આત્મપરિચય/એક મુલાકાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક મુલાકાત

અમે એમને ઘેર જઈને જોયું તો બહાર તાળું હતું અને આગળામાં ચિઠ્ઠી ભેરવેલી હતી. એમાં લખ્યું હતું : ‘ તબિયત ઠીક નહીં હોવાથી ચારપાંચ દિવસ બહાર ગયો છું. તમને મેં સમય આપેલો, પણ ખેર — ’ એમની વિચિત્રતાઓ વિશે સાંભળ્યું હતું. એટલે આ પણ એમની તરકીબ જ હશે એમ માનીને વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. પાછલે બારણે જઈ ટકોરા માર્યા. થોડી વાર સુધી તો કશો જવાબ મળ્યો નહીં. થોડી વાર સુધી તો કશો જવાબ મળ્યો નહીં. થોડી વાર સ્ટે્રટિજિક પીછેહઠ કરી લપાઈ ગયાં. અમારી યુક્તિ ફળી. દશેક મિનિટ પછી એમણે જાતે જ બારણું ખોલ્યું. અમે તરત એમની આગળ ઉપસ્થિત થઈ ગયાં. એઓ હસી પડ્યા અને બોલ્યા :‘આવો. મને લાગ્યું કે હવે બધું સલામત છે, પણ …’ અમે : આપની તબિયત ઠીક ન હોય તો — એઓ : ચાળીસ પછી બહાના તરીકે શરીર ઠીક કામમાં આવે છે. તબિયત ઠીક તો નથી જ પણ એ વિશે ઝાઝું પૂછશો નહીં. દાસ્તાન લાંબી ચાલશે — દાક્તરોની મૂર્ખામી, એન્ટીબાયોટીક્સથી થતી હાનિ, વૈદકના થોડા નુસખા, હોમિયોપથી વિશે થોડું — એ ક્યાં અટકશે તે કહેવાય નહીં. વળી શરીરની અસ્વસ્થતા અને મનની અસ્વસ્થતા વિશેના સાચાખોટા કલ્પિત ખ્યાલો — બસ! મારા મિત્રો સાથે વણઉચ્ચાતરાયેલો એક કરાર છે : મારી માંદગી વિશે કશું પૂછવું નહીં. અમે : હમણાં શું લખો છો? એઓ : થોડાક અંગત પત્રો, જેને વિશે હું તમને કશી માહિતી આપી નહીં શકું. અમે : હમણાં તમે કોઈ નવી નવલકથા, વાર્તા, કવિતા — એઓ : ના, કુસ્તીદંગલના હાકોટામાં સાહિત્યની વાત કોણ સાંભળવાનું હતું? પ્રૌઢો જુવાનિયાઓનો દોષ કાઢે છે, પણ એઓય કુસ્તીના રેફરીની જેમ નિર્ણયો ઉચ્ચારે છે. પોતે જેમ જેમ નાના થતા જાય છે તેમ તેમ વ્યાસપીઠ ઊંચી ને ઊંચી કરતા જાય છે. અમે : તમે નવલકથા લખતા હતા એમ સાંભળ્યું હતું. એઓ : ના રે, આ આપણી પ્રજા — એનામાં બાળકના જેવી બાઘાઈ છે, એ અમુક શબ્દો તો કાને લેતી જ નથી. એણે ગરજુ બહેરાપણું કેળવેલું છે. બહુ ઘોંઘાટ કરો તો એ સાંભળવાનો ઢોંગ કરે. પેલા કોઈએ કહ્યું છે ને A literature needs lions and foxes. આ પૈકી શિયાળની સંખ્યા બધી જવાથી સિંહ બોડમાં પેસીને માત્ર સાધના કરે છે. શેની સાધના તે પૂછશો નહીં. અમે : તમારી નવલકથા — એઓ : જુઓ, બસોપાંચસો પાનાંની આખી ચોપડી ચીતરવી, પાનાં ને પાનાં ભરીને નરી વાર્તા… થોડું ગૂઢ, થોડું અશ્લીલ, થોડું નથ્થુભાઈ પેથાભાઈ મોઢામાં લિજ્જતથી મમળાવે એવું, થોડુદ્વ ‘ગ્રન્થ’ના નિશાળિયા વિવેચકો ગુસ્સે થાય એવું લખવું તે અઘરો કીમિયો છે. માટે એવું દુસ્સાહસ હું કરતો નથી. ‘સરસ્વતીચંદ્ર’થી માંડીને તે આજ સુધી માત્ર એક જ નવલકથા લખવાથી જ નવલકથાનું ગૌરવ જાળવી શકાય છે એવી એક પરમ્પરા ચાલી આવે છે. દાખલા આપું? રાધેશ્યામ, શ્રીકાન્ત શાહ, મુકુન્દ પરીખ, સુરેશ જોષી — અમે : ચંદ્રકાંત બક્ષી, મધુ રાય, શિવકુમાર — એઓ : તમે એમનું નામ લેશો તે હું જાણતો જ હતો. ચંદ્રકાંત બક્ષી હવે શુદ્ધ સાહિત્યિક નવલકથાનો પ્રકાર અજમાવી જોવા માગે છે, પણ ‘અયનમાર્ગ’ની જે દશા થઈ તે જોતાં લાગે છે it is too late now ર્હુ, મધુ રાય ‘ચહેરા’ આગળ અટકી ગયા છે. ‘કામિની’ તો વર્ણસંકર કૃતિ છે : નાટક, વાર્તા, નવલકથા. જાસૂસી કથા વગેરે. શિવકુમાર goes on by sheer force of momentum થઈને બેસે, જે સર્જ્યું છે તેનું વિસર્જન કરે અને પછી — પણ એ હવે નહીં બને. અમે : સુરેશ જોષી? એઓ : આમ ટેકનિક અને ફોર્મનો શોરબકોર મચાવનાર એ માણસ અસ્સલ રોમેન્ટિક છે. પહેલાં વેદના ઊભી કરી, પછી એની ચારે બાજુ માળખું રચવા માંડ્યું. નારી + સમય અથવા સમય — નારી = વેદના. આવું કંઈક સૂત્ર તેમની પાસે છે. અમે : એમનું ગદ્ય? એઓ : ત્યાં જ મોટી મુશ્કેલી છે. કોઈ ગમ્ભીરપણે તપાસશે તો દેખાશે. તમે સંસ્કૃત વાંચો, બંગાળી વાંચો, પછી વિશ્વનું સાહિત્ય વાંચો અને તે પણ અંગ્રેજી દ્વારા — પછી એનું પરિણામ શું આવે? એઓ બાળપણનાં સ્મરણો લખે છે પણ એ વેળાની સાંભળેલી ભાષા ભૂલી ગયા છે. પાબ્લો નેરુડા કે ઓક્તાવિયો પાઝ ટી.એસ.એલિયટની બાનીમાં કવિતા લખે તો? આદિમતા સુધી જવા મથે પણ ભાષામાં વિદગ્ધતા. આ બેનાં વિચિત્ર મિશ્રણમાંથી કોઈ વાર વિલક્ષણ સ્વાદ નીપજી આવે છે, તે કોઈને ગમે કોઈને ના ગમે. અમે : એમના ગદ્યમાં કાવ્યત્વ છે એમ કહેવાયું છે તે વિશે — એઓ : એ ગદ્ય કવિતા થવા મથે છે માટે હાંફે છે એમાં વજન છે, અને તેથી ગદ્ય આસાનીથી મળતું નથી. He has pedestalled himself for oblivion. અમે : તમે કવિતા હમણાં લખો છો ખરા? એઓ : લખીએ કે ન લખીએ, કવિતા સિવાય મનમાં બીજું હોય છે શું? પણ આપણા જુવાનો (માફ કરજો, તમે પણ એમાં મુકાઈ જાવ તો —) કશું વાંચતા નથી. થોડાકને કવિતા લખવાનો છંદ બેપાંચ વરસ લાગે પછી પાંચ વરસે એને જુઓ તો દુઃખ થાય. કોઈ હિંસાની, નગ્નતાની, જુગુપ્સાની કવિતા લખે. એને બહુ થાબડવો ન જોઈએ. ખરી વાત તો એ છે કે હજી જીવનમાં સૂક્ષ્મ રીતે વ્યાપેલા આ તત્ત્વોનો એને સામનો કરવાનો આવ્યો હોતો નથી. આવા બનાવટી ખ્યાલોથી એ એવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો હોતો નથી. આવા બનાવટી ખ્યાલોથી એ એવી પરિસ્થિતિનો સામનો કરતી વેળાએ સાવ અસહાય બની જાય છે. રાવજી ખમતીધર ખરો, પણ મણિલાલ? વળી વીસબાવીસના જુવાનીઆ! ‘હિટલર મહાન હતો’ રટતા થાય, લોહીની ધારાના છન્દે કવિતા લખવાની વાતો કરે; પશ્ચિમમાં લેખકો, કવિઓ 'four letter words' વાપરે છે તે જોઈને અહીં થોડી ગાળો વાપરે ને પત્રછી હમણાં બોમ્બ ફૂટશે એવી રાહ જોઈને બેસી રહે — આ બધું બેેહૂદું છે. આ ટકટકાટ સાંભળીને I am simply bored. We have too masny rude writers. પછી ઝાડ બધાં બોડાં થઈ જાય છે અને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે. અમે : વિદ્યાપીઠમાં સાહિત્યને પોષક વાતાવરણ ઊભું થતું નથી એવું તમને લાગે છે? એઓ : વિદ્યાપીઠને, અને તેમાંય આજની વિદ્યાપીઠને એની સાથે શી લેવાદેવા? શિક્ષકને એમ લાગવું જોઈએ કે એના વિદ્યાર્થી કરતાં એનું જ્ઞાન વિશેષ છે. પણ પરિસ્થિતિ તો ઊંધી જ છે. હવે શિક્ષક વિદ્યાર્થીઓની ખુશામત કરે છે. રેડિયો પર એમની કેટલી ખુશામત થાય છે! આપણે એમને કહીએ છીએ : ‘અમે તમારી તરફ જોઈને પ્રેરણા મેળવીએ છીએ.’ — અને એમને ચઢી વાગે છે. આમ બહુ ચાલાકીથી અકાળે એમનું યૌવન હણી લેનારને શિક્ષા થવી જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ કે જુવાનો જડભરત હોય છે તે વાત સ્વીકારી લેવી જોઈએ. વિદ્યાપીઠોમાં જઈને જુઓ શું દેખાય છે? The headless crowds, the reflex applause, the ghost-written speech, the boiled eulogies. અમે : તમને કોઈ વક્રદૃષ્ટિ કહે તો — એઓ : વક્ર તો વક્ર દૃષ્ટિ તો છે, કોઈ અન્ધ તો નથી કહેતું ને? અમે : પણ એથી sobriety જોખમાય, સમતુલા ન જળવાય — એઓ : ગુજરાત ત્રાજવાની દાંડી સામે જ નજર રાખીને બેસી રહ્યું! આથી જ સુષ્ઠુ સુષ્ઠુ બોલતાં આવડ્યું. કોઈ પણ સભામાં જાઓ. તમને એક જ જાતની રેઢિયાળ સાંભળવા મળશે. પેલો જે acid sting હોવો જોઈએ, જે આપણને ઝાળ કરી નાખે તે ક્યાં છે? અમે : તમે ફોર્મ, ટેકનિક ઇત્યાદિ વિશે કોઈ ચોક્કસ મત ધરાવો છો? એઓ : ફોર્મ સાફસૂથરું સળબંધ હોય તો વહેમ જાય. એ ગોઠવણી છે એવું લાગે. હું રોમાન્ટિકની ગાળ ખાવાનું જોખમ વહોરીને પણ કહીશ કે ફોર્મ તો irregular, rugged, heartstained હોય. અમે : આજે જે પરિસ્થિતિ પ્રવર્તે છે એનું નિદાન તમે શું કરશો? એઓ : રોગ ભોગવનાર પોતે શું નિદાન કરે? આપણું લોહી હજુ જોઈએ એટલું ડહોળાયેલું નથી. થોડી ક્ષુલ્લક તરકીબોથી એમ ગબડે છે. It's a parade of small virtues. અનુભવ છે પણ તે સ્ફટિકનું રૂપ પામતો નથી. પ્યાલા પર બાઝતી વરાળના જેવો છે. કોઈ દુ:સ્વપ્નોની વાત લાવે છે, પણ એનું logic એ પકડી શકતો નથી. કોઈ વળી સર્રિયાલિઝમના દર્દુર કૂદકા મારે છે, પણ એના શબ્દો કાંકરા થઈને ગબડે છે. પેલું સાચી જાતનું elliptical surrealism તે દેખાતું નથી. તો વળી કેટલાકની કવિતામાંથી કાણી ડોલમાંથી પાણી ચૂએ તેમ લાગણીઓ (અને તેય માંદલી, રોગિષ્ઠ) દદડતી હોય છે. પણ એને નવી શૈલીનાં ગીતો કહીને બિરદાવવામાં આવે છે. અમે : આગલી પેઢીના ઉમાશંકર ઇત્યાદિ — એઓ : ઉમાશંકર? હા, polite sparkle of aerated language — અમે : નવીનો વિશે તમને ખાસ આશા છે ખરી? એઓ : નવીનોનાં ટોળાં બની ગયાં. કોઈ અમુક કવિઓ કેળવેલી વિલક્ષણતા કે mannerismનું અનુકરણ તો ઠીક, આ તો આખા જૂથનું mannerism! એ ક્યારેક inspirationની કક્ષાએ પહોંચે પણ તેની ક્યાં સુધી રાહ જોવાની? અમે : આપણાં સામયિકો? એઓ : હવે little magazinesનો વા વાયો છે. એના નાના તંત્રીઓ અને એમને વહાલા થોડા કવિઓ જે એમનાં નાનાં ચોકઠાંમાં ગોઠવાઈ જાય. એ નાના કવિઓને બીજા નાના કવિઓ વખાણે , આમ વર્તુળ પૂરું થાય. બધું બહુ ઠરી ગયેલું લાગે તો વચમાં કશુંક છમકલું — પણ તે પોતાના જૂથના કોઈને ભોગે નહીં — ઊભું કરવું. આમ પોતે સફળ છે, બધું સરસ ચાલે છે એવી ભ્રાન્તિ એકબીજાના સહકારથી ઊભી કરવાની પરસ્પર તૈયારી આમ બહુ નાનું નાનું થતું જાય. અમે : વિવેચકો વિશેનો તમારો શો ખ્યાલ છે? એઓ : આપણે ત્યાં જૂના જમાનાથી ચાલતું આવતું પરસ્પરોપકારક વિવેચન નવી પેઢીએ પણ ચાલુ રાખ્યું છે. બાકી તો આપણો વિવેચક બિચારો બહુ ઉતાવળમાં હોય છે. તરત ને તરત એને કંઈક ચીતરી નાખવાનું હોય છે. બાકીનું તો સંસ્કૃતનું paraphrase. એ કરો તો બહુશ્રુત અને વિદ્વાન ગણાઈ શકો. હજી જુવાન પેઢી અભણ છે એટલે ગુલબાંગ ચાલી સકે છે, પણ જ્યારે થોડી નિરક્ષરતા ઘટશે ત્યારે વિવેચકોનો અમુક વર્ગ તો એની મેળે જ ક્ષેત્રસંન્યાસ લઈ લેશે. અમે : આ નિરક્ષરતાના નિવારણ માટે — એઓ : જેઓ જાણી કરીને નિરક્ષર રહેવા માગે છે તેમને માટે શું કરી શકો? રઘુવીર કે દર્શક જેવા નવલકથાકારોને ખબર નથી પડતી કે પોતા વિશે શું માનવું? ગોવર્ધનરામ સંસ્કૃતિને ત્રિભેટે આવીને ઊભા ત્યારથી ત્રિભેટે જઈને ઊભા રહેનારા નવલકથાકારોનો એક વર્ગ આપણે ત્યાં ઊભો થયો. ગોવર્ધનરામે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રતિકાર કર્યો, રઘુવીરે ખતરનાક અધ્યાત્મવિરોધી અસ્તિત્વવાદનો પ્રતિકાર કર્યો. નિબન્ધને બદલે ચર્ચાનો આશ્રય લીધો. કુમુદની સાથે કુસુમ, રોહિણી સાથે રેખા હતી તે પરિસ્થિતિ મિટાવી. એક માત્ર અમૃતાથી કામ ચલાવ્યું. આ પદ્ધતિને પુરસ્કારનારાઓએ રઘુવીરને જોઈએ તેટલા ઊંચે ચઢાવ્યા નહીં. અમે : એમ કેમ કહો છો? ‘અમૃતા’ને સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું. ધીરુભાઈ ઠાકરે એને એક અપૂર્વ સાહિત્યિક ઘટના કહી બિરદાવી. ‘અમૃતા’ પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી. એઓ : આ તો પુરસ્કારવાની બહુ સ્થૂળ વાત થઈ. રઘુવીરને એથી કંઈક સારાની આશા હશે. પણ રઘુવીરે સોનલના પાશમાંથી છૂટવું પડશે. થોડીક વધારે સ્ત્રી જેવી લાગે એવી સ્ત્રી શોધવી પડશે. અમે : નવી પેઢી વિશે બીજું શું કહેવા જેવું લાગે છે? એઓ : કહેવાનું શું છે? એ લોકો એમની વાણી પર મુગ્ધ છે. Sucess is their forte. એમનાં સમકાલીનોનાં પેંતરા એ સાવધાનીથી જુએ છે, ગણતરીપૂર્વક આગલું ડગલું ભરે છે. એ publicityમાં માને છે. મોટા ભાગે સાહિત્ય જેવી પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીન રહેતી પ્રજા આ ગોંઘાટ શમી જાય અને નિરાંતનો દમ ખેંચી શકાય માટે કહી દે છે : વારુ ભાઈ, તમે જ મોટા કવિ.’ બાકી, નવા કવિને નાટક આવડે છે. એના સંવાદ સૌપ્રથમ એ પોતાને સંભળાવે છે. અમે : નાટકની વાત નીકળી તો — એઓ : એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. નવી કવિતાનો ભાવકવર્ગ સમૂહરૂપે નથી મળતો, છૂટીછવાઈ વ્યક્તિ રૂપે મળે છે. પણ સમૂહથી આપણો સર્જક દૂર રહેવા માગતો નથી. ‘આ પેલા પ્રખ્યાત લેખક ચાલ્યા’ એમ કોઈ મુગ્ધ કન્યા આંગળી ચીંધી બતાવીને કહે તે તેમને ગમે છે. આથી પશ્ચિમમાંથી અડધુંપડધું સાંભળીજાણીને મસાલો મેળવી નાટકો લખી કાઢ્યાં. એ કોલેજોની નાટ્યહરીફાઈમાં ભજવાય, એથી નવયુવકયુવતીઓ આગળ પોતાનીન ‘ઇમેજ’ ખડી થાય — સાચું કહું? આ બહુ કરુણ લાગે છે. પણ મારા જેવા એક્કેય નાટક ન લખનારાને મોઢે આ ન કહેવાવું જોઈએ. અમે : છેલ્લે નવી પેઢીને શાપ કે આશીર્વાદ રૂપે કંઈક — એઓ : શાપ તો એમણે વહોરી લીધો છે. એ શાપ છે meagreness of reactive energyનો. અત્યારે જે સ્ફુરે તે લખે, પછી એને મઠારે. એ દરમિયાન બીજું સારું વાંચે, એના પ્રત્યેથી પોતાની પ્રતિક્રિયાને ધીરજથી સમજે. પણ કોઈકે તો કંઈક અસાધારણ કરવું જ પડશે. Atleast someone should write a poetry beyond his power. અમે : તમે મદ્રાસ પરિષદમાં તો જવાના જ હશો. એઓ : સાહિત્ય પરિષદ? હજી ભરાયા કરે છે? ઊહાપોહ, એપ્રિલ : ૧૯૭૨