ઇદમ્ સર્વમ્/સુગન્ધિત તર્જનીસંકેત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુગન્ધિત તર્જનીસંકેત

સુરેશ જોષી

કોઈ વાર થાકી કંટાળીને પાછો ફરતો હોઉં છું ત્યાં રસ્તે એકાએક જાણે કોઈક થંભાવી દે છે. મન અકારણ વિહ્વળ બને છે. જોઉં છું તો એક બંગલાના કંપાઉંડમાં આંબો મહોરી ઊઠ્યો છે, એની મંજરીનો સુગન્ધિત તર્જનીસંકેત મને ઊભો રાખે છે. શહેરમાં ઘ્રાણેન્દ્રિયને તૃપ્ત કરે એવું બહુ ઓછું હોય છે. એથી તો શહેરી લોકો અત્તરનો ઉપયોગ કરે, યુ દ કોલોન વાપરે. રૂમાલ જ એનાથી છંટકાય, પણ આપણને તરબતર કરી દે એવી સુગન્ધ તો શહેરમાં ક્યાંથી મળે? ગયે વરસે તો શિયાળામાં અર્જુન વૃક્ષનો પુષ્પવૈભવ માણવા ચાંદની રાતે કમાટીબાગમાં જઈ શક્યો હતો. એ મહાશ્વેતાને જોઈને પુલકિત થઈ ગયો હતો. આ વર્ષે તો શરીર હઠીલું થયું છે અને મને ગૃહસ્થ બની રહેવાની ફરજ પાડી રહ્યું છે, મારો એ સ્વભાવ તો નથી. ફૂલોની ભાષા એની સુગન્ધ છે. આથી તો બાળપણમાં મધુમાલતી અને મોગરા જોડે ખૂબ ખૂબ વિશ્રમ્ભકથાનો આનન્દ માણ્યો હતો તે યાદ આવે છે. આજે કોઈ વાર રજનીગન્ધાને ડાઇનીંગ ટેબલ પર હાજર કરી દેવામાં આવે છે ત્યારે એ બહુ કરુણ લાગે છે. બાગમાં ઘણાં ફૂલો નિરુત્તર બનીને ઊભાં હોય છે, નહીં તો ફૂલોનો સ્વભાવ તો દૂરથી સાદ દેવાનો હોય છે. આથી ફૂલોની આત્મીયતા મને પહેલેથી જ સદી ગઈ છે. બટનહોલમાં ફૂલ નાખનારા મને ગમતા નથી. શહેરની મિજલસો અને પાર્ટીઓમાં ફૂલનો કચ્ચરઘાણ નીકળી જાય છે. કોઈ મોટા નેતા આવે ત્યારે આસોપાલવની મોટા પાયા પર હત્યા થાય છે. નેતા ચાલી જાય પછીથી સુકાઈને પવનમાં ખખડતાં પાંદડાં કેટલાં કરુણ લાગે છે!

વસન્ત આવી પહોંચી એ સમાચાર તો દૈયડના ટહુકાએ આપ્યા. વિદ્યાર્થીઓને ડાહીડાહી વાતો કરતો હતો ત્યાં એકાએક એણે ટહુકો કર્યો. બસ, પછી મન કાંઈ ઝાલ્યું રહે? પછી તો કાન સરવા થઈ ગયા. ભારે રમઝટ જામી. હજી કેસૂડાં તો જોયાં નથી. બાળપણમાં તો કેસૂડાં અમારી લઘુ કાયા પહોંચી શકે એટલાં નીચાં હતાં. કોઈક આંબે નાના મરવા થયા હોય એનો સ્વાદ ચાખ્યા વિના શી રીતે રહેવાય? પછી તો ગજવામાં મીઠાની ગાંગડી હોય જ, બોર ઊઘલે ને મરવા બેસે. સ્વાદનો રાજભોગ તૈયાર જ હોય.

વસન્તનો એ પવન અહીં નથી. કેટલાંય વૃક્ષોનો એમાં સ્પર્શ હતો. શરીર અને મન કૂંપળની જેમ ખીલી ઊઠતાં. ત્યારે તો આ ખીલવું, પ્રફુલ્લિત થવું એટલો જ વસન્તનો અર્થ હતો, પ્રેમબ્રેમની વાત નહોતી. ત્યારે તો આપણે સ્વયંપર્યાપ્ત હતા, બહાર કશાની ઝંખના નહોતી છતાં રઝળવાનું ગમતું હતું. પણ એ નિરુદ્દેશે ભ્રમણ હતું. કશા તરફની એ દોટ નહોતી. એ યદૃચ્છાવિહારનો આનન્દ આ વસન્તે યાદ આવે છે.

અહીં વસંતને ક્યાં શોધીશું? પંડિતો તો સરસ્વતીપૂજન કરવામાં રોકાયા હશે. મહુડાના ફૂલની મીઠાશ અહીં ક્યાં શોધવી? છતાં કોઈક વળી વસન્તને યાદ કરનારા નીકળે છે ખરા! કોઈ કવિજન વફાદારીપૂર્વક વસન્તનું ગીત લખવા બેસી ગયા હશે. ફટાયો ફાગણ પણ હવે આવી લાગશે. ધરાઈ ધરાઈને દક્ષિણના પવનની લહેરીને માણવાના આ દિવસો છે. એથી તો પવનની એ આપણા જ કાનમાં કહેવાતી ગુંજગોષ્ઠી સાંભળી રહેવાનું ગમે છે. પવનનો એ સંદેશ જુગજૂનો છે. પણ દર વસન્તે એ સાંભળવાનું સુખ છોડવું ગમતું નથી.

વસન્ત સાથે ઝંખના હોય છે નિર્ભૃત વિશ્રમ્ભાલાપની. હવામાં એના ભણકારા સંભળાય છે. એને જ કારણે આપણે અકારણ વિહ્વળતા અનુભવીએ છીએ. હૃદય જોડે પણ મોઢામોઢ ઊભા રહેવાની આ ઋતુ છે. આઠે પહોરનો આપણો ઉદ્યમ નિરર્થક લાગવા માંડે છે. થોડાક રિક્ત અવકાશને આપણે ઝંખીએ છીએ. કશીક આનન્દમય લીલાનાં આંદોલનો ચારે બાજુ વિસ્તરી રહે છે. વર્ષોનો ભાર ખંખેરીને આ આપણી પુરાણી વસુન્ધરા પણ ચંચળ બની ઊઠે છે.

પણ વસન્તની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ. વસન્ત એટલે કોયલ, આમ્રમંજરી, શૃંગારનું ઉદ્દીપન, ગઈ કાલ સુધી જે ઠંડી હતી તેને એકાએક એક નવી ઉષ્માની આંચ લાગી છે. સવારે બારી ખોલીને તરત જ એનો અનુભવ થયો. આપણું શરીર એને ઓળખે છે, આપણા લોહીને એની ખબર છે. પણ એના પર તો ટેવના જાડા થોથર બાઝ્યા છે. જ્ઞાનનાં પડ જામ્યાં છે. શરીર હવે ચંચળ બની શકતું નથી. એ જ ધીરગમ્ભીર ગૌરવભરી ગતિએ આપણે ચાલીએ છીએ. આપણી પાસે થઈને પવનની ચંચળ લહરી આપણો ઉપહાસ કરતી દોડી જાય છે. એને હવે ઝાલી લઈ શકાતી નથી.

લાલચટ્ટાક શીમળો હવે વાચાળ બનશે. રોજ સાંજે એનાં દર્શન થશે. એ મારાથી બહુ દૂર નથી. પણ વરસ આખું જાણે પરિચય નથી રહેતો. ત્રણ ચાર કેસૂડાં પણ બહુ દૂર નથી. એમાંનાં બે તો બહુ ઉતાવળાં છે. વહેલાં વહેલાં ખીલી ઊઠે છે. સ્હેજ મોડું થાય તો એક્કેય ફૂલ જોવા મળતું નથી. લીમડા તો ચૈત્રની રાહ જોશે. શિરીષ પણ ગ્રીષ્મની રાહ જોશે. પછી તો મોગરો પણ મહેકી ઊઠશે. પુષ્પોનાં કુટુમ્બ વચ્ચે જીવવાની આ ઋતુઓ છે. આ ઋતુમાં જ વન બહુ યાદ આવે છે. વસન્તની પગલી ત્યાં જ વધુ સ્પષ્ટ રૂપે દેખાય છે. ઢળતી બપોરે વૃક્ષોની શાખા પર આસન જમાવીને બેસીએ ત્યારે વસન્ત એટલી નિકટ આવી જાય કે એનો ઉચ્છ્વાસ આપણને સ્પર્શી જાય. આજે તો આપણે સભાન છીએ. વસન્તને નામે બેચાર ચાંપલી વાતો કરી નાંખવા લલચાઈએ છીએ. ત્યારે તો એવું કશું હતું નહીં. કશી અંગત વાતો કરવાની એ વય નહોતી. છતાં ત્યારે જ કશું જાહેર કરી દેવાની જરૂર જણાતી નહોતી. આજે તો નહીં કરેલા પ્રેમ વિશે પણ બડાશ મારતા આપણે અચકાતા નથી.

વસન્તની સાંજ વળી ઓર જ મિજાજ ધરાવે છે. એમાં થોડો માફકસરનો વિષાદ ભળે છે. આવો વિષાદ આપણી ચેતનાને એક નવી ધાર કાઢી આપે છે. ભાવિ સર્વ વિયોગોની વેદનાની મીંડ અહીં સંભળાય છે. બાળપણમાં તો વૃક્ષો દૂર દૂરનાં, અજાણ્યાં નહોતાં. એકાદ શાખા તો ઘરને અડતી જ હોય, એનાં પાંદડાંનો નક્શીભર્યો પડછાયો ઘરની દીવાલ પર અંકાતો જ હોય. એનાં પાંદડાં અને મંજરી ઘરમાં રોકટોક વગર ચાલ્યાં જ આવતાં હોય. આથી ઘરની દીવાલ દીવાલ જ લાગતી નહોતી. આજે તો વૃક્ષો દૂર જતાં રહ્યાં છે. એમનો પર્ણમર્મર સંભળાતો નથી, પંખીના ટહુકા પણ દૂર જતા રહ્યા છે. બે ચાર બાવળ પણ પાસે હોય તો સારું લાગે છે. એના ખીચોખીચ લખેલા અક્ષર જેવાં ઝીણાં ઝીણાં પીળાં ફૂલ પણ જોવા ગમે છે. લીમડાઓ તો બાળપણથી જ સાથે રહ્યા છે. અહીં લીમડા છે, પણ પાંખાં છે. એનો વધ દરરોજ થતો રહે છે. એ વૃક્ષ નથી પણ બકરીનું ખાદ્ય માત્ર છે.

વસન્તપંચમી અનધ્યાયનો દિવસ હોવો જોઈએ. અમેરિકી ફિલસૂફ જ્યોર્જ સાન્તાયનાએ આવા વસન્તના દિવસે ફિલસૂફીની ડાહી ડાહી વાતો કરવાનું છોડી દઈને વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. પણ અહીં તો વિદ્યાર્થીઓ વસન્તને યાદ રાખતા નથી, દાક્તરો યાદ રાખે છે. ગળું દુ:ખવા લાગે છે. બે ઋતુના સન્ધિકાળે માંદગી વધે છે. છાપામાં શીખંડની જાહેરખબરથી વસન્તના આગમનના સમાચાર મળે છે. કવિઓ વસન્તને નિમિત્તે કવિમિલન યોજતા નથી. રેડિયો પાસે તો વસન્તનાં ને પ્રેમનાં ફિલ્મી ગીતો તૈયાર જ છે!

છતાંય વસન્તનો અણસાર વર્તાય છે ત્યાં સુધી જીવન પૂરેપૂરું ઓસરી ગયું છે એવો ભય રહેતો નથી. હૃદયને નવી કૂંપળો બેસશે, ભાષા નવી છટા પ્રગટ કરશે. કોઈક હૃદયને વિહ્વળ કરે એવું કશુંક કહેશે એની અપેક્ષા હજી રહે છે. બંધ રહેતી બારીઓ હવે ખૂલશે અને વસન્તનો ઉલ્લાસ ચંચળ પવનલહરી સાથે વહી આવીને ઉત્પાત મચાવી દેશે.