અહો બત કિમ્ આશ્ચર્યમ્/અપરિમેય વિશ્વ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપરિમેય વિશ્વ

સુરેશ જોષી

સવારે ઊઠીને આંખો ખોલું છું કે તરત જ આ અપરિમેય વિશ્વ મારા કાવ્યછન્દને છલકાવી દે છે. ‘આ મારી મુષ્ટિમેય ભાષામાં એ સમાતું નથી. એના બૃહત્ પરિમાણને આવરી લે એવો કોઈ છન્દ મને જડતો નથી. એની સાથે મેળવી શકાય એવો પ્રાસ પણ ક્યાં છે?’

અનેક ગતિના આવર્તો જેવા આ વિશ્વને હું નિસ્તબ્ધ નિશ્ચેષ્ટ બનીને જોઈ રહું છું. ગમે તેટલી મોટી વસ્તુ પોતાના નાનકડા હાથમાં સમાઈ જશે એવી ભોળા શિશુને શ્રદ્ધા હોય છે. એવી જ કશીક શ્રદ્ધાથી મારી હથેળી ખૂલી જાય છે. જાણે હમણાં જ આખું વિશ્વ આજ્ઞાંકિત બનીને ગોઠવાઈ જશે, એટલું જ નહીં એ વિશ્વ ગોઠવાઈ જાય પછી પણ મારી હથેળીમાં બીજી અનેક અનન્તતાઓને નિમન્ત્રીને વસાવવા જેટલો અવકાશ રહે.

સૂર્યના સૅન્ડપેપર સાથે ઘસાઈને મારા ઘરના આકારની બરછટ રેખાઓ ભુંસાઈ જાય છે. મારા ચક્રવર્તીપણાને જાહેર કરતા ધ્વજની જેમ આકાશ ફરફરી રહે છે. દિવસનો પ્રકાશ ગાઢી વૃક્ષઘટાઓમાં પણ પ્રસરી જઈને મારી આણ વર્તાવે છે. આ બાજુ નિદ્રાના વિસ્તરેલા ખણ્ડની સામુદ્રધુનીને ઉલ્લંઘીને અને બીજે છેડેના મરણના સામ્રાજ્યનો સીમાભંગ કર્યા વિના હું મારો મહિમા જાળવી રાખું છું.

પહેલું પંખી ઊડીને દિશાનું નામ પાડી મારી ભૂગોળની પ્રથમ રેખા દોરે છે. એના ઉડ્ડયન સાથે મૈત્રીનો વિશાળ ઉડ્ડયનપ્રદેશ ઊઘડી આવે છે. નદીની આછી ધૂસર રજતરેખા મારા નિયમિત લેખ જેવી અંકાઈ જાય છે. એમાં કેટલાંય આકાશ વિલીન થઈ ગયાં છે. માટે જ તો એમાં આટલું બધું રહસ્ય ઘુંટાયા કરે છે. એ રહસ્યને ઉકેલવા મથતો સૂર્ય દિવસને છેડે આખરે થાકીને એમાં જ ડૂબકી મારીને એ જ રહસ્યમાં ઓગળી જાય છે.

પર્વતો મારી વિભાવના રૂપે પ્રથમ દેખા દે છે. એ વિભાવનાઓની ઊંચી કરાડોને ઓળંગ્યા પછી સત્યના પ્રદેશમાં જવાય છે. પણ એની હમણાં ઉતાવળ નથી. એ દરમિયાન હિમાલય છો ને કુટુમ્બ વિસ્તારે.

રાત્રિનું એકાદ શાન્તિભર્યું સપનું ક્યાંક સરી ગયું હોય તો તેને હું શોધું છું. મારી બુદ્ધિ એની ઉદ્દણ્ડતા છોડીને ઠાવકી અને ઠરેલ થઈને એ શાન્તિને ખોળે બેસવા ઇચ્છે છે, મારાં ગુપ્ત રહસ્ય આ બુદ્ધિથી છળી નહીં મરે એવી મારી ઇચ્છા છે. તો જ કદાચ નાજુક રમણીયતાનો અહીં પદસંચાર થશે.

વનનો વિસ્તાર ગૌરવવંતો લાગે છે, એનાં ગૌરવ સાથે મારી આત્મીયતાની સીમાઓ પણ વિસ્તરે છે. મારો ઈશ્વર વાચાળ નથી. એની નિ:શબ્દતા જ એનો મહિમા છે. મારી બિડાયેલી પાંપણો વચ્ચેની નિમેષહીનતામાં મેં એનું સંહાિસન માંડ્યું છે. આ નિ:શબ્દતા જ એનો એક માત્ર સંકેત છે.

સર્વત્ર એક પ્રકારની હળવી પારદર્શક અલસતા છે. એમાં વહેતાં વહેતાં પોતાની જ ગતિથી સંમોહિત થયેલાં જળની ઘૂર્ણાયિત સ્થિરતા છે. એ સ્થિરતાને જ એકધારી સાંભળ્યા કરવાનું આ મુહૂર્ત છે. મારા રહ્યાસહ્યા શબ્દો આ નિ:શબ્દતાના ઉત્સવનાં ધજાતોરણ બની જાય છે. છીપલીએ છીપલીએ સાગર એનું અગાધ મૌન ઉલેચે છે.

પવનના સ્પર્શમાં પિતાનું કલ્યાણવાંછું વાત્સલ્ય છે. એ મારા દરેક પગલાની આગળ ચાલે છે ને મને આશ્વસ્ત કરે છે. વૃક્ષોની છાલમાં પવનની આંગળીની છાપ છે. શિરીષનાં પાંદડાં પવનની આંગળીનાં ટેરવાંને ચૂમે છે. સમડીની પાંખની અંદરની બાજુએ પવનનો રંગ છે. બહુ સ્થિર નજર કરીને જોઉં છું તો પવનની છબિ કોઈક વાર સ્પષ્ટ દેખાઈ જાય છે.

ભટકેલ સ્મૃતિનું એક ટોળું દિવસ થયો છતાં પાછું નહોતું ફર્યું. તે હવે અજવાળાથી મોઢું સંતાડીને આશ્રય માંગે છે. એના પાછા વળ્યાથી હૃદયનું વજન સમધારણ બની રહે છે.

આકાશ આટલું સનાતન લાગે છે તે કદાચ એની નિ:શબ્દતાને કારણે. શબ્દ જ શાશ્વતતાના શત્રુ છે, દરેક શબ્દ સીમાચિહ્ન છે. આટલો બધો પ્રકાશ ઝરણામાં વેરાઈ ગયો છે. એ બિચારું એનો ભાર શી રીતે ઝીલશે? આથી એના થોડા ખણ્ડ એકઠા કરી લેવાનું મન થાય છે. મને જો મોહ હોય તો કેવળ ઉજ્જ્વળતાનો છે. આથી નરી ઉજ્જ્વળતાના પર્યાયરૂપ દીપશિખાને હું અદેખાઈથી જોઈ રહું છું. એ અદેખાઈનો પડછાયો મારા ઇષ્ટ દેવતા પર પડે છે ને એઓ ત્રીજું નેત્ર ખોલવા જાય તે પહેલાં હું અલોપ થઈ જાઉં છું.

કોઈના પ્રેમથી છલકતા હાથોનો ઠેલો મારી હથેળીને વાગે છે ત્યારે મારા આનન્દની ઘડી આવી લાગી હોય એવું અનુભવું છું. એ ઠેલાથી જ તો ગ્રહો ગતિમાન બને છે. રાહુ એની અમંગળ છાયા સંકેલીને ચાલવા માંડે છે. શનિનાં વલયો ફરવા માંડે છે. મંગળને પણ સ્થાનફેર કરવો પડે છે.

નદીકાંઠેનાં બરુ જેમ નદીનાં પાણીનાં આન્દોલનને તાલ આપ્યા કરે તેમ હું આ વિશ્વના લયને તાલ આપતો ડોલું છું. આ મુહૂર્તે મારા શત્રુની ‘હા’માં ‘હા’ ભેળવી દેવા જેવી સુખભરી અસાવધતાથી છલકાઈ ઊઠ્યો છું.

28-7-74