અહો બત કિમ્ આશ્ચર્યમ્/અસ્તિત્વની સ્વીકૃતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અસ્તિત્વની સ્વીકૃતિ

સુરેશ જોષી

આ અસ્તિત્વને સ્વીકારવું કે ન સ્વીકારવું એ સમસ્યા હૅમ્લેટને માટે ઊભી થયેલી. ત્યાર પછી દોસ્તોએવ્સ્કીના પાત્ર ઇવાને તો સંમતિ વિના આપેલી આ જગતમાં પ્રવેશવાની પ્રવેશપત્રિકા ઈશ્વરને પાછી વાળવાની ઘોષણા કરેલી. બીજી બાજુથી કેટલાક કવિઓએ આ પૃથ્વી પરના તુચ્છ લેખાતા તૃણાંકુર થઈને પણ જીવવાની ઉત્કટ ઇચ્છા પ્રગટ કરી છે. કેવળ હોવું એ માનવીને માટે શક્ય નથી. એ હોવાની આજુબાજુ સ્મૃતિ વિસ્મૃતિ અધ્યાસ આભાસપ્રલોભન પશ્ચાત્તાપ આસક્તિવિરકિતનાં ઝાંખરાં ઊગી નીકળે છે. માનવી પોતાની કહેવાતી સ્વતન્ત્રતા પુરવાર કરવાને જ કેટલીક વાર અસ્તિત્વને ઇન્કારે છે.

આ બધાંને પરિણામે એક વાત સ્પષ્ટ થઈ ઊઠે છે : અસ્તિત્વને માટેનાં વાજબી કારણો, કાંઈ નહીં તો પોતાની જ સમક્ષ, રજૂ કર્યા કરવાની માનવીને માટે એક અનિવાર્યતા છે. જે અસ્તિત્વને પ્રગલ્ભતાથી પૂરું સ્વીકારે છે તેને માટે જ આ પ્રશ્ન ઊભો થાય છે. નાનાં નાનાં દુ:ખ કે ક્ષુદ્ર વાસનાઓની અતૃપ્તિથી કચવાઈને જે ત્રાગું કરે છે તેને તો આ મૂળભૂત પ્રશ્નની સાચી માંડણી સમજાતી જ નથી હોતી. વ્યસ્ત પ્રમાણ એ આપણી બુદ્ધિને તથા આપણા હૃદયને ડહોળી નાખવાની વસ્તુ છે. માનવીની પામરતા ત્યાં જ ચાડી ખાય છે. ક્ષુલ્લક એવા પ્રશ્નને એ અસામાન્ય મહત્ત્વ આપે છે, અને જાણે આત્મસન્માનનો કે પ્રતિષ્ઠાનો એક માત્ર આધાર એના પર અવલંબીને રહ્યો હોય એવી એ છાપ ઊભી કરવા ચાહે છે. પણ હું બીજાની અવમાનના કરીને મારું માન જાળવી શકું નહીં, કારણ કે માનવ હોવાને નાતે બીજાનું ગૌરવ જાળવવાનું મારે માટે અનિવાર્ય બની રહે છે. પણ કેટલાક ક્ષુદ્ર અહંકારનો એટલો તો પ્રચણ્ડ પડછાયો પાડતા હોય છે અને એ પડછાયાને જ પોતાના કરતાં એટલો તો સાચો માનતા હોય છે કે એની ઓથે પોતે સદા ઢંકાઈ જતા હોય છે તેની પણ એમને ખબર પડતી નથી.

ઈશ્વરનો પણ પડછાયો આપણને ખપતો નથી, કારણ કે પડછાયાને કેવળ ભૌમિતિક અસ્તિત્વ છે. અસ્તિત્વની શરૂઆત અણુથી થાય, પછી વિભુ સુધી જવાય. પણ વિભુત્વનું પ્રલોભન જબરું હોય છે. એક એવી પણ સ્થિતિ આવે છે જ્યારે અણુત્વ અને વિભુત્વનું સાપેક્ષતામૂલક ગણિત આખું ખોટું પડે છે. એ સમ્પૂર્ણ મણ્ડલાકારમાં અણુ અને વિભુના છેડા મળી જાય છે. પણ એ તો એક આદર્શ સ્થિતિ થઈ. આપણા બધા ઉધામા આ બે અન્તિમોની વચ્ચેના છે. માટે સાચું તપ ધ્રુવ જ કરી શકે. જે પોતાના કેન્દ્રમાં સ્થિર છે તે ધ્રુવ. પણ એ તો મને મારું કેન્દ્ર જડ્યું હોય તો જ શક્ય બને. જો એ બની શક્યું ન હોય તો હું અનેક કેન્દ્રો બદલતો રહું. ઐશ્વર્યપ્રાપ્તિ, પ્રતિષ્ઠાપ્રાપ્તિ, સત્તાશોખ આ બધાં કેન્દ્ર વચ્ચે માનવી અટવાતો ફરે છે.

ક્ષુલ્લક ને અલ્પ પરિમાણોને ફુલાવીને મહાન મનાવવા ઇચ્છતો માનવી જ સૌથી પામર લાગે છે. પામરતાનો જ આ દુનિયામાં ભારે ઘોંઘાટ હોય છે. રવીન્દ્રનાથે કહ્યું છે કે જે પ્રભાતે કમળ ખીલ્યું તે પ્રભાતે એના ડંકા ક્યાંય વાગ્યા નહીં. આટલો પ્રચણ્ડ સૂર્ય એની કશી જાહેરાત કરતો નથી, કારણ કે એ કશું ઢાંકતો નથી. જ્યારે પામર માનવીના મહાન થવાના પ્રયત્નોમાં બીજાને ઢાંકી દેવાની વૃત્તિ જ મુખ્યત્વે દેખાય છે. સૂર્ય આખો દિવસ પ્રકાશે છે પણ એ હમેશાં પોતાના તરફ આપણું ધ્યાન ખેંચતો નથી. આથી જ તો એના પ્રખર પ્રકાશમાં વૃક્ષોની પ્રલમ્બ શીળી છાયા પણ શક્ય બને છે. પ્રખરતા જો આત્મપ્રકાશ પૂરતી જ મર્યાદિત બની રહે છે તો એ પોતાને માટે પણ દાહરૂપ બની રહે છે. આથી આત્મપ્રકાશમાં જ રચ્યાપચ્યા રહેનારાના મુખ પર સૌમ્ય કાન્તિ નથી હોતી, પ્રસન્ન સ્મિત નથી હોતું, એની દૃષ્ટિમાં સ્નિગ્ધતા હોતી નથી. એના શબ્દમાં માધુર્ય નથી હોતું. એ સેવકોખુશામતિયાઓથી ઘેરાયેલો છતાં અટૂલો હોય છે.

અસ્તિત્વને સ્વીકારવું કે નકારવું એ પ્રશ્ન જગતને શૂન્યની સીમા જેટલે દૂર સુધી વિસ્તરતું જોઈ શકનારને માટે જ ઉદ્ભવે છે. આ વિસ્તૃતિના પરિમાણ વિના, એની અપરોક્ષ અનુભૂતિ વિના, આ શૂન્યની વાતને મોઢામાં મમળાવવી, અલ્પ સુખમાં આળોટતાં આળોટતાં આ શૂન્યની વાત બહેલાવી બહેલાવીને કરવી, એ માટે અપ્રામાણિકપણે વાણીવિલાસ કરવો એ બાલિશતા છે. નિ:શબ્દતા અને મીંઢું મૌન એ બેમાં ફેર છે. ભાષાનાં વિશાળ મેદાનો પર ઘૂમી વળ્યા પછી જે નિ:શબ્દતા છવાયેલી અનુભવાય એ તો એક વિરલ પરિસ્થિતિ છે. અવાજના તરણાને બાઝીને જીવનારો એની વાત શી રીતે કરી શકે?

આ અનુભવ થતા પ્રત્યેક પળે આપણે નિ:શબ્દતાના પ્રસારને ઉંબરે ઊભા હોઈએ એવું લાગે છે. આ પ્રશાન્તિ દુ:સ્વપ્નોના પડછાયાથી ક્લુષિત નહીં થાય તેની હૅમ્લેટને ચિન્તા હતી. પ્રકટતાના ઉકરડા નીચે હવે નિ:શબ્દતા અંકુરિત થઈ રહી છે. એની જેને એંધાણી મળી ચૂકી છે તેની વાણીમાં પણ આ નીરવતાનો રણકાર સંભળાય છે. આ નિ:શબ્દતામાં એકાકાર થઈ જતાં પહેલાં આપણા પડછાયાને સુધ્ધાં ભૂંસી નાખવાની જરૂર છે એવું સૅમ્યુઅલ બૅકૅટે કહ્યું છે. એની એક નવલકથામાં કાદવિયા ભોંય પર એક પાત્ર ગબડી પડ્યું હોય છે ત્યારે એની સાથે જેઓ હતા એમ એણે માન્યું હતું તે પણ એક ભ્રાન્તિ હતી તેનું એને ભાન થાય છે. આ દૃષ્ટિએ ચાર્લી ચેપ્લિન અને ફ્રાન્ઝ કાફકામાં ઝાઝો ફેર નથી. ફ્રાન્ઝ કાફકાની સૃષ્ટિમાં આછું ધુમ્મસ છે. દુર્ગનો અણસાર છે એવી ભ્રાંતિ રહ્યા કરે છે, પણ બૅકૅટની સૃષ્ટિમાં એ ભ્રાન્તિ પણ રહેતી નથી. ‘વેઇટિંગ ફોર ગોદો’માંના વ્લાદિમિર અને એસ્ટ્રાગોનને કોઈ દુર્ગનો અણસાર કે ક્ષિતિજની રેખા સુધ્ધાં દેખાતી નથી.

બૅકૅટનો પ્રશ્ન છે. ‘કોઈ આવા નિબિડ અન્ધકારમાં નિશ્ચિતતાપૂર્વક શી રીતે કશી વાત કરી શકે?’ આથી જ કાફકાની નવલકથા ‘દુર્ગ’માં લોકો જુદી જુદી દિશામાં દુર્ગને ચીંધી બતાવે છે. આપણને આપણી પોતાની અખણ્ડ પ્રતીતિ થયા કરે છે એવું નથી. એ અલપઝલપ ઝબકી જાય છે, એટલું જ. આથી એને વિશે નિશ્ચિતતાની પરિભાષામાં વાત કરવી એ દમ્ભ છે. પણ કેટલાક નિ:સંકોચપણે નિશ્ચિતતાથી વાતો કરતા હોય છે. અસ્તિત્વ સંકોચાઈને એક ભૌમિતિક બિન્દુ જેટલું બની જાય છે, એની ચારે બાજુ નિરાકારતાનો સાગર છલકાય છે. આવી ભીષણતા વચ્ચે ઊભા રહ્યા પછી જે વાણી મહાપ્રયત્ને ઉચ્ચારી શકાય છે, તેમાં જે નિ:શબ્દતા સાથે અથડાઈ ચૂક્યાને કારણે ઊભું થતું આન્દોલન હોય છે, એનો જે આગવો સ્પન્દ હોય છે તે આપણે ત્યાંના ‘એબ્સર્ડ’ની વાતો કરનારાઓની કૃતિમાં અનુભવાય છે ખરો? રંગભૂમિ પર કોઈ પણ થોડા સમય માટે રાજાનો પાઠ કરી શકે, પણ એને રાજા હોવા સાથે સમ્બન્ધ નથી.

આપણા યુગમાં વર્તમાનમાં ઓતપ્રોત થઈને રહેવું, ભૂતકાળના ભૂંસાયેલા નક્શાની રેખાને કશીક રાસાયણિક પ્રક્રિયાથી ફરી ઉદ્ભાસિત કરવાનો પ્રયત્ન કરવો એ પ્રવૃત્તિને કશો આધાર રહ્યો નથી. હું નથી એમ નિશ્ચિતતાથી કહી શકાતું નથી. હું હતો એમ કહેવા જતાં વાક્ય અર્ધેથી તૂટી જાય છે. આથી બૅકૅટ કહે છે કે આવી બાબતમાં કશું નિશ્ચિતતાપૂર્વક કહેવા જવું એ જ મૂર્ખામી છે. પહેલેથી કશું નક્કી કરી રાખવું નહિ. આપણે કદાચ હતા નહિ. પણ ભવિષ્યમાં હોઈ શકીએ. તો એની સમ્ભવિતતાની પ્રતીક્ષા કરવી. માનવીની એક માત્ર સાચી પ્રવૃત્તિ છે પ્રતીક્ષા કરવાની.

પોતાને જે થાય છે તે નર્યું પોતાનું છે કે એ પોતાના દ્વારા થતી કશીક પ્રક્રિયા છે? આથી હું મારે વિશે માંડીને શી વાત કહી શકું? માટે જ મારે મારી કશી કથની જ નથી, આથી જ તો હું પેલા ભૌમિતિક બિન્દુ આગળ અટકી ગયો છું. પણ આ બધું જ સાપેક્ષ છે, માટે જ પરિમાણો સાચવવાં પડે છે. બધું યથાયોગ્ય પરિપ્રેક્ષ્યમાં ગોઠવવું પડે છે. આને માટે જે પરિપ્રેક્ષ્યમાં આપણે ગોઠવાઈ ગયા છીએ તેની બહાર નીકળી જઈને ફરીથી પોતાને જોઈ લેવાની પ્રવૃત્તિને એક અનોખા કૌવતની અપેક્ષા રહે છે. એ કૌવત આપણી નવી પેઢીએ કેળવવું પડે.

1-9-72