ઇદમ્ સર્વમ્/ક્ષણની સભરતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ક્ષણની સભરતા

સુરેશ જોષી

બપોરનો તાપ ઝળાહળા થાય છે, બારીમાંથી જોઉં છું તો આખો સંસાર મૃગજળમાં તરતો લાગે છે. રસ્તા સૂમસામ છે. નિસ્તબ્ધતાનો પણ એક અવાજ હોય છે. એ સહેજ કાન માંડતા સંભળાવા લાગે છે. એ અવાજ સાંભળીને મન ઉદાસ થઈ જાય છે. એકાએક કદી ન અનુભવેલી એકલતા ઘેરી વળે છે. કોઈનો સહવાસ મળે તોય આપણો આપણી જોડે મેળ ખાતો નહીં હોય તો? જિન્દગી જીવ્યે જઈએ છીએ, ક્યારે આપણે આપણી સાથે હતા એવો પ્રશ્ન પણ મનમાં થતો નહોતો. પછી એકાએક શોધ શરૂ થઈ. કર્મો જંજાળ જેવાં લાગવા માંડ્યાં. એનું આવરણ ખસેડીને પોતાને જોઈ લેવાની ઇચ્છા થઈ. ઘણાં વરસનો જૂનો, પીળો પડી ગયેલો ફોટો જોઈએ ત્યારે એમાંની વ્યક્તિ તે આપણે જ છીએ એ એકદમ ઓળખાય એવું કંઈક થાય છે. આપણી આપણે માટેની શોધનો કશો આધ્યાત્મિક અર્થ છે એવું પણ નથી. છતાં, એ બધું ફગાવી દેવાનું મન થાય છે. અર્થને નામે કશું હાથમાં આવતું નથી. ને આવતું હોય તોય એની આસક્તિ નથી. હવે વિષાદનો ભય નથી. કદીક એવું લાગે છે કે એનું વધારે મોટું મોજું આવીને એકાએક ઘેરી લેશે તો? ત્યારે પોતાપણું ખોવાઈ ન જાય તો બસ. આથી જ તો પોતાને માટેની શોધ ચાલુ રહે છે. એ શોધમાં જ કશુંક પોતાથી પણ વિશેષ એવું મળી રહે છે, ત્યારે કદી ન અનુભવેલી ધન્યતા અનુભવાય છે. વિષાદનાં મોજાંનો વેગ જ આવી કશીક ધન્યતા સુધી ખેંચી લાવે તો એ વિષાદ સામે શા માટે ફરિયાદ કરવી?

પણ નિરર્થકતાને જીરવવી, અર્થની આસક્તિ છોડવી, સૃષ્ટિમાં અભિન્નભાવે ઓગળી જઈને જીવવું એ અઘરી વાત છે. સમય પોતે જ દીવાલ થઈને ઊભો રહે છે. જાણીએ છીએ કે સવાર પછી બપોર, સાંજ, રાત ને ફરી સવાર આવે છે. સમય સરે છે, પણ ક્યારેક બધું થંભી જાય છે. બહાર સવાર પછી બપોર આવી. પણ આપણું મન તો એક ક્ષણમાં થંભી ગયેલું હોય છે. હૃદય એક ધબકારો ચૂકે તો કેવી ઊથલપાથલ થઈ જાય! તેમ સમયની એક ક્ષણ ચૂકી જઈએ તો વિષાદ થાય છે. બધું રજેરજ સ્વીકારીને જીવવાનું ગમે છે. આથી એક ક્ષણ આપણી ન રહે તો વિષાદ થાય જ. આપણે આપણી શક્તિની વાત કરીએ છીએ, પણ એ શક્તિ જ આપણે માટે ખતરનાક નીવડે છે. જે અનુભવ કે સંવેદન બીજાનાં ચિત્તમાં સહેજ સરખો સ્પન્દ પણ નહીં ઉપજાવે તે આપણામાં પ્રચણ્ડ ક્ષોભ જગાડે, જિન્દગી હચમચાવી મૂકે અને કોઈ આવું થવાનું કારણ સમજે નહીં ત્યારે કેવી એકલતા લાગે! સંવેદનને તીવ્રપણે ઉત્કટપણે ગ્રહણ કરવાની શક્તિ ખરી, પણ એથી જે ક્ષુબ્ધતા આવે તેને જીરવવાની પણ શક્તિ હોય છે ખરી? આપણી જ લાગણીના બળને આપણે જાણતા હોતા નથી, એકાએક એનું પ્રચણ્ડ રૂપ પ્રગટ થાય છે ને ત્યારે જિન્દગી વિશેની આપણી નાની નાની બધી જ ગણતરીઓ કેવી તો ખોટી પડી જાય છે!

છતાં આ અનુભવમાં સભરતા હોય છે, પૂર્ણતા હોય છે. એવી પૂર્ણતાને બે કાંઠા જોઈએ. આથી જ આપણે સહચાર શોધીએ. કોઈક જોડે આ પૂર્ણતાને આવરી લઈને જીવવાનું મળે તો કેવી ધન્યતા! પણ ‘પ્રેમ’નેય આપણે ઘણી વાર ઠાલો શબ્દ નથી બનાવી દેતા? અમુક સુખની લાગણી તે પ્રેમ નથી, એ એક પ્રચણ્ડ અનુભવ છે. ઘણા તો એનાથી ભય પામીને પોતાનાથી જીરવી શકાય એવું એનું સ્વરૂપ કરી લે છે. આ પ્રવંચના છે. પ્રેમ આપણને ઘડે તે જ યોગ્ય, આપણું ગજું નાનું, આપણું કાઠું નાનું, માટે પ્રેમને પણ નાનો કરવો એ તો આત્મહત્યાનો જ પ્રકાર થયો. પણ વિધિની વક્રતા કેવી છે કે આવી આત્મહત્યા જ કેટલાકને બચાવી લેતી હોય છે. આમ કેવળ બચીને રહેવું એ જ ઘણાને મન જિન્દગી હોય છે. પછી બધું જ નકલી, તકલાદી ને ખોટું, એવાનું તો મરણ પણ ખોટું. જેમ આપણને આપણું જીવન પામવાનો અધિકાર છે, તેમ આપણે આપણું સાચું અને પોતીકું મરણ પામીએ એ પણ આપણો અધિકાર છે.

પાકેલા ફળની જેમ, ખરી પડીએ એનું નામ મરણ એવી ડાહી ડાહી વાતો કેટલાક કરે છે. પ્રકૃતિમાં બધું સહેલું છે. નિયમનો ઝાઝો વ્યતિક્રમ નથી. પણ માનવીની સ્વતન્ત્રતા જ કેવા વ્યતિક્રમો ઊભા કરે છે. પાકેલા ફળની સ્થિતિને આપણે કદીય પામીએ છીએ ખરા? કોઈ વાર એવું બને; થોડાકનાં જ જીવનમાં એવું બને કે રસ સંચિત થવા માંડે, બધી જ ક્ષણ રસથી સભર બની ઊઠે. ક્ષણની એ સભરતાને કેટલા બધાં પ્રતિકૂળ બળો સામે ઝૂઝીને જાળવવી પડે. આથી જ તો પામવાનો સંઘર્ષ, પામીને સાચવવાનો સંઘર્ષ – આમાંથી કોણ મુક્તિ પામી શકે ?

માટે આ જ આપણા આનન્દની ભૂમિકા છે એમ સ્વીકારવું રહ્યું. હેમિંગ્વેના છેલ્લા દિવસો વિશે હમણાં વાંચ્યું. નવલકથા લખવી શરૂ કરેલી અને એકાએક જાણે બધું તૂટી પડ્યું. એ આઘાત ક્યાંથી આવ્યો, શાને કારણે બધું તૂટી પડ્યું તે કશું સમજાયું નહીં; પણ પછીથી વાક્ય મનમાં રચાય જ નહીં. ક્ષણો હાથમાંથી સરી પડે, સર્જકને માટે આ સ્થિતિ ખતરનાક! આથી ભય, અને ભયને પરિણામે કોઈ પીછો કરી રહ્યું છે, કોઈ છટકું ગોઠવીને ફસાવવાની પેરવીમાં છે એવી સતત ચિંતા. આ સ્થિતિમાં એમણે આત્મઘાત કરવાનું નક્કી કર્યું. પણ મિત્રો સ્નેહીઓ તો એ જીવે એમ જ ઇચ્છે ને? હેમિંગ્વે તો કહેતા કે સર્જકને માટે નિવૃત્તિ નથી હોતી. સરકારી નોકરો નિવૃત્ત થાય, રાજકારણમાં પડેલાઓ નિવૃત્ત થાય. પણ સર્જકને માટે સંન્યાસ નહીં કે નિવૃત્તિ નહીં. આખલા જોડે ઝૂઝનારો એ યુદ્ધમાં જ પૂરો થાય, એ બુલરિંગમાં જ એનું મરણ, તેમ સર્જકનું પણ એવું જ. મિત્રોએ કહ્યું : ‘હવે તમને શેની ચિન્તા છે? તમે તો ઘણું કર્યું ને તેય ઉત્તમ કર્યું. હવે તમને જીવનમાં નિવૃત્તિનો અધિકાર છે. બાકીનાં વર્ષો મિત્રો સાથે અમનચમનમાં ગુજારો. આનન્દથી જીવો.’ હેમિંગ્વેએ ગુસ્સે થઈને કહ્યું : ‘સર્જકને માટે નિવૃત્તિ સ્વીકારવી એટલે જ હાર સ્વીકારવી. મને મરણ મંજૂર છે, નિવૃત્તિ નહીં, હાર નહીં.’ પણ એની આ ખુમારી ગાંડપણમાં ખપી. એમને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યા. ઇલેકટ્રિક શોક આપ્યા. એમણે રોષે ભરાઈને કહ્યું : ‘તમે મારી સ્મૃતિ, કલ્પના બધું જ છિનવી લેવા માગો છો? સર્જક પાસેથી એ જ ઝૂંટવી લો તો પછી રહ્યું શું?’ અને એમણે હોસ્પિટલ છોડી દીધી, એક દિવસ વહેલી સવારે પોતાની પ્રિય બંદૂકથી એમણે જિન્દગીનો અન્ત લાવી દીધો. આવો મોટો માણસ આપઘાત કરે એવું જો બહાર પડે તો કેવું ખરાબ કહેવાય? માટે હોસ્પિટલમાંય એમને બનાવટી નામે દાખલ કરીને માનસિક ઉપચારો કર્યા, મર્યા ત્યારે એવું બહાર પાડ્યું કે બંદૂક સાફ કરતાં એકાએક ગોળી છૂટી ગઈ ને એના અકસ્માતથી એઓ મરી ગયા. એમના સ્વસજિર્ત મૃત્યુનું સત્ય પણ એમની પાસેથી ઝૂંટવી લેવાયું.

આવી જીવનની માયા કેવી દયાજનક લાગે છે! છતાં મોટા ભાગના માણસો એ માયાને વળગીને જીવે છે. જે ક્ષણ સાર્થક નથી જતી તેની શી માયા? તેને તો ઉશેટીને ફેંકી જ દેવી જોઈએ. જેઓ સમયને સાર્થક કરવાનું જાણતા નથી તેઓ સમયને કેવો તુચ્છ બનાવીને ફેંકી દે છે! સાર્થ કરવાનું આપણા હાથમાં છે, પણ આપણે કેટલાં બહાનાં કાઢીએ, વાંધા કાઢીએ, દુ:ખી થઈએ, દુ:ખને ફિલસૂફી ડહોળીને સ્વીકારી લઈને, ‘એ તો એમ જ હોય’ની સૂફિયાણી સલાહ સાંભળીએ. આ પામરતા કેમ સહી લેવાય? જીવવું ગમે, જીવીને સાર્થક થવું ગમે, પણ પામરતા તો ન જ ગમે. સાર્થકતાનું મૂલ્ય ચૂકવવું પડે પણ આ મૂલ્ય જ માનવીને ગૌરવ આપે છે. એથી ગભરાવાનું શું?

સાંજે પવન વાય છે, બધું ફરી ગમવા લાગે છે, મૃગજળ અદૃશ્ય થઈ જાય છે ને ત્યારે આપણા આપણી સાથેના એકાન્તમાં આપણે દિવસ દરમિયાન અનુભવેલી સાર્થકતાની ધન્યતાની ક્ષણોને પામીએ છીએ ત્યારે ખબર પડે છે કે માત્ર એનું જ મૂલ્ય છે. એ સિવાયનું તો ઘણું કર્યું. દિવસને છેડે એ સાથે રહેતું નથી. એ છટકી જાય છે. પણ આ સાર્થકતાની ક્ષણો એ જ આપણી અમરતા, એ સાર્થકતા રચી સ્થાપવામાં જે આપણી સાથે તે જ આપણા સાચા સમ્બન્ધી. આ સાર્થકતાનો સાથે કરેલો અનુભવ તે જ પ્રેમ. આટલું જો જિન્દગીમાં નહીં હોય તો જિન્દગીની શી કિંમત?