આચમની/૨૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨

જ્ઞાન અને કર્મની જુગલબંદી જામે ત્યારે જીવનમાં કેવું ઓજસવંતુ અને મધુર સંગીત જાગે છે તેની વાત જ્ઞાનેશ્વરે કરી છે : ભીતરી જ્ઞાને ઉજાળિલા, બાહિર કર્મે ક્ષાળિલા. ભીતર જ્ઞાનથી ઉજ્જવળ અને બહાર કર્મથી નિર્મળ જીવનની ભાત જ જુદી છે. જ્ઞાન એ જાણે સૂર્ય-પ્રકાશિત માર્ગ છે અને કર્મ એ માર્ગ પર વધુ ને વધુ પ્રકાશ પામતાં પગલાં છે. પણ આવા પ્રકાશ માટે માણસે પોતાની ભીતરનાં પડ ભેદવાં જોઈએ. એ જાણે કૂવો ખોદવાનું, વાવ ગાળવાનું કે ‘બોરિંગ’ કરવા જેવું કાર્ય છે. ઘણીવાર જ્ઞાન માટે આ પુસ્તક કે તે પુસ્તક, અથવા આ મહાપુરુષ કે તે મહાપુરુષની શોધમાં માણસ ભટકે છે અને ખરું કામ કરવાનું રહી જાય છે. સ્વામી પૂર્ણાનંદ સરસ્વતીને બહાર ભટકવાથી એક અભણ માણસે ઉગારી લીધા હતા. એ પ્રસંગ અનુભવમાં ઉતારવા જેવો છે. સ્વામી પૂર્ણાનંદનું પૂર્વાશ્રમનું નામ પદ્મનાભ હતું. તે રેલ્વેમાં અમલદાર હતા. અત્યંત પ્રામાણિક, ‘કર્મે ક્ષાળિલા’ પુરુષ. તેમની જ્ઞાન-પિપાસા અતૂટ. ઘણાં શાસ્ત્રો વાંચ્યાં અને ઘણાં સંતજનો સેવ્યાં પણ ક્યાંય આત્માને સંતોષ ન થયો. તેમને એક વાડીમાં કામ કરતા અભણ આદમીએ ભીતરની વાટ ચીંધી. જેને શુદ્ધ ઉચ્ચાર કરતાં પણ ન આવડે તેણે પદ્મનાભનું જીવન સુધારી દીધું. તેણે કહ્યું : ‘હેં પદમનાભ, તારે કોઈને મળવું હોય તો ઈ રહેતો હોય ન્યાંકણે તારે જાવું જોયેં. તું જા ને ઈ તને મળે કે નોયે મળે. વળી ક્યાંક ગ્યો હોય તો તારે ધક્કો ખાવો પડે. પણ આ તો પદમનાભે પોતે પદમનાભને જ મળવાનું છે. તયેં પછી હડિયું શેનો કાઢે છે? બેહી જાને પલાંઠી વાળીને!’ પદ્મનાભને આ વેણ સોંસરવાં હૃદયમાં ઊતરી ગયાં. એ પેલા અભણ ભગત પાસે જ વાડીમાં રોકાઈ ગયા અને તે કહેતા કે તેમને પોતાના અંતઃકરણ અને આસપાસનાં ઝાડ, પાન ને હવાની લેરખીઓમાંથીયે ૐકારનો ધ્વનિ સંભળાય. આ ક્ષણભંગુર માટીના પિંડમાંથી તેમનો અક્ષર આત્મા બ્રહ્માંડમાં રમતો થઈ જતો. એ આનંદની તુલના કરી શકાય એમ નથી. આમ એક અભણ જ્ઞાનીએ પદ્મનાભને પૂર્ણાનંદ બનવામાં સહાય કરી.

***