અહો બત કિમ્ આશ્ચર્યમ્/રૂપાન્તરની સાધના
સુરેશ જોષી
આશાવાદ અને નફફટાઈને કેટલું છેટું? ભાદ્રપદની સોનેરી સવારે આ પ્રશ્ન પૂછવા જેવો નથી તે જાણું છું. કેમ્યૂએ પણ સૂર્ય સામે જોઈને આશાવાદ કેળવેલો. કાફકાની સૃષ્ટિમાં સૂર્ય લગભગ ગેરહાજર છે. આંખનું એક આંસુ આખા સૂર્યને ડુબાડી દઈ શકે છે. આંસુ એ પેલી રાજકુમારીની આંખમાંના મોતી જેવું લાગે છે. આપણી આ સૃષ્ટિમાં કોઈ સૂર્ય સૂકવી શકે નહિ એટલો બધો આંસુનો ભેજ છે. છતાં ભાદ્રપદની આ સવારે, શ્વાસ રૂંધાય છે ત્યારેય, મનમાં બે વસ્તુને જોડવાનું મન થાય છે. એથી જ તો શબ્દોને જોડવાને માટે સમ્બન્ધો શોધું છું. આખરે તો અન્વય વિના અર્થ નથી, અને કશી સાર્થકતા વિના આ જિન્દગીને કેવળ સહ્યો જવાનું પણ આપણને મંજૂર નથી.
ગ્રહનક્ષત્રોના સમ્બન્ધોનું ગણિત અટપટું હશે ખરું, છતાં માનવબુદ્ધિની પકડમાં આવે એવું છે. પણ માનવસમ્બન્ધોનું ગણિત વધારે અટપટું છે. જ્યાં સરવાળો કે ગુણાકાર થવાની શક્યતા લાગે ત્યાં જ એકાએક છેદ ઊડી જાય છે. આપણા હાથમાં શૂન્ય રહે છે. આ શૂન્યમાં આપણી ચેતના શૂન્ય બનીને તદાકાર થઈ જાય તો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ આપણી ચેતના, અસ્તિત્વવાદીઓ કલ્પે છે તેવો, શૂન્યાવકાશ નથી. એમાં સ્મૃતિ સંસ્કાર, અધ્યાસનાં જાળાં છે. ત્રણે કાળની સેળભેળ છે. પ્રાગૈતિહાસિક અરણ્યોનો આદિમ અન્ધકાર એમાં પથરાયેલો છે. આથી જ તો માનવીની સૌથી મોટી પ્રાર્થના પ્રકાશને માટેની છે. આ પ્રકાશ પોતે પ્રકટાવી શકે તે સૌથી મોટી સાર્થકતા.
આશા આ પ્રકાશ સાથે સંકળાયેલી છે. અન્ધકારમાં અન્ધકાર બનીને ભળી જવું કદાચ સહેલું છે, પણ એમાંથી પ્રકાશના એક તણખાને પ્રગટવાનું સાહસ કરવા તો આપણો જન્મ થયો છે. એ પડકાર ઝીલીને તો આપણે જીવવાનું સ્વીકાર્યું છે. કેટલી બધી કૃત્રિમતા વચ્ચે આપણે જીવીએ છીએ? હાસ્ય કૃત્રિમ, સમ્બન્ધો કૃત્રિમ, શબ્દો કૃત્રિમ – એ કૃત્રિમતાનાં થર બાઝતાં જાય છે. એને દૂર કરીને તાજગીનો અનુભવ કરીએ તો જીવવાનો ઉત્સાહ આવે. જીવન સર્વત્ર જીવન પ્રગટાવે, ચેતના ચૈતન્યને પ્રદીપ્ત કરે, સાર્થકતા સમર્થને પ્રકટ કરે, આવું બને તે માટે તો આપણો પુરુષાર્થ છે.
આની આડે ઘણા અન્તરાય છે. ઘણી વાર એક શબ્દ બોલવો તે ખૂબ ઊંડે ખૂંપી ગયેલા બાણને પોતાને હાથે બહાર ખેંચી કાઢવા જેવું હોય છે, છતાં એ શબ્દ તો બોલવો જ જોઈએ. ક્યાંક એ શબ્દના અભાવને કારણે જ કોઈક વાક્ય અધૂરું રહી જતું હોય છે. શબ્દનો વેપલો માંડી બેઠેલાઓની વાત જુદી છે. આ દુનિયાનાં માનઅપમાન, સુખદુ:ખ અને એવી તેવી અનેક ઉપાધિઓને અળગી કરીને જો આગળ જઈએ તો જ આ અન્ધકારને વીંધી જઈ શકાય. પણ ઘણાં આ ઝેર પચાવી શકતા નથી, વચમાં જ એઓ ઢળી પડે છે. એક ટીપું ઝેર તો આપણા બધા પાસે હોય છે. આપણી ઝેરની કોથળી ખાલી થતી નથી. આ બધા ઢળી પડેલાને ઠેકીને આપણે આગળ જવાનું છે, એટલું જ નહીં, જેમની પાસે ઝેર છે તેમને એકાદ બિન્દુ અમૃતનો સ્વાદ પણ ચખાડવાનો છે. પણ અમૃતનો જે સંચય કરવા ઇચ્છે છે તેની પાસે એવું પાત્ર હોવું જોઈએ જેને કાટ નહીં લાગે. આથી જ આપણા મનને દ્વેષનો, ક્રોધનો, વિષાદનો પાસ બેસવા દેવો ન જોઈએ, એવું જ થવાને લાખ કારણો છે, છતાં, આવું રક્ષાકવચ કોઈ દેવની પ્રાર્થના કરવાથી મળવાનું નથી, એ તો આપણે પોતે જ ઘડી લેવાનું રહે છે.
કાફકાએ આથી જ તો એક સ્થળે કહ્યું છે કે જે લોકો આ દુનિયાને પહોંચી નથી વળી શકતા, તેમનો એક હાથ એ બધાં જોડે ઝઝૂમવામાં રોકાયેલો છે, પણ બીજા હાથે એણે આ યુદ્ધની વાતનું આલેખન કરવાનું રહે છે. જે ખંડિયેરમાંથી એણે રસ્તો કર્યો તેનો એણે અહેવાલ આપવાનો રહે છે. આમ, એનું એક વિશિષ્ટ સ્થાન છે, કારણ કે એનું એક વિશિષ્ટ કર્તવ્ય છે.
તો આપણે અબુધ આશાવાદી નથી. વાસ્તવિકતાને સ્વીકારીએ છીએ, પણ એને નવો આકાર આપવાની આપણી શક્તિનેય આપણે નકારતા નથી. કેવળ ખંડિયેરના ભંગારને જોઈને આપણે બેસી રહેતા નથી, એને જોતા હોઈએ છીએ ત્યારે જ નવા સ્થાપત્યની રેખાઓ આપણા મનમાં અંકાતી હોય છે. વેદનાનું વિષ આપણે પચાવીએ, એથી થતું જ્ઞાન દુનિયાને આપીએ. વેદના સાથે આત્મસાત્ થઈને નહીં, એનાથી અળગા રહીને જ આપણે એને ઓળખી શકીએ. ભય છે – સૌથી મોટો ભય મરણનો, જે આપણી સર્વ શક્યતાઓનો અન્ત લાવી દે. પણ મરણ હોવા છતાં સૃષ્ટિમાં સાતત્ય અટકતું નથી. આપણું કાર્ય, આપણું જીવન બીજામાં ચાલુ રહે છે. આ બની શકતું હોય તો સર્જનનો પ્રવાહ અટકતો નથી. મરણની વેદનાનો ઓછાયો સરખો પડવા દીધા વિના કેવળ સાતત્યને જ ખ્યાલમાં રાખીને છેલ્લે છેલ્લે પણ રહીસહી શક્તિથી ઠેલો મારી આપવો, જેથી ક્યાંય કશું અટકી નહીં પડે એ જ આપણું ઇષ્ટ કર્તવ્ય છે. એવું પણ બને કે વર્ષો સુધી મરણ આપણા ખભેથી નીચે ઊતરે જ નહીં. છતાં આપણે એવું ગજું કાઢવું જોઈએ કે એનો ભાર ઉપાડીનેય આપણે જીવનની દિશામાં જ આગળ પગલાં ભરી શકીએ. આ તો કરવાનું જ રહેશે, નહીં તો કાદવિયા ભૂમિમાં, વિષાદના ધુમ્મસમાં, ઘણા અટવાઈ જશે, એમની દુર્ગતિ થશે.
સન્તપુરુષોના મુખ પર હાસ્ય હોય છે તે ઘુંટાયેલી વેદનામાંથી પ્રગટ્યું હોય છે. હું વેદનાને નકારતો નથી, એ વેદનાને સ્વીકારવી, એને હૃદયમાં સ્થાન આપવું પણ તે એનું રૂપાન્તર સિદ્ધ કરવા માટે. વેદના વેદના જ રહી જાય તો આ પ્રક્રિયા અધૂરી જ રહી જાય. કેટલાક આપણી એટલા નિકટ હોય કે આ પ્રક્રિયાના પણ સાક્ષી બને, પણ એઓ આપણી આ વેદનાથી ભડકે નહીં. એઓ જાણતા હોય છે કે વેદના કાચી ધાતુ છે. હજી એને સાચા સ્વરૂપે સિદ્ધ કરવી બાકી છે.
આ બની ચૂક્યા પછી જ પ્રસન્નતાને પ્રકટવાની ભૂમિકા રચાય છે. પ્રસન્નતાને માટે પૂરું મૂલ્ય ચૂકવી દેવું પડે છે. આપણે ક્ષુદ્ર રહીએ, સંકુચિત રહીએ તો આવડું વિરાટ જગત આપણામાં પ્રવેશ શી રીતે પામે? મારી પ્રત્યે અકારણ કે સકારણ ક્રોધ કરનાર, મારું અપમાન કરનાર, મારાં મૂળ ઉખેડી નાખવા મથનાર – આ સૌને હું આવકારું છું; નફફટ બનીને નહીં, પણ એ બધાં અનિષ્ટો સામે ટકી રહી શકે, એનાથી દૂષિત થાય નહીં એટલું જ નહીં, પણ એના દોષને સ્વચ્છ કરે એવું કશુંક મારી પાસે છે માટે – અને એ છે પ્રસન્નતા, આ પ્રસન્નતા વેદનાથી અસ્પૃષ્ટ નથી, એણે વેદનાને પણ સત્ત્વને રૂપે રૂપાન્તરિત કરી લીધેલી છે.
આ રૂપાન્તરની સાધના ક્ષણેક્ષણની સાધના છે. વેદનાનાં સાતે સાત પાતાળમાં ડૂબકી મારવાની છે. આ શરીર જે વ્યાધિથી દમે તેને પણ સ્વીકારવાનું છે. એના સ્વીકારવામાં જે પ્રતિકારની ભૂમિકા છે, મરણની શક્યતાને સ્વીકારવાની છે. એને કોઈ તૈયાર ફિલસૂફીનાં હાથવગાં આશ્વાસનોથી સહ્યા બનાવવાનો સહેલો રસ્તો શોધવાનો નથી, પણ મરણ છતાં, જીવનને માટેનો આનન્દ છલકાવ્યા કરવાનો છે.
27-8-71