ઉપજાતિ/બાણશય્યા
બાણશય્યા
સુરેશ જોષી
મને થયું: લાવ જરા પ્રકાશમાં
આ ઘાવ મારા ધરી જોઉં તો ખરો!
ને જોઉં છું તો – કહું શી રીતે કે
જેને ગણ્યા આજ સુધી ઘનિષ્ઠ,
બોલ્યા સદા જે વચનો સુમિષ્ટ
તે ઝેરપાયા શર તીક્ષ્ણ શા બની
રચી ગયા આકરી બાણશય્યા!
ને પામવા મેં શરણું નિહાળ્યું
તારાભણી, ત્યાં અહ, મેં શું ભાળ્યું:
આ તારકોના શર તીક્ષ્ણ કેરી
આકાશમાં સેજ દઈ બિછાવી
અલ્યા ઘનશ્યામ, તને ય કોણે
સુવાડીને આવડી કીધી શિક્ષા?
તું કોમળો, દર્દ સહી શકીશ?
અલ્યા, કહે, ફેરવવું છ પાસું?