ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રખમાબાઈની ઉક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રખમાબાઈની ઉક્તિ


નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારાં થયાં છે લગ્ન,
તેડાવ્યાં તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’

એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’

મારે ભણી ગણી હજી ડૉક્ટર થવું હતું,
કહેવાતો મારો વર – હતું ભીખાજી એનું નામ –
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે – પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.

અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે, બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે, જન્મટીપ છે.’

મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઈકોર્ટમાં

નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીઓ ફગાવી દઉં છું હું!’

હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા, મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ...’ ‘મરાઠા’એ પણ લખ્યું.
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ, વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત, સાચી હોવા છતાં, કોણ માનશે?

કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.

ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ.

છંદવિધાન : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
જેમ કે ‘ચૂકવું બધાનું દેણ જો અલ્લા ઉધાર દે.’

(૨૦૨૦)

૧ ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઈકોર્ટ, ૧૮૮૫
૨ રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો. ઇંગ્લૅન્ડ જઈને તે ૧૮૯૪માં ભારતની દ્વિતીય મહિલા ડૉક્ટર બની. તેની લડતની લંડનમાં એવી અસર પડી કે લગ્ન માટે સ્ત્રીની લઘુતમ વય ૧૦ નહીં પણ ૧૨ હોવી જોઈએ, એવો કાયદો ઘડાયો.