આત્માની માતૃભાષા/8

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પીડા વિના પ્રાપ્તિ નથી

મણિલાલ હ. પટેલ

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઑગસ્ટ ૧૯૩૨


અરવલ્લી ગિરિમાળાની (છેલ્લી) દક્ષિણ ટૂકો વચાળેના જન-વનપ્રદેશમાં ઉમાશંકરનું શૈશવ વીત્યું; અને એ પહાડીઓ, વનરાજી, ઝરણાં-નદીઓ, ટેકરીઓ, ડુંગરોની કૂખે વસેલાં ગામડાં, એ જનપદ તથા વનપદની હેતાળ પ્રજાઓની વચ્ચે ઉમાશંકરનો કિશોરકાળ કેળવાયો હતો. એમની કવિતાનો પણ એ જ મલક. બામણા અને ઈડરમાં વિદ્યાભ્યાસ થયો ત્યાંય સંગત-સોબત તો ડુંગરો અને ઝરણાંની જ હતી ને! એ વનરાજીઓમાં આવતી ઋતુઓ તથા કૃષિકારોના પ્રદેશમાં વિહાર કરવા નીકળી હોય એમ મહાલતી મોસમોનું ઉમાશંકરને કાયમનું આકર્ષણ રહેલું.

પ્રકૃતિ ઉમાશંકરની કવિતાનું પિયર છે પિયર!!
(૮૨૨૬) ઝરણું અલકમલકથી આવે ઝરણું અલકમલકમાં જાય…
(૮૨૨૬) અમે સૂતા ઝરણાને જગાડ્યું… ઊછીનું ગીત માગ્યું… કે — 
(૮૨૨૬) નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર-વનો…
(૮૨૨૬) એકાંતોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો — 

ઝરણાં-નદી-ડુંગરાઓની એમણે કલ્પના નથી કરવી પડી. જેઠાલાલ જોશી — ‘ડુંગરાવાળા'ના આ કવિપુત્રે તો ડુંગરની કેડમાં, ઝરણાંના ખળખળતા નાદ અને હેલે ચઢતી નદીઓ જેવી વનશ્રી વચ્ચે જ જીવનના પ્રથમ શ્વાસ લીધા હતા. એટલે આ કવિ ભોમિયા વિના ડુંગરા ભમવાની વાત કરે તો એ સહજ છે… પણ એ ડુંગર-વનોના ભ્રમણ નિમિત્તે, ‘રોતા ઝરણાની આંખ લ્હોવી હતી’ — એમ કહે છે તે વિલક્ષણ છે ને તે સંકેત માનવતા અને માનવગૌરવને ચીંધતો હોવાથી યદ્યપિ આસ્વાદ્ય છે. ‘ભોમિયા વિના’ ગીત-કવિ ઉમાશંકરની મુખ્ય ઓળખનો પર્યાય બની રહ્યું છે. એમાં એમની એ પછીથી આવનારી કવિતાનો ‘પદધ્વનિ’ પણ સંભળાતો રહેલો. ઉમાશંકર જોશીની પ્રકૃતિકવિતા ધ્યાનથી જોતાં જણાશે કે એ જુદાં જુદાં રૂપોમાં રચાતી આવતી કોઈ એક જ કવિતાના રમ્ય અંશો છે. એમની પ્રકૃતિપ્રીતિ તે માનવપ્રીતિને વળોટતી ચાલે છે… એમાં નિજત્વની મુદ્રા સાથે ચેતનાભર્યા પશુપંખીજગત માટે પણ જગ્યા છે.

‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’

શામળાજી-ભિલોડા-ઈડરના એ લોકમેળાઓમાં ગવાતાં લોકગીતો ઉમાશંકરને મન ગીતકવિતા જાણવા-માણવા-નાણવાની વિદ્યાપીઠ જેવાં હતાં. લોકહૃદયના ભાવો, લોકભાષા અને લોકલયની સંવાદિતાનું ઉત્તમ પરિણામ ‘ગાણું અધૂરું મેલ્ય મા, લ્યા વ્હાલામા!’ તથા ‘ભોમિયા વિના'માં માણવા મળે છે. એ મોંઘી જણસ જેવાં ગીતો, લય-ભાવ-ભાષા સમેત, લોકમેળાઓ માણ્યાનું પ્રત્યક્ષ પરિણામ છે. સાંભળતાં જ વ્યંજિત થઈ ઊઠે એવાં આ ગીતો આસ્વાદકની મધ્યસ્થી વિના જ ભાવકને સભર સભર કરી દે છે. મુખડા-અંતરાની આટલી સહજ છતાં રસાળ રચનાભાત ત્રીશી (૧૯૩૦-૪૦)નાં વર્ષોમાં અતિ વિરલ ગણાય. કવિપ્રતિભા વિના આ શક્ય નથી. અમારી પ્રાથમિક શાળાના માસ્તર ધૂળજી તલાર તો અમને એમ સમજાવતા હતા કે — “વર્નાક્યુલર ફાઇનલ (V.F.)ની પરીક્ષારૂપી ડુંગરાઓ પાર કરવા માટે આ માણસ ભોમિયો (પ્રશ્નોના જવાબોની ગાઇડ) વિના ભમી વળવાની હામ ભીડે છે.” અરેરે! બિચ્ચારા! ધૂળજીભાઈ સાહેબ!! જોકે કવિતા તો જાતે ઊગરી જાય છે ને ભાવકનેય તારે છે ને તારવીય લે છે; હાસ્તો! એમાં જ એનો જાદુ છે. ‘ભોમિયા વિના’ ગીતકવિતામાં પણ નોખો જ જાદુ છે. કુતૂહલ અને ભય: બંનેનું શૈશવે ભારે આકર્ષણ હોય છે. ડુંગર-કરાડ-કોતરો-કુંજો — જંગલો જોવાનું આકર્ષણ! ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…’ સૌંદર્યનું રસપાન! ને એ સાથે માનવજીવનની વિષમતાઓનું ભાન: બહુ મોટી વાત છે. ૨૧-૨૨ વર્ષની વયે ઉમાશંકરે ‘ભોમિયા વિના’ ગીત રચ્યું. સૌંદર્યપ્રીતિ તો બરાબર, પણ માનવજીવનને ઘેરી વળતી પીડાઓનું જ્ઞાન પણ કવિતામાં સહજ કવિત્વથી રસાઈને પ્રગટે એ વાત અચરજકર છે. એ પીડિતોનાં નિર્દોષ દુ:ખડાં લેવાની વાત કવિ કરે છે. ‘રોતાં ઝરણાં’ તે આ દુ:ખિયારાં લોકો! કવિ એમની આંખ લ્હોવા ચાહે છે… ને વળી પોતાનાં ભોમ-ભીતરમાંય ‘ગાતાં ઝરણાં’ છે એમ ‘રોતાં ઝરણાં'ય છે…! રોતાંને ગાતાં કરવાની વાત ગમી જાય એવી છે. પીડાને કવિ કોયલના માળે ગૂંથીને રજૂ કરવા માગે છે. અંતરની વેદના જો કોયલના ટહુકા રૂપે ગુંજતી-ગાતી-વ્હેતી થાય તો એમાંથીય માધુર્ય જ પ્રગટવાનું છે. પીડાને ગીત દ્વારા મધુરતામાં પલટાવવાની વાત કહેવા કવિએ ‘કોયલના માળા'નો (કોયલ તો માળો બાંધતી નથી) પ્રતીકાત્મક ઉલ્લેખ કર્યો છે. ખરેખર તો વેદનાને કોયલના કંઠે પ્રગટતા ગાનની જેમ ગાઈને જમતને મધુરતર કરવાની આ વાત કાવ્યપૂર્ણ છે. લોકજીવનનાં તથ્યોને કાવ્યાર્થ દ્વારા ઓળંગી જતી કવિતા એટલેસ્તો લોકોત્તર સ્તરે પહોંચી જાય છે. બાવીસ વર્ષના પ્રતિભાશીલ યુવા કવિહૃદયને ખ્યાલ છે — બલકે અનુભવ છે કે અહીં ‘ઉરબોલ’ — પ્રેમનો પ્રતિઉત્તર મળતો નથી… પડઘો મળે તોય રાજી! પણ એય દુર્લભ છે. હૃદયભાવો વ્યક્ત કરતી વાણી વેરાઈ જાય છે ને આભમાં ફેલાઈ જાય છે — કવિ એકલોઅટૂલો પડી જાય છે ને જીવતર ઝાંખું દીસે છે! ‘આપણા — પોતાના સિવાય આપણું કોઈ નથી — એ સત્ય જાણનારો — યુવાકવિ હવે, રોતાં ઝરણાંની આંખ લ્હોવા સાથે, પોતાના અંતરની આંખડી લ્હોવાનું — જાતે જ લ્હોવાનું — જાણી લે છે!! સૌંદર્યો તથા વેદનાઓ તો સાથે જ રહેવાનાં છે… એટલે સાબદાં થવાનું છે. પીડા વિના તો કશી પ્રાપ્તિ નથી એ આ ગીતનું સત્ય છે. કવિએ લોકલય, વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસ યોજીને ભાવાભિવ્યક્તિને વધારે રસાળ બનાવી છે. ભાવાર્દ્ર કરી દેતું આ કાવ્ય જીવનના દર્શનની મોઢામોઢ પણ કરી દે છે — આજે પણ!! એ જ તો કાવ્યસિદ્ધિ છે.