદ્ગાર.

‘બેટાફેટાની વાત ન કરો. વડીલ, ટેકાની વાત કરો, ટેકાની. ટેકા વગર મનુષ્ય કેટલી ક્ષણો શ્વાસ લઈ શકે? અહીં પંચાયત ડહોળવાની વાત ન ચાલે; સંબંધ બાંધવાની વાત વ્યર્થ છે, એવું નાટક તો મેં ઘણાય પહેલાય ભક્તોને મોંએ–વર્તને જોયું છે.’

‘ભઈલા તું બોલીશ નૈ.’

‘તમે મને ન બોલવાનું કહેનાર કોણ?’

‘કયા અધિકારે મને ચૂપ રાખી શકો છો?’

‘હું ગરીબ છું, તું—’ એ તો શું બોલે બિચારો જીવ!’

‘ગરીબ તો હુંય છું. માત્ર આપણી ગરીબી જુદી છે.’

‘કૂતરો ભસ્યો.

નર્સ વજન કરવા આવી.

115 રતલ.

વજન નોંધીને નર્સ ઑફિસમાં ગઈ. ગયે વખતે 100 હતું. 15 રતલનો વધારો? અશક્ય સારું વજન જોઈને બાપુજી ખુશ થવા લાગ્યા. ‘પણ આ કંઈ સાચું વજન નથી.’ એ મનમાં બબડયો. સૂર્યા એક દિવસ કહતી : ‘તમારું મોં હવે લાલશ પકડે છે.’ એના કહ્યા પછી પગના ભારથી પગ પર પડેલા ખાડાને તે જોઈ રહેતો એ યાદ આવ્યું. આજે પણ એવા જ–એનાથી પણ વધારે સોજા હશે,

એટલામાં નારણ આવ્યો. ઘેર જઈને તે સૂર્યાને લઈને આવ્યો હતો.

સૂર્યાને દીઠી એટલે સત્યના બાપુજી બહાર ગયા. ‘કેમ આવી’ પણ ન પૂછયું. પૂછવાનું ન સૂઝયું. ને સત્ય પત્નીના મોંને જોઈ રહ્યો. સહેજ ઊપસી આવેલા એના પેટને…..સ્ટૂલને ખાટલા નીચેની ખેંચી એ સ્ટૂલ પર બેઠી. સત્યે એના મોં પર આવેલા દૈન્યને જોયું.

‘તમને જરૂર સારું થઈ જશે.’ ક્યારેક રહી એ બોલી.

‘હા. થઈ જશે.’

‘હું અહીં રહું?’

‘ના.’

‘મને કંઈ રોગ નહીં લાગુ પડે.’

‘નહીં પડે.’

‘તો પછી રહેવા દોને.’

‘…… ……’

સત્યના માથા પર હાથ મૂકીને એણે શરૂ કર્યું :

‘મને તમારી સેવા કરવાની તક આપો ને!’

સત્યે સ્મિત કર્યું.

સૂર્યા પોતાના વાળ પર હાથ ફેરવતી હતી.

‘મને તમે તમાચો મારો. હું એટલે જ અહીં આવી છું.’

‘સેવા કરવા તો નહીં જ ને? તારે મારા હાથનો માર ખાવો છે,

વિચિત્ર છે!’ હસ્યો.

સૂર્યાના મોં ભણી નજર કરી તો તે રડતી હતી.

‘હું તને જરૂર મારીશ. જા. પણ હમણાં નહીં.’

‘તમને મોંએ સોજા –’ ને એણે મોં વાળી લીધું.

થોડી વાર પછી વાત કાઢી :

‘તમે લલિતા પર પત્ર લખ્યો હતો, તે મારી પાસે છે.’

‘તારી પાસે?’

‘હા. ભલુ પાસેથી મેં લઈ લીધો હતો. હું એ લલિતાને આપવાની હતી, પણ એ તો—’

‘શું?’

‘એ તો રતનપુરા ગઈ. ગામ લોકોએ–બાપુજીએ એની બદલી કરાવી. હું એને પત્ર પહોંચાડી દઉં?’

‘ના. જરૂર નથી. તારી પાસે રાખ.’

‘મારી પાસે? સાચું કહો છો–હું એ પત્ર મારી પાસે રાખું. સત્ય, મેં તમને ખૂબ અન્યાય કર્યો છે.’

કબજામાંથી પત્ર કાઢી સત્યની છાતી પર મૂકી દીધો : ‘લો, એને તો અહીં જ રાખો.’

સૂર્યા આવી હતી એટલે સત્યના બાપુજીને ઘેર એકલા જવાનું ન ગમ્યું, ને નારણને સત્ય પાસે મૂકી તે ઘેર ગયા.

રાત્રે પત્ર કાઢી સત્ય વાંચવા મંડયો.

‘વ્હાલી લલિ,’

મને પરણ્યે આખો એક યુગ વીતી ગયો. તને મળી શકાયું નહીં. ક્ષમા આપજે. તારા પર રોષ કર્યો છે, એ બદલ, ખાસ તો હું ક્ષમા માગું છું. તું હવે રડીશ નહીં, દુ:ખી થઈશ નહીં. ભલુ સાથે આ પત્ર મોકલું છું. તબિયતને લીધે ત્યાં ન આવી શકું એ તું સમજી શકે એમ છે.

તું આવી હતી. તારું અપમાન મારાથી થઈ ગયું એથી જ તને દુ:ખ થયું છે ને? ગાંડી, હું તારા પર રોષ કરું ખરો?

તને મેં નિશાળમાં પ્રથમ જોઈ ત્યારે હું લગભગ કિન્નર બની ગયો હતો. હું આ પૃથ્વીને તદ્દન મૃતાત્માની જેમ વીસરી ગયો હતો. તે સમયે હું ચોમેર અનુભવતો હતો, માત્ર મારી લલિતામય ઉપસ્થિતિ. મને ત્યારે સમજાતું નહોતું હું શી પ્રવૃત્તિ કરી રહ્યો છું. મારી પ્રવૃત્તિ તે વખતે સાવ સમજનિરપેક્ષ હતી. કહેવું હોય તો કહેવાય કે ‘મારું હોવું’ નો મને અખ્યાલ સતત થયા કરવો એ જ જાણે મારી પ્રમુખ પ્રવૃત્તિ હતી. આ જે અત્યારે તું વાંચે છે, એ તો તે વખતના મને–તારા સમગ્રમાં સેળભેળ થઈ ગયેલા–મને સમજવાનો બૌદ્ધિક પ્રયાસ કરું છું.

ભલુ કહે છે, તું ખૂબ રડયા કરે છે, ખાતી નથી, રાત્રે પણ તારા ખંડની બત્તી બળ્યા કરે છે. ગાંડાની જેમ વાત કરે છે, એ બિચારો મને બીજું કહેય શું? તેં તારા સત્યને કરોડ કરોડ યુગોથી જોયો નથી. તે યુગો પણ કેવા–કાળમીંઢ. તારી દૃષ્ટિ મારી દૃષ્ટિ સુધી લંબાયેલો એ કાળમીંઢ યુગ–સેતુ અત્યારે તને બચકાઈ ગયેલો લાગે છે, ને એટલે જ તું રડી લે છે.

મેં તો તારા પર રોષ કર્યો; પણ તું ક્યાં એમ કહી શકે એમ છે? લલિ, તને કહું, રોષનો ડંખ મારવાની મારી વૃત્તિ જ તારા-મારા પ્રણયને પ્રગાઢ કરે છે. તને શી ખબર પડે, સર્પના ડંખની એ તો આવેગમય ચૂમી છે. તું એને રોષ નામ આપે તો આપ, મારી કંઈ ના નથી.

થોડાક દિવસ પહેલાં હું ખેતરમાં ગયેલો. સાંજ હતી, બેસવાનું ગમેલું. એટલામાં મારી નજર નજીક સર્પયુગલ પર પડી. બન્ને પરસ્પર ક્રિડામય સ્થિતિમાં હતાં. થોડી વાર ચૂપ થઈને પડી રહે. પાછાં ઊંચાં થઈ થઈને એકમેકને ફેણની ઝાપટ લગાવે. જો એ ઘડીએ મેં એમાં વિક્ષેપ નાખ્યો હોત તો? તને કહી દઉં : હું ગરોળીથી ખૂબ ડરું છું. સર્પને મારું સ્વરૂપ માનું છું. એટલે એને જોવો મને વિશેષ ગમે છે. એની કાળી-સુંવાળી ત્વચાનો માદક – તું એને વિષલસ્પર્શ કહેશે એ હું જાણું છું. એ સ્પર્શ આ રોગ પહેલાં હું ઘણી વાર માણી ચૂક્યો છું. તું સ્રી છે, સમજી શકશે. સ્રી છે, એટલે જ નહીં, મનુષ્ય એટલે. પ્રત્યેક સજીવ પંિડનો એ સ્વભાવ છે, રસ છે. તનેય કદાચ. સાજો થવા દે એક વાર પછી તને ભોળવીને એક વાર-માફ કર મારી લલિ, તને આવું કહેવા જતાં મારું મન અત્યારે ભાન ભૂલી ગયું છે; તને આમ કહીને દુ:ખી ન કરવી જોઈએ મારે. એ દિવસે મેં પેલા સર્પયુગલને છંછેડયાં હોત તો એ મને કરડી નાખત. મારી અવસ્થા પણ અત્યારે એ જ છે. મને કોઈએ છંછેડયો છે, આપણને કોઈએ અલગ કર્યાં છે. આપણને એકબીજાને કરડતાં કરી નાખ્યાં છે કોઈએ.

લલિ, તને હું આ રીતે ડંખ દઈને તારી વેદનાને મારી વેદનામાં સંભારી દઈ એને એકત્વ સમર્પું છું. તારી વેદના મારી વેદનાથી સહેજ પણ વિભિન્ન થઈ જાય એ હું ક્ષણાર્ધ માટે ન સાંખી શકું. એ મારી વેદના છે. મારી લલિની વેદના મારી જ હોય. એ અલગ પડી છે એવું મનમાં થતાં હું તક્ષકની જેમ ડંખ મારું. મને–તને–અને સર્વને વળી. અન્યને ડંખવાનું વ્યસન, તને ડંખું એનાથી લગીરે જુદું નથી. મેં હમણાં જ તને ન લખ્યું? સર્પો કંઈ અમથા નથી ડંખતા. એ બીજાને ડંખતા હોય એવું તો તટસ્થને દેખાય છે– લાગે છે. પણ ખરેખર તો એ સ્વયંડંખી છે. સજીવ પંિડ સ્વયંડંખી જ હોય–થાય ત્યારે એને પ્રેમ-વિરહ જે કંઈ કહેવું હોય તે કહેવાય. મારે મારી વેદનામાં મારી પોતાની વેદના ઉમેરવી છે, સમાવવી છે. અલગ વેદનાથી જીવાતું નથી. એવું લાગે ત્યાં સુધી તો ક્યારેય જીવાતું નથી.

સૂર્યાને પ્રથમ રાત્રિએ કહ્યું હતું : ‘તું મારી લલિતા છે.’ ત્યારે પણ એણે મારો તિરસ્કાર કર્યો હતો. મારી હાજરીને એના વસ્રની જેમ દૂર ફેંકી દઈ તે ખસી ગઈ હતી. એમ કરીને એણે લલિતાના સત્યની અવમાનના કરી હતી. એટલું જ નહીં એણે અજાણતાં જ લલિતા તરફ મને ફેંક્યો હતો. લલિતા એના સત્યને લલિતા સુધી જ ફેંકી શકે ને? સાચું કહું, એ રાત્રે મારું સર્પસ્વરૂપ પ્રકટ થયું હતું પણ સૂર્યા લલિતા ન બની શકી. ને મારા સર્પત્વને સ્વપ્નનો આશ્રય લેવો પડેલો. આ પત્ર લખું છું–ત્યારે હું એવી સ્થિતિમાં પડી ગયો છું કે લલિ, અત્યારે સૂર્યા લલિતા બનીને આવે, તું સ્વયં મને જગાડવા આવે તો પણ હવે એ શક્ય નથી. તને કહું, મારા મૂત્રાશયમાં પણ રોગ પ્રવેશી ચૂક્યો છે, હવે તો. ગયે મહિને જ એક રાત્રે હું જાગતો સૂતો હતો. બપોરે ઓવારા પર એક શ્વાનયુગલને રતિસ્થિતિમાં જોઈને મેં તક્ષકનું સ્મરણ કરેલું. પરંતુ વ્યર્થ. સૂર્યાએ એ રાત્રે મને શું કહેલું–લખું તને? તને દુ:ખ ન થાય તો–જો. એણે મને કહેલું: ‘મારા પિયરમાં તમારી નાતના રહે છે. એમના થાબોટાનો અવાજ અહીં મને સંભળાય છે.’ તને સમજાયું? પણ હું શું કરું? એ માને છે…એ સત્ય છે. છ સાત દિવસથી તો આલ્બ્યુમીન ખૂબ જતું હોય એમ લાગે છે. હું કોઈ પણ સગીને લાયક…

મને હવે લાગે છે, અહીં રહેવાને બદલે હું અમદાવાદ જતો રહ્યો હોત તો પ્રાફેસર મૅયો મને બચાવી લેત. એમનો સ્પર્શ સંજીવની છે. તેં એમને નથી જોયા. પણ ખબર છે, મેં એક વખત સેનેટોરિયમમાં એમનો પત્ર સંભળાવેલો. એમણે લખેલું : મનુષ્યનાં બે વિભિન્ન પાસાં છે, અને તે પરસ્પરનાં પૂરક છે. ત્યારે તો મારી જોડે બેસી ગયેલી અને હસી પડેલી. પરંતુ કહું તે વખતે તને હું મારી લલિતા તરીકે નહીં ઓળખી શકેલો. મને તો લાગ્યું હતું તું મારી મશ્કરી કરે છે. સૂર્યા પર હજીય મને ચીડ ચડે છે. પણ તું આવી ત્યારે પેલું કહેતી હતી, ‘રજા વગર નથી આવી.’ મને લાગે છે સૂર્યાએ જ તને મારી પાસે બોલાવી હતી. ખરું ને?

તને હું દુ:ખી નહીં કરું.’

નારણ સ્ટૂલ પર બેઠો બેઠો બીડી ફૂંકતો હતો. ભાઈ કાગળ વાંચીને આંખ ભીની કરી રહ્યા છે, એ જોઈને એણે બીડી પગતળે દબાવી ઓલવી નાખી.