અશ્રુઘર/૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચણા સુકાઈને કોઠીઓમાં ભરાઈ ગયા. રમેશની વહુ લાજનો ઓરડો ઓઢીને પાછી પિયરઘરમાં સ્કર્ટ પહેરવાય જતી રહી. રમેશને નડિયાદમાં એના સસરાના કારખાનામાં જગ્યા મળી ગઈ એટલે એ પણ પરણ્યો એવો જ નોકરીએ વળગી ગયો. સત્યે એક બકરી ખરીદી. વહાલમાં એનું નામ રમતી પાડયું હતું. એટલે કાશી ઘણી વાર સત્યને ‘રમતીભાભી’ને સાડી પહેરાવો એમ કહીને ચીડવતી.

સેનેટોરિયમમાંથી ઘેર આવ્યા પછી એણે લેખન શરૂ કર્યું હતું. લખવા ધારી હતી વાર્તા પણ હજી અંત આવતો નહોતો. પ્રારંભમાં પોતે લખેલું જોઈ જતો પણ પછી લખી નાખવા તરફ વધારે રસ વધ્યો ને લખાતી રહી. કદાચ લઘુનવલ થાય.

ખેતરમાંથી એ ઘેર આવ્યો ત્યારે માએ એક મહેમાનકન્યાની ઓળખ આપવા માંડી :

‘આ કાશીની નાંની બોંન. સૂર્યા. વિદ્યાનગરમાં ભણે છે. રજાઓમાં અહીં રહેવા આવી છે. એ કહે તારું નામ તો એણે ચોપડીઓમાં વાંચ્યું છે. એને તારી વાર્તાઓ બૌ ગમે છે. તું પેલું કશુંક લખે છે ને, એ ક્યારનીય જોતી હતી. બેહો બેય જણાં વાતો કરો, હું રસુલાની દુકાનેથી શાક લઈ આવું.

સત્યે સૂર્યાને નમસ્કાર કર્યા અને પોતાના સર્જનમાં એ રસ લે છે તે માટે પોતાનો આનંદ વ્યક્ત કર્યો.

‘સારું થયું તમે અમારાં મહેમાન બન્યાં. મને તો લાભ થશે.’

એને બેસવા સત્યે ખુરશી તરફ હાથ લાંબો કર્યો. એટલે આખાય દેહમાંથી લાવણ્યનું દરિયાવ મોજું ઊંચું ચડીને શમતું હોય એમ તે બેઠી. વૈશાલીની આમ્રપાલી નવે અવતાર આવી હોય એવી એની હૃદયલુબ્ધક દૃષ્ટિ હતી. સત્યને જોવાનું ગમે એવું એનું સૌંદર્ય હતું. ‘મને તમારા સ્રીપાત્રમાં ગરબડ થએલી લાગે છે. હું ધારું છું ત્યાં સુધી નામકરણમાં તમે હજી એક નામ નક્કી કર્યુ નથી લાગતું. તમારી નાયિકાને પ્રારંભમાં તમે તલપી કહીને ઓળખાવો છો, ચારેક પાન પછી પાછા લલિતા કહો છો, એ કેવું? કે પછી એ સેકન્ડ તો નથી ને! બાકી તમે લખો છો બ્યૂટિફૂલ….’

ને એણે એકી સાથે હોઠ, નેત્રપલ્લવી; ડોક અને કેડથી ઉપરનાં અંગોને એવો તો હિલ્લોળ આપ્યો કે સત્ય જો મનવેગે ક્યાંક ચાલ્યો ન ગયો હોત તો તે બે બહેનો વિષે અભિપ્રાય આપી બેસત.

કાશી બોર વેચવા નીકળે એવી ને આ ખરીદે એવી.

‘બાકી લલિતા નામ કરતાં તલપી મોર્ડન લાગે છે.’

સત્યનું મન સેનેટોરિયમને અડી આવ્યું હતું.

‘મિથ્યા છે.’ એનાથી બબડી જવાયું.

‘મિથ્યા? ‘ સૂર્યા ખુરસી ખસેડી નજીક આવી.

‘આ પૃથ્વી પર કશુય મિથ્યા નથી. એવું હોય તો તમે લખો છો શા માટે? તમે તમારાં બા સાથે, પિતા સાથે, મારી સાથે વાત કેમ કરો છો? કેમ કરી શકો? મિથ્યાપણાનો ભાવ તમને આ સજીવ મનુષ્યો વચ્ચે, કલ્પિત વ્યક્તિઓ વચ્ચે રહેવા પણ ન દે. જો જો મિથ્યાવાદી બની જતા, નહીં તો આ સૌંદર્યસભર સૃષ્ટિને ઉપભોગવાનું મન પણ નહિ થાય.’

સૂર્યા બોલ્યે જતી હતી છતાં એને સાંભળતો હોય એમ એના મોં ભણી તાકી રહ્યો.

‘શું જોઈ રહ્યા છો મને? સૌંદર્યની વાત કરું છું એટલે…(?) ‘

‘ના. હું વિચારું છું. તમને કવિતામાં રસ છે કે વાર્તામાં?’

‘બન્નેમાં. જેમાં આનંદ મળે એમાં મને રસ છે. તમારાથી મને આનંદ મળતો હોય તો તમારામાં પણ.’

અચાનક રમતીનો અવાજ સાંભળ્યો. ખેતરમાંથી આવતાં એ પોતાને જોઈ ગઈ છે એટલે જ ક્યારની બેં બેં કરતી હશે. એ તરસી થઈ હશે.

‘ચાલો, હું તમને મારી બકરી બતાવું.’

સૂર્યાને તે વાડામાં લઈ ગયો.

‘જોઈ? એક ટંકે સવાસેર દૂધ આપે છે.’

બકરી સત્યને સીંગડીઓથી ખંજવાળવા લાગી.

‘મારી મા કહે છે, ગયા જનમમાં એ સ્ત્રીનો અવતાર હશે. મને લાગે છે હું એનો પુત્ર હઈશ.’

‘પુત્ર નહીં; બીજુ કંઈક. જુવોને ક્યારની તમારા પગને ખંજવાળે છે, ચાટે છે’

સત્ય પાછો હઠયો કે તરત બેં બેં કરવા મંડી. કુંડામાંથી ડોલ ભરી એની સામે પાણી મૂક્યું, ‘જોયું ને! હું નથી કહેતી, એ પરભવની વાત સાંભળી ગઈ. સમજી ગઈ એટલે કેવી હર્ષ અ-હર્ષ વ્યક્ત કરે છે!’ સૂર્યાએ સત્યને ખભે સ્પર્શ કર્યો.

‘એનું લવારું ક્યાં છે?’

‘હું તો આને એકલીને જ લાવ્યો છું. રબારી કહેતો હતો એના લવારાને મેલડીને પાળે મૂક્યું છે. માને એ માટે એની સાથે ઝઘડો પણ થયો હતો.’

‘ચાલો, બીજું આવશે. કેમ નહીં? ગુમાવવાથી નિરાશા ન થવી જોઈએ એમ હું તો માનું છું. વ્યગ્રતાથી આનંદનો ક્ષય થાય છે; અને એવું થાય છે ત્યારે નવું કંઈ બનતું નથી. ઈશ્વર જેમ શાશ્વતકાળ આનંદ ભોગવે છે, તેમ તેમ સૃષ્ટિક્રમ કેવો અવિરત ચાલ્યા કરે છે! એને ક્ષણભરની પણ વ્યગ્રતા પોષાય નહિ. તો પછી આપણે શા માટે આનંદમુક્ત થવું જોઈએ? હું તો એમ પણ કહું કે આ બકરીને એનું લવારું ગુમાવ્યાનો શોક લગીરે થતો નહીં હોય. તમને પણ ન થવો જોઈએ. અને તમે તો પ્રશક્ત છો. વિષાદથી શક્તિને શા માટે ઓછી કરી નાખવી જોઈએ? ‘

‘શેમાં ભણો છો? ‘

‘ઈન્ટરમાં. કેમ પૂછવું પડયું? મારા અભ્યાસ વિષે જાણવાથી તમને કંઈ લાભ થવાનો છે? ‘

‘ના. આ તો સહેજ ઉત્કંઠા સહજ પુછાઈ ગયું.’એ ડોલ લેવા નીચો વળ્યો. ખીસ્સામાંથી પેન નીચે પડી ગઈ. સૂર્યાએ લીધી.

‘સુંદર છે! ‘ અને એ ફેરવી ખોલીને જોવા મંડી. ‘પાયલોટ. બ્યૂટિફૂલ!’

સૂર્યા પાસેથી સત્યે પેન સેરવી લીધી.

‘તમારા જેટલી એ સુંદર નથી.’ કહીને એણે પાછી ખિસ્સામાં મૂકી દીધી.

સૂર્યાએ માન્યું સત્યે પોતાના રૂપની સમીક્ષા કરી એટલે તે બોલી : ‘જો જો, મારી ઉપર વાર્તા ન લખતી બેસતા. એમ કરશો તો હું સમજીશ કે તમને મારામાં રસ નથી.’

સત્ય હસ્યો.

‘તો તમારામાં મને રસ છે એવું હું કઈ રીતે તમને પ્રતીત કરાવી શકું?’

‘બીજી ઘણી રીતો છે. પણ વાર્તામાં મને મલાવો – સ્થાન આપો એ મને ન ગમે. કેમકે મને કોઈ સર્જક દૃષ્ટિથી જુએ એ નથી ગમતું. હું સંપૂર્ણ સર્જાઈ ચૂકી છું. મારી રસવૃત્તિ હવે સર્જકની સમાન બુદ્ધિથી વ્યવહાર કરે એવી થઈ ગઈ છે.’

સત્ય એને જોઈ રહ્યો.

‘મને આમ તટસ્થ થઈને ન જુઓ. મારી સામે – સાથે વાત કરનારને હું ભિન્ન નથી રાખી શકતી. મને પુરુષની તટસ્થતા બિલકુલ ગમતી નથી. તમને હવે ખ્યાલ આવ્યો હશે. હું તમારી મૈત્રી ઇચ્છું છું. તમારું તાટસ્થ્ય મને નથી ગમતું તે એટલા ખાતર.’ સત્યને થયું આ છોકરી માત્ર થોડાક સમયમાં, હજી એને મળ્યે પૂરો કલાક પણ થયો નથી ને મૈત્રી ઇચ્છે છે! કમાલ છે!

એનાથી બે વિચાર વચ્ચે જેટલો અવકાશ બચે – રહે એટલો જ લલિતા અને સૂર્યા વચ્ચેનો રહેલો અવકાશ લાગ્યો. સૂર્યા લલિતાને અડી જવામાં જ છે! લલિતાને લઈને એ આઘો આઘો સરી ગયો હોય એવું લાગ્યું. હવે? ‘કેમ મૂંગા થઈ ગયા? સંમતિસૂચક મૌન છે, એમ હું માની લઉંને!’ – ને એણે સત્યને ગાલે હાથ અડકાડયો. કહેવાની જરૂર ન લાગી કે સત્યને એ સ્પર્શ કેફલ લાગ્યો.

એણે ઉત્તરમાં સ્મિત કર્યું. એમાં સંમતિ હતી-ન હતી-હતી. બન્ને ઘરમાં ગયાં ત્યારે અંદર મા અને રતિલાલ વાતો કરતાં હતાં. સત્યને લાગ્યું મા રતિલાલને વારતી હતી. પણ એ માનતો નહોતો. રતિલાલ ઓસરીમાં આવ્યો.

‘દિવારી ભાભી હું તો લખાઈ દઉં, છેડાછૂટનું ત્યારે.’

ને એ સત્ય તરફ ફર્યો. દિવાળી બહાર આવી.

‘એવું થતું હશે ભઈ? ‘ ને એણે સત્યને કાગળ ન લખવાનો ઇશારો કર્યો.

‘એ તો બધ્ધુંય થાય. હૅંડને સતિ, દોસ એક ધડધડાઈને તાર જેવો કાગર લખી આપ કે એ રાંડ ઊંચીનેંચી થઈ જાય.’

પાસે ઊભેલી સૂર્યાને જોઈને ઉમેર્યું.

‘એને ચેટલીવીહે હો થાય છે એની ખબર પાડી દઉં હા. હેંડ તું તારે.’ સત્યનો હાથ પકડીને સૂર્યા ભણી જોતો એને પોતાના ઘર ભણી લઈ ગયો.

આખે રસ્તે એના બૈરીપુરાણને સંભળાવતો રતિલાલ ઘેર આવ્યો.

‘આ વખત તો લખી જ નાંખ્ય. એને તેડવી જ નથી. એના ડોહા જોડે નક્કી કરી નાખીયે છેડાછૂટનું.’

સત્યે ધીમેથી શરૂ કર્યું :

‘જુઓ રતિલાલ, પયગમ્બર ઈશુએ કહ્યું છે કે “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ—”…

‘બેસને અવે વ્યભિચારીવાળી. પત્ની પત્ની કરતો હમજે નૈ ને! તું તારે હું લખાવું એમ લખ. મારું ઘર તો માંડતાં માંડશે પણ એને મંડાઈ દઉં. દિવારીની વાતની ગૈ છે, હજી આ’પા એની ડોક નથી ફરી.’

‘રતિલાલ યાર જવા દોને; કાકીને—’

‘ટપણી…’

‘પણ મારી પેનમાં શ્યાહી નથી. કાલે લખીએ તો ન ચાલે?’

‘કાલબાલ નૈ. તું છટકી જવા માગે છે. ઊભો રે’ હું સીસપેન લઈ આવું.’

‘ના યાર. રહેવા દો. મને મારી પેનથી જ સારું ફાવશે.’

‘મેર સાલી ટણપી.’ રતિલાલ ઊકળી બેઠો.

‘એમ કહેને તને લખતાં ચૂંક આવે છે. આ હિન્દીપેણમાં શું હીરા જડયા છે, પાછી બૌ’ નવઈની ખરીને! સાલી તું તો બકરી જ ચારી ખા જા.’

સત્યે છૂટકારાનો દમ લીધો. ઘેર આવ્યો.

સૂર્યા જમતી હતી.

‘ભઈ, આ સૂર્યાને મરચું ખાવાની આદત છે. એ તારી વાત પૂછતી’તી. મેં કહ્યું એને તો ગોળ ખૂબ ભાવે છે. નાંનો હતો ત્યારે એની ચડ્ડીમાંથી તળાવે ધોવા જઉં ત્યારે નવટાંક નવટાંકનાં ગાંગડા કાઢતી.’

સૂર્યા હસી પડી. સત્ય બેઠો.

‘તે પછી શું થયું? કાગર ન લખ્યો ને! ‘

‘ના.’

હારું કર્યું નૈ તો મૂઓ ગામ આખામાં ભસી વરત કે તેં કાગર

લખી આપ્યો. અને તારા બાપુ વઢત એ જુદું .’ પછી સૂર્યાને કહે,

‘એની વહુ મારા પિયરની જ છે, બોંન, એટલે.’

સત્ય હાથ ધોવા ગયો ત્યારે ઉમેર્યું :

‘અને પાછો મૂઓ નબરો છે. દૃષ્ટિનો ગંદો છે. જોજે એની જોડે વાતે વરગતી.’

સૂર્યાએ લીલું મરચું લીધું.

‘સરસ છે મરચું. ક્યાંથી લાવો છો તમે? આ ખેતરમાં કર્યા છે?’

‘ના બોંન, સતિનો ભઈબંધ છે. એની વાડીએથી રોજ આલી જાય છે. બચારો એય બૌ, હારો છોકરો છે. જોયો હોય તો ભલો માંણહ લાગે. કોઈ મુસલમાન હશે. વોણીઆ બામણના કુળનો હોય એવો છે. બચારો સતિને એની બહુ માયા છે.’

સત્ય જમવા બેઠો. એટલે સુરભિની બાધાની વાત કાઢી :

‘ભઈ, ઘરનાં બધાં આવતા રવિવારે ઉમરેઠ ભદ્રકાળી માતાએ ઉજોણીએ જવાનાં છીએ, રમેશ ને એની વહુ પણ આવશે બારોબાર. તું આઇશ ને? ‘

‘ના. મારે લખવાનું છે.’

સૂર્યાને એ ગમ્યું.