ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઓગણીસો અઢાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઓગણીસો અઢાર
(સ્પેનિશ ફ્લૂનો સમયગાળો)


ફિલાડેલ્ફીયા
આ બેટ્સી રોઝનું ઘર, જેણે સીવી આપેલો
અમેરિકાનો પ્રથમ ધ્વજ, અને લિબર્ટી બેલ
કરચલીયાળો ચહેરો લઈને ઊભેલો
થિયેટરોની આ શેરી – નથી થતાં નાટક
યહૂદીઓની નિશાળો, જે બંધ છે જોકે
ને આંખ ફેરવીને ચાલી જાય ડેલાવેર
છે સૂમસામ બધું...
સંભળાય છે ઠક... ઠક
ઘણા દિવસ થયા, એકે નથી બચ્યું કૉફીન,
જીવંત હાથ ઘડ્યે જાય ઘાટ મૃત્યુનો.


વિદાય થાય શિશુની તો બારસાખો પર
સફેદ ક્રેપનું લૂગડું સહુ લગાડે છે,
યુવાન હોય તો કાળું, જો વૃદ્ધ – રાખોડી.

સવારે ભૂલકાં દોડે, મચાવે શોરબકોર,
‘આ બારણું તો જુઓ, ઓલું બારણું તો જુઓ!’


ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે.
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે :
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે.

કેપટાઉન
લુઈસ બસમાં ચડે છે, જવાને વોલ્ટર સ્ટ્રીટ.
ટિકિટ આપતાંવેંત જ પડે છે કન્ડક્ટર,
ત્રણેક માઈલ જતામાં પ્રવાસી પાંચ બીજા,
ને લૂપ સ્ટ્રીટ હજી આવે ત્યાં તો ડ્રાઇવર પણ.
લુઈસ બાકીના અંતરને ચાલી નાખે છે.

રિયો ડી જાનેરો
શું ઘરમાં કે શું દવાખાને, ધાડેધાડાં છે!
સવારે દર્દીઓ રાતે ય દર્દીઓ પાછા.
નજર ચુકાવી કરી, કેનવાસ ઓઢીને,
આ ઝોકું ખાય છે ગાડીમાં, બે ઘડી ડૉક્ટર.

દાલમઉ
કવિ નિરાલાજી ગંગાને તીર ઊભા છે.
‘નદી મેં લાશેં હી લાશેં દિખાઈ દેતીં હૈં.
પતા ચલા કિસી અખબાર સે કિ યે સારે
કે સારે, કોઈ મહામારી કે શિકાર હુએ.
તભી તભી મેરે સસુરાલ સે ખબર આઈ,
રહી ન થી મેરી પત્ની, રહી ન થી બિટિયા.
પલક ઝપકતે હી પરિવાર હો ગયા ગાયબ
ઔર મેરી ઉમ્ર હી ક્યા થી? કરીબ બાઈસ કી.

ન્યૂ યોર્ક
નવી રિલીઝ થઈ ફિલ્મ ચાર્લી ચેપ્લિનની,
ને હોંશે હોંશે, હડૂડાટ પ્રેક્ષકો આવ્યા.
સિનેમા હોલના હેરોલ્ડ નામે મૅનેજર
હરખપદુડા થયા, ‘ધન્ય ભાગ્ય! ધન્ય ઘડી!
વધાવું શી રીતે હું આપના ઉમળકાને?
કે આપ જાન હથેળીમાં લઈને આવ્યા છો!’

કહીને એણે લઈ લીધી,
આખરી એક્ઝિટ!

ઝમોરા
નવા જ પાદરી આવેલા, અલ્વરો બેલ્લા,
રખાવ્યાં એમણે નવ નવ દિવસનાં મેળાઓ,
ઈસુના ક્રોસને ચૂમ્યો હજારો લોકોએ.
પછી તો સ્પેનમાં વસ્તીગણત્રી લેવાઈ :
મર્યા છે કેટલા લોકો? કયા શહેરોમાં?

પહેલા નંબરે કોણ આવ્યું, એ કહી શકશો?

પેરિસ
ત્વચા જો હોય મજીઠી, તમે બચી શકશો,
થઈ જો વાદળી, તો વાદળીઓ ઘેરાશે,
પછી તો ધીરે ધીરે એ થતી જશે ભૂરી,
ને અંતે નખથી ચડાઈ કરીને એક કીડી
તમારી છાતીએ કાળો ભરી જશે ચટકો


વિયેના
આ સ્નાયુયુક્ત પુરુષ, પિંગળો ને પાતળિયો,
ઉદાસ આંખે અહીં ભોંયસરસો બેઠો છે.
કપાળે સળ, અવળ સવળ છે કેશ, ઘૂંટણ પર
મૂકેલો હાથ.
જુઓ, વિસ્તરેલા સાથળમાં
સમેટી લઈને શિશુ, સ્ત્રી રતુંબડી બેઠી.
યુગલ છે નગ્ન પરંતુ મજીઠિયા વસ્ત્રે
લપેટ્યું છે શિશુને.

છબી સ્વયંની આ તો ચીતરી કલાકારે,
ને તૈલચિત્રનું ‘કુટુંબ’ નામ રાખ્યું છે.

છ માસનો જ હતો ગર્ભ ત્યારે નારીએ
ગુમાવ્યા પ્રાણ અને ચિત્રકાર પણ ચાલ્યો
ત્રણ જ દિવસમાં

કુટુંબ ના વસ્યું,
ને ચિત્ર પણ અધૂરું રહ્યું.

છંદવિધાન : લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
જેમ કે, ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’

(૨૦૨૦)

૧ કવિ એપોલિનેરનું મૃત્યુ
૨ ચિત્રકાર ઈગન શીલ્ડનું મૃત્યુ