અષ્ટમોઅધ્યાય/સામ્પ્રત સાહિત્યસ્વરૂપો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સામ્પ્રત સાહિત્યસ્વરૂપો

સુરેશ જોષી

જુદાં જુદાં સાહિત્યસ્વરૂપો આજે શી સ્થિતિમાં છે? એક બાજુથી એવું કહેવાય છે કે there is an erosion of contours – હવે વિવેચને આંકેલી દરેક સાહિત્યસ્વરૂપની સીમાઓ ભાંગતી જાય છે. આમેય તે કોઈ પણ સાહિત્યસ્વરૂપની કેવળ કામચલાઉ વ્યાખ્યા જ આપી શકાય. કોઈ પણ સાહિત્યસ્વરૂપની ત્રિકાલાબાધિત વ્યાખ્યા આપી શકાઈ હોય એવું આપણા જાણ્યામાં નથી. કામચલાઉ વ્યાખ્યા પણ ઝાઝું કામ આપી શકતી નથી.

દરેક સાહિત્યસ્વરૂપનું આગવાપણું આપણે શી રીતે સ્થાપી આપી શકીએ છીએ? એનો આધાર એના રચનાસ્થાપત્ય પર રહેતો હોય એમ નથી લાગતું? વળી એ આગવાપણું એને બીજા સાહિત્યપ્રકારથી નોખું પાડે છે, પણ એ સાહિત્યસ્વરૂપનાં સર્વસામાન્ય લક્ષણો પ્રકટ કરતી કૃતિઓને દરેકને પણ પાછું પોતાનું આગવાપણું હોતું નથી? વળી હમણાંથી તો સાહિત્યમાં સમયના ટૂંકા ગાળામાં કેટલાં બધાં આન્દોલનો થતાં દેખાય છે! એ બધાં આન્દોલનો મૂળ નાંખીને દૃઢ થઈ શકતાં નથી તે ખરું; કેટલાંક આન્દોલનો તો ફેશનપરસ્તીમાં જ સરી પડે છે એ પણ ખરું – તેમ છતાં, આ પરિવર્તન માટેની ત્વરિત ગતિ આપણને કોઈ પણ સાહિત્યપ્રકારનાં દૃઢ લક્ષણો બાંધવાને જરૂરી એવો સમયનો ગાળો આપતી નથી.

સાહિત્યના વિકાસની ગતિમાં જુદાં જુદાં આવર્તનો આવતાં હોય છે. કોઈક વાર સર્જનપ્રવૃત્તિ વધુ બલવત્તર બને છે. ત્યારે સાહિત્યના ઇતિહાસે દરેક સાહિત્યપ્રકારનાં જે લક્ષણો બાંધી આપ્યાં હોય છે તેની સ્વીકૃતતાની માત્રા ઘટી જાય છે. વિવેચન મંૂઝવણમાં પડી જાય છે. થોડી વાર પૂરતો તો વ્યામોહ છવાઈ જાય છે. આને પરિણામે કેટલીક વાર વિવેચનમાં અસહિષ્ણુતા પ્રવેશી જતી દેખાય છે. સિદ્ધ થઈ ચૂકેલી પરમ્પરાથી ઊફરી જતી પ્રયોગશીલ રચનાઓને સાંખી લેવામાં આવતી નથી. પ્રશિષ્ટતાનો આગ્રહ રાખવામાં આવે છે અને નવીનને માટેની આસક્તિને રોમેન્ટિક ઉદ્રેક કહીને ભાંડવામાં આવે છે. વિવેચનનાં આવાં વલણોને કારણે જ કદાચ બધાં જ નવાં આન્દોલનો એમની પ્રારમ્ભિક અવસ્થામાં તાર સ્વરે પોતપોતાના ખરીતાઓ ઉચ્ચારતા હોય છે. એમાં વિક્ષુબ્ધતા, ઉગ્રતા અને આક્રમકતા કદાચ આ જ કારણે પ્રવેશે છે. ઘણું ખરું આવું દરેક આન્દોલન સાહિત્યમાં પ્રવેશી ગયેલી નરી પરમ્પરાપરાયણતાને કારણે ઉદ્ભવેલી નિષ્પ્રાણતાને દૂર કરવાના આશયથી થતું હોય છે.

સર્જનનો આ પ્રબળ આવેગ મન્દ પડે કે તરત અનુકરણની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. નવતર શૈલી નવીન આવિષ્કારો માટે હોય છે, એની રચનાગત રસકીય સાભિપ્રાયતા સર્જકે કૃતિમાં સ્થાપી આપવાની હોય છે. આમ નથી થતું ત્યાં અમુક એક સર્જકની કે સર્જકોના અમુક જૂથની જોહુકમી વર્તાવા લાગે છે. આખરે તો સર્જન સર્વથા વ્યક્તિગત એવી પ્રવૃત્તિ છે. સર્જક તરીકે તો એણે સ્વધર્મે નિધનને જ શ્રેયસ્કર ગણવાનું છે. આનું સ્થાન જૂથ પ્રત્યેની વફાદારી લે ત્યારે એમાંથી સમ્પ્રદાય ઊભો થયો, સમ્પ્રદાય અમુક પૂર્વનિર્ણીત આગ્રહો પર નભતો હોય છે. આથી એ આગ્રહોનું આધિપત્ય જ મૂલ્યનો ડોળ કરવા લાગે.

આ દરમ્યાન વિવેચન તો, જૂથની આ આક્રમકતાને કારણે અને વિદ્યાનિષ્ઠ સત્યપ્રિયતાથી જે કૌવત પ્રાપ્ત થતું હોય તેના અભાવને કારણે, પ્રભાવક બનતું અટકી ચૂક્યું હોય છે. આથી થોડો ગાળો અરાજકતાનો આવી જાય છે. એ ગાળામાં વિવેચનની નિષ્પ્રયોજનતા વિશે જોરશોરથી વાતો ચાલવા લાગે છે. વિવેચનનાં મૂળભૂત ગૃહીતોને પડકારવામાં આવે છે, એની ઠેકડી પણ ઉડાવવામાં આવે છે. જે કાંઈ વિવેચન અવશિષ્ટ રહે છે તે જૂથની પ્રવૃત્તિનું સમર્થન કરવા પૂરતું, હઠાગ્રહોપૂર્વક અશાસ્ત્રીય થવા મથતું, સર્જકને ઉદ્દેશીને લખાયેલા અંગત પત્રોના સ્વરૂપનું, યદૃચ્છાવિહારી આસ્વાદના સ્વરૂપનું, વ્યક્તિગત સંસ્કારનિર્ભર આત્મનિવેદનના સ્વરૂપનું જ બની રહે છે.

આ પ્રવૃત્તિને જૂથમાં ચાલી રહેલા આન્તરિક વિક્ષોભો અને ઉધમાતો જ ઇજા પહોંચાડે છે. એની પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. પાછી એક પરમ્પરા દૃઢ થતી આવતી જણાય છે. આ ગાળામાં વિવેચન પ્રથમ તો ભીરુ અવાજે પણ ક્રમશ: પ્રગલ્ભ બનતું જઈને વળી ક્રિયાશીલ બને છે. સાહિત્યની પ્રતિષ્ઠા એ કરવા ઇચ્છે છે, પણ હજી આત્મવિશ્વાસ પ્રકટ્યો નહીં હોવાથી આ પ્રતિષ્ઠા માટે એ સાહિત્યેતર આધારોને શોધે છે. આથી નર્મદના જમાનામાં હતું તેવું લોકશિક્ષણ, સમાજાભિમુખતા, માનવતાવાદ વગેરે સંજ્ઞાઓ પ્રચારમાં આવતી દેખાય છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યને કારણે કરવામાં જાણે કશુંક આછકલાપણું વર્તાય છે. આવી પરિસ્થિતિનો લાભ સાહિત્ય પર વર્ચસ્ સ્થાપવા ઇચ્છતા સમાજમાં રહેલાં પ્રતિષ્ઠાનો – establishments – લઈ લે છે, આવાં પ્રતિષ્ઠાનો સરકારી કે અર્ધસરકારી હોય છે. આ પ્રતિષ્ઠાનો સાહિત્યકારને માન્યતા આપવાનો વિશિષ્ટાધિકાર પોતાના હાથમાં લઈ બેસે છે. આત્મગૌરવે પ્રતિષ્ઠિત સર્જકને આવી માન્યતાની ખેવના હોતી નથી. પણ એવા સર્જકો તો વિરલ જ હોય એ સ્વાભાવિક છે.

આને કે તેને આવી માન્યતા મળી કે ન મળી એ સાહિત્યના વિકાસની દૃષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન નથી. પણ એથી મૂલ્યબોધ ડહોળાઈ જાય છે; આ પરિસ્થિતિની અસર આપણાં સાહિત્યસ્વરૂપોમાં જે પ્રયોગશીલતાનું આવકાર્ય લક્ષણ દેખાવા લાગ્યું હતું તેના પર પડી છે. પ્રયોગશીલતા હવે કુણ્ઠિત થઈ ગઈ છે, એટલું જ નહિ, એ પ્રયોગશીલતા એક અનિષ્ટ તત્ત્વ હતું એવું પણ બોલાવા લાગ્યું છે. સ્થિતિચુસ્ત વલણના આગ્રહીઓએ આ પરિસ્થિતિને વધાવી લીધી છે. મૂળે તો પ્રયોગશીલતા પાંગરે એવી આપણે ત્યાં આબોહવા જ નહીં, અને પ્રતિકૂળતાનો સામનો કરીને ટકી રહેવાનું કૌવત પણ ઝાઝું નહીં. ફરીથી સ્થાપિત પરમ્પરાના સહીસલામત માર્ગે, કશા પ્રતિરોધ વિના, ચાલ્યે જવાની અનુકૂળતા થઈ ગઈ.

આ સન્દર્ભમાં આપણાં સાહિત્યસ્વરૂપોના વિકાસની ગતિવિધિ જોઈશું તો જણાશે કે મોટા ભાગનાં સાહિત્યસ્વરૂપોનો વિકાસ સ્થગિત થઈ ગયો છે. કૃતિઓ ઢગલાબંધ રચાયે જાય છે. વિવેચનમાં એક બાજુથી મૂળભૂત મુદ્દાઓની તાત્ત્વિક ચર્ચા થયા કરતી હોવાનો ભાસ થાય છે ખરો, પણ ગ્રન્થાવલોકનમાં એ ભૂમિકા જાળવી શકાય છે ખરી? પરિસ્થિતિ તો એવી છે કે સર્જક અનુકૂળ સમર્થનો સહેલાઈથી મેળવી લઈ શકે છે. મોટા ભાગનાં સાહિત્યિક સામયિકો (હવે આ બહુવચન વાપરી શકાય?) સાહિત્યેતર વિષયોને પ્રાધાન્ય આપતાં થઈ ગયાં છે.

શુદ્ધ અને અશુદ્ધ સાહિત્યપ્રકારોની વાત થવા લાગી છે. કથાશ્રિત સાહિત્યપ્રકારોને અશુદ્ધ ગણવાનું વલણ ફરીથી દેખાવા લાગ્યું છે. સાહિત્યના કેટલાક પાયાના મુદ્દાઓ વિશેની સમજના અભાવને કારણે અવિવેકી વ્યવહાર આક્રમક રૂપ ધારણ કરતો જાય છે. નવલકથા અને ટૂંકી વાર્તા આનો સૌ પ્રથમ ભોગ બન્યાં છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં એનાં સર્વ પરિણામ સમેત માનવવ્યહારને નિરૂપવાની મહત્ત્વાકાંક્ષા હોય તે ખોટું નથી. એમાંથી જ જગતને કેટલીક મહાન નવલકથાઓ સાંપડી છે. પણ વિશાળ ફલક સ્વીકારનાર એક મોટો પડકાર ઝીલતો હોય છે. કેવળ બહુલતા સ્થૂલતામાં પરિણમે. ટોલ્સ્ટોય અને દોસ્તોએવ્સ્કીમાં સૂક્ષ્મતા સહિતની બહુલતા છે. રૂપરચનાનું ઋત ત્યાં જળવાયું છે. ‘વોર એન્ડ પીસ’ કે ‘બ્રધર્સ કારામઝોવ’ને દૃઢબન્ધ એવો આકાર નથી એમ ઉપલક દૃષ્ટિએ કહેવાયું હતું ને ત્યાં આલ્પ્સની પર્વતમાળાને શો આકાર છે એવો પ્રશ્ન પુછાયો હતો. અહીં આલ્પ્સનું સ્થાન આપણા પવિત્ર પ્રાચીન હિમાલયે લીધું, અને મહાન કૃતિઓને આકાર નહીં હોય તો ચાલે એવું તારણ કાઢવામાં આવ્યું. ટોલ્સ્ટોયની કૃતિઓની મીમાંસામાં આવાં વિધાનોનો જે પ્રતિવાદ થયો તેનો આપણે ત્યાં અર્ધજરતીય ન્યાયે ઉલ્લેખ થયો નહિ. ટોલ્સ્ટોયનાં પોતાનાં પણ, અનુકૂળ થઈ પડે એવાં, વિધાનો જ ટાંકવામાં આવ્યાં. આને પરિણામે રચનાબન્ધના ઋત વિનાની, હેન્રી જેઇમ્સે જેને ‘baggy monsters’ કહીને ઓળખાવી છે તેવી, રચનાનું ગૌરવ થયું. અનુભૂતિનાં સૂક્ષ્મ કળાપૂર્ણ નિરૂપણને સ્થાને અનુભવની વૈવિધ્યપૂર્ણ બહુલતા, એનું દસ્તાવેજી આલેખન ગૌરવ પામ્યાં. વાસ્તવિકતા ગ્રામાભિમુખ થવાથી જ આવે એવી માન્યતા કંઈક દૃઢ થવા લાગી. ગ્રામીણ બોલી, રૂઢ પ્રયોગો, સમસામયિક ઘટનાઓ, રાજકારણ – આટલું આમેજ કરવાથી વાસ્તવિકતા અને પ્રમાણભૂતતા સિદ્ધ થાય છે એવી છાપ હમણાંથી ઊપસી આવતી દેખાય છે. આવું બન્યું છે એનું કારણ વિવેચનની દિલચોરી છે, જેમ કાવ્ય સૂક્ષ્મ હોય ત્યારે એનું ઝટ પકડમાં નહીં આવતું કાવ્યતત્ત્વ પડતું મૂકીને કહેવાતા પણ્ડિતો છન્દ, અલંકાર અને વિષયની ઉપલક ચર્ચા કરીને જ અટકી જાય છે, એના aesthetic significanceને બદલે semantic loadને જ આંગળી ચીંધીને બતાવે છે તેમ નવલકથા અશુદ્ધ સાહિત્યપ્રકાર છે એમ કહી દઈને, એમાં થતા સૂક્ષ્મ નૂતન આવિષ્કારોને અવગણીને, વિવેચન જે ઝટ દઈને આંખે ચઢે છે તેવો – કથાવસ્તુનો, પાત્રોનો – અહેવાલ આપીને કૃતકૃત્યતા માને છે. જગત સાથેના સન્નિકર્ષમાં આવતાં આપણી ચેતના જે નવા નવા ઘાટ પામતી જાય છે તેને નિરૂપવાનું જાણે સાહિત્યનું કાર્યક્ષેત્ર રહ્યું જ નથી. જે પરિચિત છે તેનાથી ઝાઝા દૂર જવાનું સાહસ આપણામાં રહ્યું નથી. આપણે જેને નરી હકીકત કે ઘટના કહીએ છીએ તેના ગર્ભમાં પણ રહસ્ય રહ્યું હોય છે, જેને કારણે fact અને fiction વચ્ચેની વ્યાવર્તક રેખા લુપ્ત થઈ જાય છે એવું હવે બનતું નથી. કોષ્ટકબદ્ધ વાસ્તવિકતાને તોડીફોડી નાખવા મથતો સાહસિક નવલકથાકાર આપણી પાસે નથી. સામાન્ય કોઠાસૂઝથી પામી શકાય તેટલા જીવનનું અનુકરણ કરી આપનારો નવલકથાકાર આપણી પાસે છે. આ સાહિત્યસ્વરૂપમાં થયેલા નવા આવિષ્કારોનો એને ખપ નથી. યુરોપમાં ઓગણીસમી સદીમાં નવલકથાનું જે માળખું હતું તેનાથી જ એનું તો કામ નભ્યે જાય છે. ફલોબેરે કહ્યું હતું કે આ અવકાશમાં અધ્ધર રહેલી પૃથ્વી કશા આધાર વિના ટકી રહી છે. એને જો આધાર હોય તો અન્ય ગ્રહોની અને પોતાની ગતિના સંવાદી લયનો જ આધાર છે તેમ નવલકથાને પણ કશા બાહ્ય આધારની અપેક્ષા નથી; એ રચનાબન્ધથી જ સમાહિત સમ્ભૂત થઈને રહી શકે. એમાં વસ્તુ જેવું કશું હોય નહીં અને જો હોય તોય રચનાપ્રક્રિયા દ્વારા અદૃશ્ય બની ગયું હોય. પ્રયોગશીલ નવલકથા લખનારા આવી પ્રતિકૂળ આબોહવામાં કેવળ એક એક નવલકથા લખીને ચૂપ થઈ ગયા. ભવિષ્યના સાહિત્યના ઇતિહાસકારે આ ઘટનાની નોંધ લઈને એનું નિદાન કરવાનું રહેશે.

આ ગાળામાં કાવ્યતત્ત્વનું આક્રમણ બધાં જ મુખ્ય સાહિત્યસ્વરૂપો પર થયું. નવલકથાના નવા પ્રયોગોમાં આ કાવ્યતત્ત્વનો પ્રવેશ થયેલો દેખાય છે. ‘નાઇટવૂડ’ નામની નવલકથા વિશે એલિયટે કહેલું: ‘It is so good a novel that only sensibilities trained on poerty can wholly appreciate it.’ પણ આપણે ત્યાં મુશ્કેલી એ છે કે કાવ્યનું પોષણ પામીને ઊછરેલી સંવેદનશીલતા બહુ ઓછી માત્રામાં છે. આથી આવી પદ્ધતિથી રચાયેલી કૃતિની ઉપેક્ષા વિદ્વદ્વર્ગ દ્વારા પણ થવાની જ. વળી આ પ્રયોગો બધા સફળ છે એમ પણ ન કહી શકાય. કાવ્ય કૃતિમાં સમરસ થયું હોય તો જ ઉપકારક બને, એ આરોપિત હોય, કવિતાઈ કરવાના પ્રલોભનને વશ થયાના પરિણામ રૂપ હોય તો ઉપકારક ન બને. ટૂંકી વાર્તામાં પણ ઘટનાતત્ત્વમાં હ્રાસ સાથે કવિતાને પ્રવેશવાનો અવકાશ રચાઈ ગયો. આથી એને ‘ગદ્યદેહે વિચરતું ઊમિર્કાવ્ય’ કહીને પણ ઓળખવામાં આવી છે. પણ ત્યાંય ટૂંકી વાર્તાને માટે જે સન્દર્ભયોજના અનિવાર્ય છે તેને ભોગે એ ન આવી શકે. આ સૂક્ષ્મ વિવેક સમકાલીન વિવેચને કરવાનો છે; પણ જો એ પૂર્વગ્રહને કારણે આવી કૃતિની ઉપેક્ષા જ કરે તો તે ઇષ્ટ નથી.

કાવ્યમાં અછાન્દસ રચનાઓ સાવ લુપ્ત થઈ ગઈ છે એવું નથી, પણ એ જુવાળ ઓસરી ગયો હોય એવું લાગે છે. કવિતા જ પ્રકટ કરનારાં પતાકડાંઓની સંખ્યા વધી છે તેની સાથે ગૌણ કામચલાઉ કે શીઘ્ર કવિઓની સંખ્યા પણ વધી છે. વિવેચકોનું એમની તરફ દુર્લક્ષ ભલે હોય, એવા જ બીજા ગૌણ કવિઓ એમની પ્રશંસા કરતા રહે છે. પોતાની મર્યાદાઓને ઉલ્લંઘી જવી પડે એવું મોટું સાહસ કરવાનું એઓ જોખમ ખેડતા નથી. પરમ્પરાની જડ પકડમાંથી છૂટ્યા પછીની સ્વતન્ત્રતાનો કવિઓએ વિવેકપૂર્વક લાભ ઉઠાવ્યો હોય એવું લાગતું નથી. નાની પણ બાંધેલી આવકની જેમ કવિતા એમને મળતી રહે છે. પોતાના સમકાલીનોની પ્રવૃત્તિઓ પર એ નજર રાખ્યા કરે છે અને પાછળ ન પડી જવાય એની પેરવીમાં રહે છે. ગઝલ અને ગીતની ધારા લગભગ અસ્ખલિત વહ્યા કરે છે. એમાંના કેટલાકને ગજા બહારની પ્રશંસાનો અનિષ્ટકર લાભ પણ મળી ચૂક્યો છે. રમતિયાળ આછકલાવેડામાંથી એ કદીક કૃતક ગામ્ભીર્યની મુદ્રા ધારણ કરીને, થોડી ફિલસૂફી પણ ડહોળી નાખે છે, કલ્પનો અને ઇન્દ્રિયવ્યત્યયોની ભરમાર હજી ચાલુ છે. સ્વસ્થ સ્વરે નિરાડમ્બર પદાવલિથી કશુંક મર્મસ્પર્શી કહેવાની એને ધીરજ નથી. જીવનને ઊજવવાનો હિલ્લોલ ડોળઘાલુ વિષાદે ઢાંકી દીધો છે. શબ્દનું બ્રહ્માણ્ડ તો વિસ્તરેલું છે, પણ કવિ હજી જાણે એની નાની ઘોલકીમાંથી બહાર નીકળ્યો નથી. સમકાલીનોએ વાપરેલા શબ્દોમાં જ એ સલામતી શોધે છે. આ કવિને એની વાસ્તવિકતા સાથે એના કાવ્યમાં ઝૂઝતો આપણે જોતા નથી. એ રોમેન્ટિક ઉદ્રેકોને આધારે ક્યાં તો પોતાના આસમાની ભાવલોકમાં સરી જાય છે ક્યાં તો ઘૂંટણપૂર વિષાદમાં છબછબિયાં કરે છે. ખરી વાત એ છે કે આપણો જમાનો કવિતા જેવી પ્રવૃત્તિને આવકારવા જેટલું ગામ્ભીર્ય ધરાવતો નથી. ઘણા કાલજ્યેષ્ઠ સાહિત્યકારો અને વિવેચકો આધુનિક કવિતાને ગમ્ભીરતાથી તપાસવી તેને વૃથા કાલવ્યય ગણતા લાગે છે. નવીનતા ટકાવી રાખવાની મરણિયા વૃત્તિ આપણા કવિને સર્રિયાલિઝમના સીમાડા સુધી ખેંચી ગઈ. ત્યાંથી પાછો વળીને હવે એ પુરાણકલ્પનોના અડાબીડ અરણ્યમાં પ્રવેશવાની હામ એકઠી કરી રહ્યો છે. આત્મનિવેદનાત્મક કવિતાનો ‘હું’ હવે એટલો બોલકો રહ્યો નથી. દલપતરામનો આત્મા તર્પાય એટલી પ્રાસરમત અને વર્ણસગાઈની યોજના તો હજી ચાલે છે. છતાં વર્ષોથી બોલતો બંધ થયેલો કોઈ કવિ એકાએક કશીક અદ્ભુત વાણીથી આપણને ચકિત કરી દેશે એવી આશા વારેવારે પ્રકટ થયા કરે છે.

એબ્સર્ડ નાટકો હવે એટલાં ગાજતાં નથી. આયોનેસ્કો અને બેકેટ પાસેથી ઝાઝું શીખવાની આપણી દાનત નહોતી. શેરીનાટકો અને લીલાનાટકો આપણે અજમાવી જોયાં. વાસ્તવિકતાના બધા અસંગત અંશો હજી આપણી પકડમાં આવ્યા નથી અને એ અસંગતિને આવરી લે એવી કોઈ દૃષ્ટિ હજી આપણને લાધી નથી. પ્રયોગવિરોધી વલણે માથું ઊંચક્યું છે, લોકાભિમુખતાની વાતો ફરી ચાલવા લાગી છે. ક્યાંક નેપથ્યમાં ઊભો ઊભો ગાંધીજીનો પેલો કોશિયો મલકાઈ રહ્યો છે.