ઉવેખાયેલી વાર્તાઓ/મહાલકારી સાહેબનું વાહન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મહાલકારી સાહેબનું વાહન

‘એલા એ રાજિયા...!...’ મળસ્કામાં રાજિયાના ઘરની પાછળ આવીને મહાલકારીના પટાવાળાએ હાક મારી. ‘એ આવ્યો બાપલા! આ આવ્યો.’ રોટલાનું છેલ્લું બટકું ચાવતાં ચાવતાં રાજિયાએ જવાબ આપ્યો. ‘એ આવ્યાની સગી! તારો બાપ વાં ખોટી થાય છે.’ પટાવાળો જતાં જતાં પટાવાળાપણું પ્રકાશતો ગયો. રાજિયાને હોઠે શબ્દો આવીને અટકી ગયા: ‘બાપ તારો. મારે તો સાલિયા સાટે.’ પણ કાંઈ બોલ્યા વિના ગમ ખાઈ ગયો. સામે ઊભેલી જુવાન પટલાણીની મીઠી, કરડાકીભરી આંખે એને બોલતો બંધ કરી દીધો. છેલ્લું બટકું ઝટઝટ ગળે ઉતારી તાંસળીની કોર ઉપર ચોંટેલ ભેંસનું તાજાું ઘી અને માટલાનો કાળો ગોળ આંગળી વતી લૂછીને ચાટી ગયો અને ટપ દેતોકને ઊભો થઈ ગયો. મહાલકારીસાહેબની વેઠે ગાડું લઈને જવાનો વારો આવતો ત્યારે રાજિયાને માથાનો ઘા થાતો. સ્વભાવે જ એ સ્વતંત્રમિજાજી અને માની હતો. તેની હરહંમેશ જાગતી રહેતી સ્વમાનની લાગણી કોઈનો તુંકારો સહન કરી ન શકતી. પછી મહાલકારીસાહેબ જેવા ખુદાબક્ષ મફતિયાઓની વેઠ તો ક્યાંથી જ કરી શકે? છતાં સત્તા આગળ શાણપણ નકામું એ કોઈ સત્તાશોખીને ઠોકી બેસાડેલા અફર નિયમને વશ વર્તીને એને ગાડું જોડવું પડતું. વિશેષ તો દીર્ઘદૃષ્ટિવાળી શાણી પટલાણી એને સમજાવી ફોસલાવીને વેઠે મોકલતી. આગલી સાંજે મહાલકારીસાહેબનો પટાવાળો વેઠના વારાનું કહી ગયો હોવાથી આજે પરેવાશમાં ઊઠીને પટલાણીએ રાજિયા સારુ થાળી થાળી જેવડા ચાર રોટલા ઢીબી નાખ્યા. ‘ચલતી હે’ સ્વભાવવાળા, મોડા ઉઠવાવાળા રાજિયાને કાન મરડીને પરાણે વહેલો ઊઠાડ્યો, ને ઝટપટ શિરામણ કરાવી દીધું. એટલી વારમાં તો બે વખત સાહેબનો પટાવાળો આવીને બૂમ મારી ગયો. સાહેબને અને પટાવાળાને મનમાં ગાળો દેતાં દેતાં રાજિયાએ બળદ જોડ્યા. પટલાણીએ પટારામાંથી કોરુંકટ્ટ ગોદડું ને ગાદલું લાવીને ગાડામાં પાથર્યાં. પેટનાં છોકરાંને પણ પાથરી દેતાં જીવ ન હાલતો એ ચીજનો થઈ રહેલો આવો મફતિયો ઊપયોગ પતિ-પત્ની બન્નેએ મૂગાં મૂગાં મનમાં જ સમજી લીધો. આખીય વસ્તુસ્થિતિનો મેળ, આગળ કહ્યું તેમ સત્તા આગળ શાણપણ નકામું એ સૂત્રમાં બેસાડી દીધો. અને ડેલીના ઉંબરામાં છોકરાને કાખમાં તેડીને ઊભેલ પટલાણી તરફ એક નજર નાખીને રાજિયાએ બળદને ડચકારો દીધો. મહાલકારીસાહેબ શ્રી વજેશંકરભાઈ સાહેબની ઓળખની જરૂર નથી. દેશી રાજ્યોના તેઓ મહાલકારી હતા એટલું બસ છે. માત્ર, ઓછું પાત્ર અને અદકું ભણેલ ને વઢકણી વહુએ દીકરો જણેલની જાણીતી કહેવત ઘડીભર તે યાદ આપતા. રાજિયો ગાડું લઈને ગયો ત્યારે સાહેબ હજી શયનમાં હતા. મંગળાનાં દર્શન હજી થયાં નહોતાં. અત્યારના પહોરમાં નાહક હેરાન કરવા બદલ રાજિયો પટાવાળાને મનમાં ભાંડે છે ત્યાં તો મેડી ઉપરથી સાહેબનો આળસ મરડવાનો અવાજ આવ્યો અને થોડી વારમાં તો હરિઓમ્ હરિઓમ્ બરાડતા તેઓ નીચે પણ ઊતર્યા. નીચે પટાવાળો સાહેબના ઝાડે ફરવા જવાના ખાસ ઉપાન પકડીને ઊભો હતો તે સાહેબના પગ આગળ ધર્યાં એટલે સાહેબે એ પહેરી લીધાં અને આગળ ચાલ્યા. પાછળ પટાવાળો હાથમાં પાણીનો કળશ્યો લઈને ગયો. ખાસ્સો એક કલાક ઝાડે ફરવા જવામાં ગયો. રાજિયો તો ગાડું છોડી ઉંધ ઉપર બેઠોબેઠો દિવસ આખા માટે પાઘડીને છેડે બાંધેલી ગડાકુ ફૂંકી રહ્યો હતો અને મનમાં ને મનમાં મહાલકારીસાહેબને શાપતો હતો. સાહેબ પાછા આવ્યા ત્યારે તેમનું ધ્યાન ચૂંગી ફૂંકી રહેલા રાજિયા તરફ ગયું. ‘એલા કાંઈ બહુ ફાટ્યો છે હમણાં?’ સાહેબે તેમની ફાંગી આંખ વધારે ફાંગી કરીને પૂછ્યું. ‘ના રે સાબ ના. ઈ વળી શું બોલ્યા?’ ‘બબ્બે ત્રણ ત્રણ વાર તેડાં આવે તંયે ગાડું જોડ છ ને બપોર દી’ ચડ્યે આંહીં આવ છ તી સમજ છ શું તારા મનમાં? રાજિયા પાસે આનો જવાબ જ નહોતો. અને એ સાંભળવાની પણ સાહેબે આશા નહીં રાખી હોય તેથી તુરત તેઓ સ્નાનવિધિમાં પ્રવૃત્ત થયા. રાજિયાને થયું કે હવે તો સાહેબ બધાં કામથી પરવારી રહ્યા છે અને ઝટ નિકાલ આવશે. પણ એની માન્યતા ખોટી પડી. પૂજાપાઠનો મુખ્ય કાર્યક્રમ તો હજી વાંસે હતો. નાહી રહ્યા પછી સાહેબ સીધી પૂજાની અલાયદી રાખવામાં આવતી ઓરડીમાં ગયા. સાહેબ શંકરભોળાના અનન્ય ભક્ત હતા. તેમાં પણ જ્યારે જ્યારે મહાલમાં જવાનું થતું ત્યારે તેઓ પૂજામાં વધારે સમય ગાળતા, એવો વેઠે જનાર ગાડાખેડુનો સ્વાનુભવ હતો. રાજિયો તો આમેય દિવસ બગડ્યો ને આયમે બગડશે એમ મનમાં સમાધાન મેળવીને બળદના કાનમાંથી બગાં વીણતો હતો. બની શક્યું તેટલું મોડું કરીને પણ છેવટે સાહેબ આવ્યા ખરા! સાથે તેમનો ચિરંજીવી બબો પણ આવ્યો. મહાલમાં નીકળતી વખતે સાહેબ બબાને હંમેશ સાથે લેતા. સાચું પુછાવો તો એમાં સાહેબે પોતાની સગવડ કરતાં ખેડુતોની સગવડ જ ધ્યાનમાં લીધી હતી. હરખઘેલા ખેડુતોને ચીભડાં, પોંક, શેરડી, માંડવીના ઓળા, મીઠાં મધ જેવાં તડબૂચ, તરિયાં વગેરેની ભેટસોગાદ દેવી હોય એ કાંઈ પચ્ચાસ વરસના મહાલકારીસાહેબને થોડી દઈ શકાય? કોઠીમ્બડાં જેવી મામૂલી ચીજ કાંઈ સાહેબ થોડા ખાઈ શકે? લીલા માંડવીના ઓળા સાહેબને થોડા ધરી શકાય? તેમ, શેરડીનો કાતરો બે દાંત વચ્ચે ભરાવીને સાહેબ ઓછા ફોલી શકે? એ તો બબાભાઈ હોય તો એ બહાને આ બધું નૈવેદ્ય ધરી શકાય. સાહેબ, બબાભાઈ તથા સાહેબના એક કારકુન ગાડામાં આરૂઢ થયા અને રાજિયાએ ગાડું હંકાર્યું. જે ગામમાં સાહેબનો મુકામ થવાનો હતો ત્યાં તો આગલી રાતથી જ સાહેબના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. દરબારગઢના એક અવાવરુ ઓરડામાંથી કબૂતરનાં પીંછા, ચરક, બાવાજાળાં વગેરે સાફ કરી નાખ્યાં હતાં. લવચંદ શેઠને ત્યાંથી એક બુંગણ તથા ત્રણ ચાર ગંધાતાં ગાદલાં માગી આણ્યાં હતાં. શવજી કુંભારને બોલાવીને બે કોરાં માટલાં ગોઠવી દીધાં હતાં. સાહેબ પધારે તે દિવસે ચૂરમાના લાડવા અને ભજિયાંનું જમણ–સાહેબનું જાણીતું પ્રિય જમણ–બનાવવા સારુ સીધાસામાનનો ફાળો પણ ગામલોકોએ શરૂ કરી દીધો હતો. રસોઈ માટે સરસામાનની જોગવાઈ થઈ ગઈ હતી, એટલું જ નહીં પણ નિશાળના મહેતાજી, જેઓ સદ્ભાગ્યે સાહેબની જ જ્ઞાતિના હતા, તેમને તે દિવસે છોકરાંઓને છૂટ્ટી આપી, રસોઈ પકાવવાનું પણ કહેવાઈ ગયું હતું. આ તો હજી સ્વાગત સમિતિ અને ભોજન સમિતિનાં જ કાર્યનું થયું. એ સિવાયની બિન-જવાબદાર સમિતિઓએ પણ કેટલીક ખાસ પ્રકારની સગવડ કરી રાખેલી. પોલીસપટેલે ભવલા વાણંદને સાહેબની ચંપી કરવા આવવાનું આમંત્રણ આપેલું. મનોરંજન સમિતિએ બારોટને બપોરે નમતે પહોરે આવીને દુહા લલકારવાનું કહી રાખેલું. અરે, કેટલાક વરણાગી જુવાનિયાઓએ તો ઢેઢડીઓ પાસે રાતે રાસડા લેવરાવવાનો પણ વિચાર કરી રાખેલો. ગામલોકોમાંના સ્થાપિત હિતો ધરાવનારાઓ તથા સ્થાનિક નોકરિયાતો સીમાડાથી એક ગાઉ આગળ તો સાહેબના ગાડાને લેવા આવ્યા હતા. સાથે બ્રાહ્મણના ઘરનું અણબોટ્યું પાણી ભરીને એક વેઠિયો ખેડૂત પણ આવ્યો હતો. સાહેબ તથા બબાભાઈને પાણી પાઈ કારવીને આખોય કાફલો સામૈયાને સ્વરૂપે જ્યારે ગામના દરવાજામાં દાખલ થયો ત્યારે પ્રવૃત્તિશૂન્ય ગામડાના પથ્થરે પથ્થરે નવો જીવ અનુભવ્યો. ખાસ સાહેબ માટે જ સાફસૂફ કરી રાખેલ ઓરડામાં સાહેબે તેમનું બેસવાનું પ્રિય પદ્માસન વાળીને બેઠક જમાવી. તલાટી તથા કામદારે આવીને કેટલીક ખાનગી ગુફતેગો ચલાવી લીધી. રાજિયો ગાડું છોડીને બહાર ફળિયામાં બેઠો હતો. આજનો આખો દિવસ મહાલકારીસાહેબને ખાતે બગડ્યો હતો એની વિમાસણમાં એ શૂન્યમનસ્ક હતો. ફળિયામાં ભોજનનો પ્રબધ થઈ રહ્યો હતો. નિશાળના મહેતાજીએ ત્રણ પાણાના મંગાળા માંડી દીધા હતા. થોડી વાર થઈ ત્યાં એક કણબી લીલી ઝાંયવાળું ઘી બોધરું ભરીને લાવ્યો એટલે મહેતાજીએ તવામાં મુઠિયાં તળવા માંડ્યાં. બીજા બે બ્રાહ્મણના છોકરા મહેતાજીની મદદમાં હતા. તેમણે બે પગ ઊંધા નાખી ગુણપાટ ઉપર વીરાસનમાં આવી જઈને લાકડાની મોગરી વતી તળાઈ રહેલ મુઠિયાં ભાંગવાં શરૂ કરી દીધાં. એક પસાયતાને મોકલીને શેઢા નજીકની બેચાર વાડીમાંથી પરચૂરણ લીલું શાકબકાલું મગાવી લીધું. તુરત એક બ્રહ્મકુમાર રીંગણાંબટાકા સમારવા બેસી ગયો. મહેતાજીએ ભાંગેલાં મુઠિયાં ચાળણી વતી ચાળવા માંડ્યાં. માલ કેવોક બનશે એ જાણવા બેચાર લાડુ- શોખીનોને તળેલ ભૂકાની કટકીઓ ચખાડવામાં પણ આવી. સૌ પારખુઓએ એકી અવાજે જાહેર કર્યું કે માલ એક નંબરનો બનવાનો છે. સાહેબ ગામ ઉપર ખુશ ખુશ થઈ જવાના. રાજિયાને અત્યારે ખેતરના વિચારો આવતા હતા. આજની વેઠને લીધે આખો દિવસ નકામો જશે, કોશ બંધ રહેશે. વાડીપડામાં લીલું વાવ્યું છે એ એક દિવસ સાવ પાણી પીધા વિનાનું રહી જશે. આજે બે નવા ક્યારા બાંધવા હતા એ નહીં બંધાય, દાતરડીનું પાનું લુહાર પાસે જઈને કઢાવવાનું હતું એ પણ રહી જશે. આવતી કાલે લીલું કાપતી વખતે એની એ મુશ્કેલી રહેશે. આ સિવાય સમી સાંજે ખેતરે કોઈ રખોલિયું નહીં હોય એટલે નાનભાના બળદ ઊભે ખેતરે ચરી જાશે. પણ એ બધું તો થવા દીધે જ છૂટકો હતો. સત્તા આગળ... ફરી મહાલકારી સાહેબ, તલાટી, કામદાર અને કારકુનોની મસલતો શરૂ થઈ. બહાર ઓશરીમાં દસબાર ખેડૂતો નીમાણા થઈને બેઠા હતા. ફાંસીની સજા પામી ચૂકેલા કેદીઓ ફાંસીને માંચડે ચડતાં પહેલાં પેટમાં જે ધ્રાસ્કો અનુભવે એવો ધ્રાસ્કો સૌ ખેડુતોના પેટમાં હતો. નામ બોલાય એટલી જ વાટ જોવાતી હતી. ‘હરજી ઠુમ્મર!’ પટાવાળાએ બૂમ મારી. એક ખેડૂત ઊઠીને અંદર સાહેબ પાસે ગયો. બાકીનાઓની ગભરામણ વધી. અંદરથી ધીમું ગુસપુસ, પછી મોટેથી ધાક ધમકી, વળી સમજામણ, ફોસલામણ, વગેરે સ્ફૂટ અસ્ફૂટ સંભળાતું હતું. એ સાંભળીને, બહાર બેઠેલા ખેડૂતો પારેવડાંની જેમ ફફડતા હતા. થોડી વારે અંદરનો ખેડૂત બહાર આવ્યો. તેના મોં પર નિસહાયતાની ઊંડી રેખાઓ તેના હૃદયની ચાડી ખાતી હતી. લથડતે પગે એ ડેલી બહાર નીકળતો હતો ત્યાં બીજા ખેડૂત માટે પટાવાળાએ છડી પુકારી. ફરી એનું એ નાટક ચાલ્યું. મહેતાજી અને એમના સાગરીતો રસોઈમાં પ્રગતિ કરી રહ્યા હતા. તળાઈ રહેલ મુઠિયાંનો ભુક્કો થઈ ગયો હતો. તેમાં ઘીગોળ ભેળવીને મહેતાજીએ લાડુ વાળવા માંડ્યા. આ દરમિયાન બટાટા અને રીગણાંના ઝીણાં પતીકાં છોકરાએ તૈયાર કરી રાખ્યાં હતા. બીજે ચૂલેથી દાળ ઉતારીને શાકનો વઘાર મૂક્યો અને ખાલી ચૂલે ભજિયાં બનાવવાની તૈયારી કરવા માંડી. રાજિયો નવરો બેઠો બગાસાં ખાતો હતો. સાહેબ ખેડૂતોને દમદાટી આપતા હતા. બ્રાહ્મણો લાડુ તૈયાર કરતા હતા. પસાયતાઓ ચિરંજીવી બબાભાઈને પાવલો પા, ઘીગોળ ખા, કરીને રમાડતા હતા. રસોઈ તો વાત કરતામાં તૈયાર થઈ ગઈ. છતાં કોઈ જમવા બેસવાની વાત તો શું, પણ અણસારો સુદ્ધાં નહોતું કરતું. આ મૌન બહુ જ સૂચક હતું. સૌ મનમાં એક વાત સારી રીતે જાણતા હતા કે ખેડૂતો પાસેથી વધુ નહીં તો ઓછામાં ઓછો–સાહેબના પોતાનાં જ શબ્દોમાં કહીએ તો - ‘લીલો કટકો’ મેળવ્યા સિવાય સાહેબને જમવા ન બેસવાનું નિમ હતું. રસોઈ તૈયાર કરીને સૌ વિસામો લેવા બેઠા. મનમાં થતું હતું કે હવે ઝટ લીલો કટકો સાહેબને મળી જાય તો જમવા પધારે, તો આપણે વહેલા છૂટા થઈએ. ઓશરીમાં હજી ચાર ખેડૂતો બાકી રહ્યા હતા. એમને ખંખેરતાં હજી સારી વાર લાગશે એમ ધારીને બભાભાઈ ભૂખ્યા થયા હોવાથી એમને અર્ધો લાડવો અને બે ભજિયાંનું નૈવૈદ્ય ધરી દીધું. બરોબર બેને ટકોરે સાહેબ ઓરડામાંથી બહાર આવ્યા. ફળિયામાં છાંયો કર્યો હતો ત્યાં મહાલકારીસાહેબ, તલાટીસાહેબ તથા કામદારસાહેબ માટે પાટલા નંખાઈ ગયા હતા. ગામમાં વાણિયાનું ઘર હતું ત્યાંથી સાહેબ માટે કેરી અને ગુંદાનું અથાણું તથા પાપડ મંગાવી લીધા હતા. ઓટા ઉપર બેસીને સાહેબ ઘડોએક પાણીએ નાહ્યા અને પછી એની એ સ્થિતિમાં માત્ર અંગુછિયું બદલીને પાટલા ઉપર આવી બિરાજ્યા. બેઠા દેઘડાના ઘાટનું સાહેબનું અદોદળું ભીમપલાસ શરીર અત્યારે ખુલ્લું હોવાથી વધારે ભયંકર લાગતું હતું. ગોળમટોળ ફાંદ અને કોથળા જેવાં પડખાં વચ્ચે ઉપરાઉપર ત્રણ વાટા પડતા હતા. એ વાટાઓમાં નહાતી વખતે આંગળીનો ફેરવો ખોવાઈ ગયાની પેલા જાણીતા શેઠવાળી વાત જે ખેડૂતોએ સાંભળી હતી તેઓ ટીખળમાં સાહેબની પણ મશ્કરી કરતા. પાટલા ઉપર એ માનવચોસલું જ્યારે ઉપરાઉપર લાડુઓ ઓહિયાં કરી જતું હોય ત્યારે ગરીબ ખેડૂતો, જેમને સાહેબે ખંખેર્યા હોય, તેઓ પેટે બળ્યા કહેતા કે આપણા રૂપિયા પણ પેલા ફેરવાની જેમ આ વાટાઓમાં જ ચાલ્યા જાય છે. જમતાં જમતાં સાહેબે આડીઅવળી થોડી વાતો કરી. ‘તલાટી, હમણાં મારાં હાળાવ કણબાં બહુ પેધી ગયાં છે.’ ‘હા સાહેબ, માંડવીનો ભાવ સારો આવે છે તે દિવસથી ફાટ્યા ફરે છે.’ ‘કોઈને દાદ નથી દેતા!’ ‘અરે સાહેબ, દાદ તો શું, હવે તો વેઠે આવવામાં પણ હજાર નખરાં કરે છે.’ ‘એમ કે?’ ‘હા સાહેબ. માંડવીએ સૌનાં મગજની ગરમી વધારી મૂકી છે.’ ‘મારા હાળાવ બહુ ફાટ્યા છે!’ ‘અરે, વાત મૂકી દીઓ સાહેબ! એના ઉપાડાની તો વાત કીધી જાય એમ નથી.’ તલાટીએ પોતાના કથનને ઘેરું બનાવી સાહેબનું કુતૂહલ વધારી મૂક્યું. ‘એવું બધું તે શું છે?’ સાહેબે કાંક અજાણ્યા થઈને પૂછ્યું. ‘અરે, હવે તો કણબણ્યુંને આપણાં બ્રાહ્મણ વાણિયાની બાયડીઓની જેમ રાખવા મંડ્યા છે. ઘેરઘેર ફરીને દૂધ વેચતી એને બદલે હવે કણબી પોતે જ એકસામટું હોટલમાં વેચી આવે છે તે મહિને દહાડે જી હિસાબ થાય એટલાનો ચા પી નાખે છે...’ ‘હં?’ ‘હા સાહેબ. વળી ઓણ વરસ માંડવીના સારા ભાવ પાક્યા છે તી સૌએ બાયસીકલું લીધી છે. તી હવે ખેતરે ભાત દેવા પટલાણીને નથી મોકલતા. એને બદલે હવે પોતે જ બાયસીકલે ચડીને લઈ જાય છે. મારા હાળાવે શું ઉપાડો લીધો છે!’ ‘બહુ ભારે કહેવાય!’ સાહેબે લાડુનું બટકું ગળતાં ટાપશી પુરાવી. ‘વળી પાછો સૌને સિનેમા જોવાનો બહુ ભારે ચડસ લાગ્યો છે. આપણા ગામમાં એના સારુ થઈને તો માધિયા લુવાણે મોટર લીધી છે. રોજ પાંચ પટેલ હૈયાફૂટા મળી રહે છે તે મોટર શહેરનો ફેરો કર્યા કરે છે. લુવાણે એમાં ને એમાં વરસ દિવસમાં તો મોટરના પૈસા પરબારા કરી લીધા.’ તલાટીએ ખેડૂતોને મુકદ્દમો ઘડી બંધ રાખી એકાદ લાડુ ઝાપટી લીધો. ફરી અધૂરું મૂક્યું હતું ત્યાંથી ઉપાડ્યું. ‘સાહેબ, આપણે તો કોઈ દિ’ નાટક સિનેમા જોવાય ન પામ્યા ને આ સાલાવ ભૂડથાવ નિત નવા ખેલ જોઈ આવે છે.’ તલાટીએ પોતાની હૈયાવરાળ ઠાલવી દીધી. ‘એહેહે! ઈ તો સમયની બલિહારી છે.’ સાહેબ ખંધાઈભર્યું હસીને બોલ્યા. માશી પૂતનાના વ્હાલની જેમ મહાલકારીસાહેબનું હસવું હંમેશ ભયસૂચક હતું. તલાટીએ અને સાહેબે બન્નેએ દૃષ્ટોદૃષ્ટ મેળવી. આ દૃશ્ય જેણે જેણે જોયું એ સહુ કમ્પી ઊઠ્યા. બન્નેની નજર જ એવી મારકણી હતી. રાજિયો ગાડાની ઉંઘ ઉપર બેઠો બેઠો ધ્રૂજી ઊઠ્યો. પછી તલાટીએ સાહેબના કાનમાં એક નવીન વાત કહી. ‘સાહેબ, કણબાવ પાંહે હમણાં એટલો તો કસ વધી ગ્યો છે, કે એક કણબણ્યે તો એના પેરણામાં આભલાં ભરવાને બદલે ઝીણી બે આનીઓ જ ભરી.’ ‘હં?’ સાહેબ ચોંકી ઊઠ્યા. ‘હા સાહેબ,’ તલાટી સાહેબ આખરે મૂળ વાત ઉપર આવ્યા. ‘હવે તો વેઠે આવવામાં પણ જાણે રાજ ઉપર ઉપકાર કરતા હોય એવો મિજાજ કરે છે.’ ‘હા, હો શાબ. ઈ વાત હાચી છે. માળાવ હવે તો અમારા ઉપરી હોય એમ અમને જવાબ દીએ છે.’ સાહેબનો પટાવાળો હરજી સાહેબનું ધોતિયું નીચોવતાં નીચોવતાં રાજિયા સામે આંખ કરીને વચ્ચે સાક્ષી બન્યો. મહાલકારી સાહેબ પણ હરજીનાં કથનનો મર્મ સમજી જઈને રાજિયા સામે કરડાકીભરી આંખે જોઈ રહ્યાં. પણ પોતાના મનની સાચી લાગણી બહુ લાંબો વખત બહાર જણાવા દેવી એ સાહેબના વિચક્ષણ સ્વભાવની વિરુદ્ધ હતું. તેથી તુરત તેમણે વાતોનો વિષય બદલી નાખ્યો. ‘મહેતાજી, લાડવા એક નંબરના બનાવ્યા છે હો! ભારે સરસ કણી પડી ગઈ છે. ચાવવાની તો મહેનત જ લેવી પડે તેમ નથી. હોઠેથી જ ભાંગી લ્યો!’ ‘સરસ તો બને જં ને? ભારોભાર ઘી નાંખ્યું છે. રૂડા પટેલનાં ઘરનાં દૂઝણાંનું ઘી છે.’ પણ સાહેબ આ વાત કબૂલ કરવા તૈયાર નહોતા. તેમણે વાતને પલટો આપ્યો: ‘ના, ના, ઈ તો તમારો હાથ જ બેસી ગયો છે. બીજું કાંઈ નહીં.’ અર્ધું ગામ ગાજે એવા ચાર ઓડકાર ખાઈને સાહેબ પોઢી ગયા. એકાદ કલાકનો પોરો ખાઈને સૌ ચાની તૈયારી કરવામાં પડ્યા. સાહેબ ઊઠે ત્યારે ચા તૈયાર હોવી જોઈએ એવો એક અણલખ્યો શિરસ્તો હતો. ફરી પસાયતો દોડ્યો તે એક કણબીને ત્યાંથી બોઘરું એક દૂધ દોવરાવી આવ્યો. ગામના બારોટ પણ ભેઠ બાંધીને આવી પહોંચ્યા. વાળંદને સવારના પહોરનો બેસાડી જ રાખ્યો હતો. હવે માત્ર બેચાર નવરા ગામલોકની ગપાટા મારવા માટે જરૂર હતી, એ પણ થોડીવારમાં આવી પહોંચ્યા. ચારેક વાગ્યાના સુમારે સાહેબ આળસ મરડીને ઊઠ્યા. ચાપાણી પીને તકિયા ઉપર આડે પડખે પડ્યા એટલે વાળંદે સાહેબની ચંપી શરૂ કરી. બારોટે દુહા લલકારવા માંડ્યા. રસિકોએ વચ્ચે વચ્ચે વાહ વાહ! વાહ બારોટ વાહ! વગેરેથી ટેકો પુરાવવા માંડ્યો. આમ, ચંપીના તાલબદ્ધ અવાજમાં, દુહાની રમઝટમાં અને ‘વાહ વાહ!’ ‘ભારે કરી’ના પોકારમાં ત્રણ કલાક ક્યાં વીતી ગયા એની પણ ખબર ન પડી. સંધ્યા ટાણે સાહેબનું ગાડું જુત્યું. આવતી વખતે ગાડામાં જગ્યા હતી એ બધી જતી વખતે ચિરંજીવી બબાભાઈ માટે ખેડૂતોએ લાવી રાખેલી વસ્તુઓથી પુરાઈ ગઈ હતી. ખુદ સાહેબ પણ મહાપ્રયત્ને તેમનું અદોદળું શરીર સમાવી શક્યા. દિવસ આખાની વેઠને લીધે રાજિયો કંટાળી ગયો હતો. વળી, પેટમાં પણ પાલી એકનો ખાડો પડ્યો હતો. તેણે બધું જોર એકઠું કરીને બળદને રાશ વડે ચાર ફટકા લગાવી દીધા અને આંખ ઉઘાડતાં વારમાં તો સાહેબને ઘર ભેગા કરી દીધા. રાજિયો ધૂવાંપૂવા થતો ઘેર ગયો. ડેલીમાં સામી પટલાણી મળી. એને એણે પ્રથમ વાક્ય આ સુણાવ્યું. ‘હવેથી મહાલકારીની વેઠે જાય ઈ એનો જ દીકરો થાય.’ ‘હવે બેહ બેહ, ઝાઝો લવારો કરતો!’ પટલાણીએ મીઠો ઠપકો આપ્યો. ‘તારા સમ! હવે આ રાજિયો ન જાય.’ ‘હવે મારા સમ ખા મા! ક્યાંક હું મરી જાઈશ તો પાછો રખડી પડીશ.’ કહીને પટલાણીએ આખા દિવસનો થાક અને કંટાળો ભુલાવી દીધો. મજાકમાં બોલાયેલાં આ વચન સાચે જ પાળવાનો પ્રસંગ થોડા મહિનામાં જ આવી ઊભો. રાજિયાના સાત ખોટના છોકરાને માતા નીકળ્યાં હતાં. બચશે કે નહીં બચે એવી વાતો ચાલતી હતી. ઝીણી ચાળેલ રાખની થપ્પીમાં છોકરાને ફૂલના જેટલી સંભાળથી સુવાડી રાખ્યો હતો. બરાબર ટાંકણે જ મહાલકારીસાહેબનો પટાવાળો આવીને કહી ગયો કે કાલે વેઠનો વારો હોવાથી ગાડું જોડીને મેખાપાદર આવવાનું છે. રાજિયે ચોખ્ખું ને ચટ્ટ સુણાવી દીધું કે છોકરો માંદો હોવાથી હું નહીં આવું. ‘તું નહીં તંયે કોણ તારો બાપ આવશે?’ પટાવાળાએ કહ્યું. ‘મોઢું સંભાળીને બોલજે હોં?’ ‘નકર?’ ‘નકર થાશે જોયા જેવી. હા, મારા જેવો બીજો કોઈ ભૂંડો ન જાણજે.’ રાજિયાએ આંખ કાઢી. પટાવાળો એ આંખ ઉપરથી જ સમજી ગયો. ‘ભાઈશાબ, પણ અમે તો ચીઠ્ઠીના ચાકર છીએ, અમે શું કરીએ? અમને તો હકમ કરે કે ગાડું લઈ આવો એટલે જેનો વારો આવતો હોય એને કહી આવીએ.’ ‘ને એમ છતાં ગાડું લઈને કોઈ નો આવે તો?’ રાજિયાએ આંખ સહેજ ઝીણી કરીને પૂછ્યું. ‘તો શું? દંડ થાય. બીજું શું?’ ‘કેટલો?’ ‘દશ રૂપિયા.’ ‘દશના કાકા’ કહીને રાજિયે પટાવાળાનો હાથ દાબ્યો. પછી બૂમ મારી: ‘એલી એ બચુડાની બા!’ ‘એ હો!’ ‘પટારામાંથી દશ રૂપિયા કાઢી દે.’ ‘હં, હં, પટેલ, એમ ઉતાવળા કાં થાવ? જરાક ધીરા ખમો. એમ દશ રૂપિયા સાવ લેવાદેવા વગરના કાં રાજને આપી દીઓ?’ પટાવાળાએ રાજ્યની વફાદારી બજાવી. ‘તંયે શું કરું, મહાલકારી મારો જીવ લેવા બેઠો છે તી?’ ‘પણ હું ઓછે પતી જાય એવો રસ્તો બતાવું તો?’ ‘તો તો તમારા જેવો ભગવાને ય નહીં.’ ‘જુઓ, હમણાં હમણાં સાહેબને–અને વધારે તો બબલા ભાઈને– મોટરમાં બેસવાનો ભારે ચસડકો લાગ્યો છે. માધિયા લુવાણે મોટર લીધી છે તે દીનું તેમનું મન ઝાલ્યું રે’તું નથી. માધિયો મેખાપાદરનો ફેરો દોઢ રૂપિયામાં કરે છે. દોઢ રૂપિયો જાવાનો ને દોઢ રૂપિયો આવવાનો. ત્રણ રૂપિયા રોકડા સાહેબને આપી દીઓ તો તમે છૂટ્ટા!’ ‘અરે, ત્રણ શું, ત્રીસ કેમ નથી બેસતા?’ રાજિયાએ હરખમાં આવી જઈને પટાવાળાના હાથમાં ત્રણ રૂપિયા મૂક્યા. પટાવાળાએ મુઠી વાળી લીધી એટલે બીજા હાથમાં એક રૂપિયો વધારાનો મૂક્યો: ‘લ્યો, આ તમારા ચાપાણીનો.’ પટાવાળાએ રૂપિયા વડે જ રાજિયાને સલામ કરી અને ચાલતો થયો. મહાલકારીસાહેબના છૂપા આનંદનો પાર ન રહ્યો. જે વસ્તુનું તેમણે દિવસોથી મનમાંને મનમાં સંવનન કર્યું હતું તેની આટલી આકસ્મિક પ્રાપ્તિથી એ આનંદનું પ્રમાણ સવિશેષ હતું. તે દિવસે ચિરંજીવી બબાભાઈને સાવ નવાં કડકડતાં કપડાં પહેરાવીને શણગારવામાં આવ્યા. સાહેબે પણ કપડાં બદલ્યાં. યજમાનવૃત્તિ કરતાં એ સમયનું દક્ષિણામાં મળેલું ધોતિયું ઉતારીને હમણાં એક ખેડૂત તરફથી દીવાળીની ખુશાલીમાં મળેલ અરવિંદ મીલના જોટામાંથી એક ફાડ્યું. ડગલો પણ બદલાવ્યો. પાઘડીનો વળ ઢીલો પડી ગયો હતો તે ફરી ચડાવ્યો. મોઢે મણ એકનું તાળું ટાંગ્યું હોય એટલો ભાર રાખીને રૂઆબભેર માધિયા લુવાણાની ‘વી-એટ’ મોટરની પાછલી બેઠકમાં સાહેબ બેઠા ત્યારે અનિચ્છાએ પણ મોં સહેજ મરકી ગયું. ઘડીભર એમ પણ અનુભવ્યું કે અત્યારે આખીય દુનિયામાં મારી અને આ મોટર સિવાયની ત્રીજી કોઈ ચીજની હસ્તી નથી. શું ઝડપથી મોટર ઉપાડી! ક્યાં એ ખખડધજજ ગાડાંઓની ઠગુકઠગુક ચાલ ને ક્યાં આનું પવનવેગે ઊડવું! ક્યાં એનાં અનેક ગામતરાંની ધૂળ ખાધેલ ગોદડાં ને ક્યાં આની સ્પ્રીંગવાળી સુંવાળી ગાદી! ક્યાં એ રોંચા જેવા ગાડા-ખેડુના કર્કશ ડચકારા ને ક્યાં આના હૉર્નની કર્ણપ્રિયતા! ત્યાં શરીરનાં હાડકાં પાંસળાં ખોખરાં કરી નાખે એવો ખડખડાટ હતો; અહીં સાત મણની તળાઈમાં સૂતા હોઈએ એટલી રાહત હતી. ત્યાં તડકાને લીધે વછૂટતા પરસેવા ઉપર રસ્તાની ધૂળના દાબા બાઝતા; અહીં માથા ઉપર હૂડ અને આજુબાજુ કાચનું રક્ષણ હતું. ત્યાં વસ્તુના અતિપરિચયમાંથી નીપજતી અવજ્ઞા-કંટાળો હતો, અહીં નવીન વસ્તુનું આકર્ષણ-ઉલ્લાસ હતો. ત્યાં કંઈ જ ન હતું, અહીં બધું જ હતું. મેખાપાદરના ગામલોકોને પણ તે દિવસે સાહેબને મોટરમાં આવેલા જોઈને નવાઈ લાગી. બેએક ખેતરવા છેટેથી ભોં ભોં કરતું ભૂગળું સાંભળીને સૌના કાન ચમકી ઊઠ્યા હતા અને જ્યારે મોટર ઉતારાની ડેલી બહાર ઊભી રહી ત્યારે ગામનાં નાગાંપૂગાં છોકરાંનું ટોળું મોટરને ઘેરી વળ્યું તે એક કલાક સુધી તો ખસ્યું નહીં. આજે સાહેબ પટાવાળા હરજી ઉપર ત્રુઠમાન થઈ ગયા. અને હવે પછી બધા જ ખેડૂતો વેઠે ગાડું લાવવાને બદલે આમ રોકડા ત્રણ રૂપિયા પહોંચાડી દીએ તો સંધુ સારું, એમ સૂચન પણ કર્યું. રાજિયા જેવા શહેનશાહના દીકરાઓનો તોટો નહોતો. વળી છેલ્લાં ત્રણ વરસ વરસાદ સારો થવાથી માંડવીના પાકમાં ખેડૂતો પાસે કસ પણ સારો હતો. સાહેબની વેઠે જવામાં એક આખો દિવસ ભાંગતો હતો એ તો ઠીક, પણ એ સિવાય સાહેબ તરફની બીજી પજવણીઓનો પણ પાર નહોતો. આથી, સાહેબને ત્રણ રૂપિયા રોકડા પરખાવનારાઓની સંખ્યા ઠીક ઠીક મોટી નીકળી આવી. થોડા મહિના મહાલકારીસાહેબે વી-એટ મોટરની સારી સહેલ કરી. ઘણા ખેડૂતો સાહેબની નવી યોજનાનો લાભ લઈને વેઠમાંથી છૂટી જતાં. એમાં કોઈને કશું અજુગતું પણ ન લાગ્યું. ખુદ બાપુ સુધી વાત પહોંચી તોપણ સાહેબની મોટરની સહેલ અટકી નહીં. ઉલટાનો બાપુને તો મારા ખેડૂતો આટલાં સુખી છે અને મારા અમલદારોને ખડખડપાંચમ ગાડાંઓને બદલે મોટરની સગવડ કરી આપે છે એ જાણીને ઊંડો આત્મસંતોષ થયો. પ્રચારકલાના નિષ્ણાતો કહે છે કે ગમે તેવા હડાહડ જાુઠાણાંની પણ પચાસ વખત પુનરુકિત કરવાથી એ સત્ય છે એવી ભ્રાંતિ પેદા કરી શકાય છે. લોકમાનસના એક નબળા ખૂણાનો એમાં લાભ લેવામાં આવે છે. સાહેબનો આ નવો ધડાકો પણ શરૂશરૂમાં કેટલાકને અજાુગતો લાગ્યો પણ થોડા મહિનાઓમાં બધો વિરોધ શમી ગયો અને લોકો સ્વાભાવિક રીતે જ નવી પરિસ્થિતિને અનુકૂળ થવા લાગ્યા. છતાં કોઈ કોઈ ખેડૂત એવા નીકળી આવતા જેઓ રોકડા રૂપિયા આપવાને બદલે ગાડું લઈને જવા તૈયાર થતા. આવાઓની ખો ભુલાવી દેવાનો પણ સાહેબ પાસે કીમિયો હતો. જે ખેડૂત ગાડું લઈને આવવા તૈયાર થતો અને મોટરના રૂપિયા આપવાની નારાજી બતાવતો તેને પહેલાં તો સાહેબ સવારના પહોરમાં ગાડું લઈને આવવા દેતા. પછી બપોર સુધી એમ ને એમ બેસારી રાખતા અને ત્યાર પછી પટાવાળો જઈને ધીમે રહી કહી આવતો કે આજે મહાલમાં નથી જાવું માટે હવે આવતી કાલે ફરી ગાડું જોડીને આવજે. આમ, આજનો દિવસ તો અર્ધો અહીં બેઠા ગયો હોવાથી આખોય નકામો જતો, પણ આવતા દિવસની વેઠ તો ઊભી જ રહેતી. આવી રીતે ગાડું જોડીને આવનારની ત્રણ રૂપિયા બચાવવાની નેમ બે દિવસ બગડવાથી ઊંધી વળી જતી. પછી તો સાહેબે માધિયા લુવાણા સાથે મોટરનું લગવું બાંધી દીધું. તેમાં માધિયાએ હંમેશના ઘરાક હોવાથી સારો ફાયદો કરી આપ્યો. આમ, સાહેબે મોટા પાયા ઉપર ખરીદી કરવાથી મળતી કસરનો લાભ ઉઠાવ્યો. ખેડૂતો પાસેથી તો જે રકમ શરૂમાં લેવાતી એ જ ચાલુ રહી. હવે તો સાહેબનું કામ બહુ સરળ રીતે ચાલવા લાગ્યું. જે ખેડૂતનો વેઠનો વારો હોય એને ત્યાં પટાવાળો જઈને ત્રણ રૂપિયાની જ ટહેલ નાખતો. ખેડૂતોને તેમાં કંઈ નવાઈ જેવું પણ ન રહ્યું. તેઓ ડાહ્યાડમરા થઈને ત્રણ રૂપિયા પટાવાળાને આપી દેતા અને બાકીનું બધું સાહેબ પોતાની મેળે જ ફોડી લેતા. વરસોવરસ માંડવી સારી પાકતી, વરસાદ બહુ જ સારો થતો, ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ પાક ઊતરતો. એ તો ઠીક, પણ આખા કાઠિયાવાડ અને મુંબઈમાં મોટા પાયા ઉપર માંડવીનો સટ્ટો ચાલતો હોવાથી માંડવીની માગ અને પરિણામે ભાવ બહુ જ વધી ગયા હતા. કેટલાક એશઆરામી ખેડૂતો તો એકલી માંડવી જ વાવતા. બાજરો કે ઘઉં વાવે તો દિવસો સુધી રાતે રખોપું કરવું પડે, ખળાવાડમાં ચારચાર બળદ રોકીને ઓઘા પીલવા પડે, દાણા વાવલવા પડે, રાતે ચોકી કરવી પડે, અને પછી દાણો તૈયાર થાય તેના સારા ભાવ પણ ન ઊપજે. માંડવીમાં તો એવી કાંઈ પંચાત જ નહીં. સીધી ખેતરમાંથી જ ખંખેરીને ગુણો ભરી લ્યે, એટલે વેપારી તોળી લ્યે ને ખાંડીના ભાવે રૂપિયા પણ ચૂકવી દીએ. એ રોકડા રૂપિયામાંથી દાણા લેવા હોય તો ક્યાં નથી લેવાતા? વાડીપડામાં ઢોર માટે લીલું કે ખાવા માટે શાકબકાલું વાવવાની મહેનત પણ કોઈ ન કરતું. મોસમ ટાણે થોડા દિવસ મહેનત કરવી પડે, પણ પછી કાંઈ પંચાત જ નહીં. નવરો વખત સૌ હોટલમાં ચાપાણી ને ધોળી બીડીઓ પીવામાં વિતાવવા લાગ્યા. દિવસ આખો હોટલમાં કાઢતા ને રાતે પડખેના શહેરમાં ફિલ્મ જોવા જતા. ઢોર માટે ઘાસચારો તથા ઘર માટે શાકભાજી રોકડા પૈસા આપીને લઈ આવતા. જેમનાં ખિસ્સાં વધારે જોર કરતાં હતાં તેમણે તો ઘેરેથી દૂઝાણાં પણ કાઢી નાખ્યાં. ઢોરનાં છાણવાશીદાની ગદ્ધામજૂરી તે કોણ કરે? રોકડા પૈસા આપીને દૂધ ક્યાં નથી મળતું? આવી સ્થિતિમાં મહાલકારીસાહેબની ગાડાની વેઠ તે કયો અભાગિયો કરવા જાય? મોટરની યોજના મહાલકારીસાહેબના ભેજામાં સ્ફુરી એ તો એક અકસ્માત જ હતો. સાહેબને એ ન સૂઝી હોત તો અત્યારના સંજોગોમાં ખેડૂતો તરફથી જ એનું સૂચન થાત. સંજોગો જ એવા હતા! ત્રણને બદલે છ રૂપિયા માગવામાં આવ્યા હોત તો પણ કોઈ ફરિયાદ ન કરત. કેટલાક ખેડૂતો પછી તો ખેડૂત કહેવાવા ખાતર કહેવાતા એટલું જ. ખરી રીતે તો તેઓ વાણિયાઓની દુકાને બેસીને પચ્ચીશ પચ્ચીશ ખાંડીનો સટ્ટો કરતા સટોડિયાઓ જ હતા. જોકે એમાં પાયમાલ પણ ઘણા થઈ ગયા. છતાં કેટલાકે શહેરની એસોસિએશનોમાં પોતાનું નામ નંખાવ્યું અને ધીખતો સટ્ટો કરવા માંડ્યો. પછી તો માધિયા લુવાણાની મોટર છોડીને સાહેબને ખાસ રાજ્ય તરફથી જ એક મોટર પૂરી પાડવામાં આવી. એનું બધું ખર્ચ ત્રણ ત્રણ રૂપિયાના ફાળામાંથી કાઢવામાં આવ્યું. આ બધી ‘પ્રગતિ’ માપવાનું એક માપ હતું. જેની જેની પાસે બે પૈસાનો કસ થયો તેઓ સૌએ ગામમાં નવાં મકાનો બાંધ્યાં અને તેનું છાપરું દેશી નળિયાંથી છાવવાને બદલે વિલયતી નળિયાં વાપરવા લાગ્યા. થોડા જ સમયમાં વિલાયતી નળિયાંનો વપરાશ વધી પડ્યો. આ ઊડીને આંખે વળગે એવું પ્રગતિનું સચોટ માપ ખુદ મહારાજાની પણ આંખે ચડ્યા વિના રહી ન શક્યું. તેમને પણ ક્ષણભર આ ખેડૂતોની જાહોજલાલીની ઈર્ષ્યા આવી ગઈ. વેપારીવર્ગને તો આ વધતી જતી દાદાગીરી સાલતી જ હતી. થોડા જ વખતમાં સૌ કોઈને ખેડૂતોની આ ક્ષણજીવી આબાદી ચંપલની ખીલી ખટકે એમ ખટકવા લાગી. કેટલાક વિઘ્નસંતોષીઓએ તો આપમેળે ભવિષ્ય પણ ભાખી દીધું કે હમણાં ખેડૂતોએ ભલે ઉપાડો લીધો, પણ એ ઝાઝો વખત ટકે એમ નથી. એકાદ માઠું વરસ આવવા દીઓ, પછી જોઈ લ્યો મજા! અને સાચે જ, એક વરસ મેહુલિયો રૂઠ્યો. વરસાદ સાવ ઓછો થયો. જે થોડો થયો એ કટાણાનો થયો. બીયાં એમ ને એમ ભોંમાં જ સડી ગયાં. વાદળાં સામે જોઈ જોઈને લોકોની આંખો થાકી. મેઘરાજે પણ મનુષ્યોની મશ્કરી જ માંડી. હંમેશ ગાજવીજ સાથે ઘનઘોર વાદળાં ઘેરાય, આવું છું, આવું છું, કરીને લોકોને આશાતંતુએ બાંધે અને ક્યાંય ન હોય ત્યાંથી પવન ફુંકાવો શરૂ થાય અને વાંદળાં વીંખાઈ જાય. રાત પડે ત્યાં તો આકાશમાં તારાની ભાત ચીતરાઈ જાય. અનુભવીઓ છપ્પનિયો યાદ કરતા: દિને કાઢે વાદળાં, ને રાતે કાઢે તારા, ઈ છપ્પનિયાના ચાળા. જેઠ મહિનો કોરો ગયો એટલે લોકોની ચિન્તા વધી. છતાં મનમાં સમાધાન કર્યું કે અષાઢ વરસશે. અષાઢ પણ કોરો ધાકોર ગયો. લોકો ધા નાખી ગયા. દુકાળ પડશે એવી પેટમાં ફાળ પડી ગઈ. અનેક અમંગળ આશંકાઓ થવા લાગી. મેઘરાજાને રાજી કરવા લોકોએ ગામ બહાર ઉજાણીઓ કરી. અનેક હોમવહન કરીને પ્રાર્થનાઓ કરી: જેઠ ગયો, અષાડ ગયો, ને શ્રાવણે પડ્યા શોષ, શ્રાવણિયો પણ કોરો ગયો, તયેં માણસે જોડ્યા કોશ, વાલીડા! વરસ્યની વે’લો રે! છપ્પનિયો કાળ કે’વાણો રે! પણ બધું જ વ્યર્થ! શ્રાવણ મહિને કોશ જોડવાનો વખત આવ્યો. ઢોર માટે જરા પણ ઘાસચારો ન થઈ શક્યો એટલે ટપોટપ મરવા માંડ્યા. પાણીની બહુ જ ખેંચ થઈ પડી. કેટલાંય ઢોર તો તરસ્યાં મરી ગયાં. માણસોની સ્થિતિ પણ ઓછી વિષમ નહોતી. અનાજનો એક દાણો પણ પાક્યો નહીં હોવાથી નવો પુરવઠો સાવ બંધ થઈ ગયો. જૂનો સંઘરો પણ બહુ થોડાઓની પાસે હતો. પરિણામે અનાજના ભાવ બેહદ ચઢી ગયા. મોઘું અનાજ ખરીદવા માટે સારા વરસોની બચત બહુ ઓછા પાસે રહી હતી. ઘણાખરાએ તો ખાઈ. પી ને ખેરસલ્લા જ કરેલા. આવાઓને આ દુકાળિયા વરસને લીધે બહુ શોષાવું પડ્યું. તેઓ તો માંડ માંડ બે ટંક પેટમાં રોટલો નાખી શકતા. પરિણામે, મહાલકારીસાહેબની મોટરની યોજના ખટ દેતીકને ખોટકાઈ ઊભી. પટાવાળો વેઠના વારા પેટે ત્રણ રૂપિયા લેવા જતો ત્યારે પહેલાં જેટલી આસાનીથી રૂપિયા મળી જતા એ હવે બંધ થયા. ‘સાહેબ, આજનો દિ’ ખમી જાવ ને. કાલે આપશું’ કરીને કેટલાક એકબે દિવસ ખેંચાવતા. અને બેને બદલે આઠ આઠ દિવસ કાઢી નાખતા. છતાં સાહેબે આ બની શક્યું તેટલું નિભાવી લીધું. પણ એમ થાગડથીગડ તે કેટલાક દિવસ નભી શકે? ધીમે ધીમે ખેડૂતો આઠ દિવસે પણ વારાના રૂપિયા ન ભરી શક્યા. આવે વખતે સાહેબનો મિજાજ હાથથી જતો. છતાં એ ગુસ્સો શમી જાય એટલે ખેડૂતોને ભાઈબાપા કરીને સમજાવતા અને બની શકે તેટલા વહેલા રૂપિયા ભરી દેવાનું કહેતા. શું કરે? વી એટનું વ્યસન જ એવું તો હાડોહાડ ઊતરી ગયું હતું કે હવે તો મોટરનો હરામચસકો કેમે કમે કર્યો દૂર થાય તેમ જ નહોતો. ખેડૂતોને સામ, દામ, ભેદ, દંડ એ ચાર શાસન-રીતોમાંથી ગમે તેનો ઉપયોગ કરીને પણ વેઠનો લાગો વસૂલ કરતા. આમ થોડી છુટછાટ મૂકીને, થોડી સગવડ આપીને પણ આ માઠું વરસ ખેંચી શકાત. પણ એક બનાવ એવો બન્યો કે આખી યોજના નવેસરથી વિચારવાની ફરજ પડી. જે માણસે આ સુંદર યોજના શરૂ કરાવી હતી, એ જ એનો અન્ત લાવવાને કારણભૂત બન્યો. રાજિયો મૂળથી જ તુંડમિજાજી તો હતો. એમાં એક દિવસ પટાવાળાએ જરા તીખા શબ્દોમાં ત્રણ રૂપિયાની ઉઘરાણી કરી. એમાં રાજિયાનો મગજ હાથથી ગયો: ‘નથી આવતો જા. કહી દેજે તારા સાહેબને.’ અને પછી મનમાં બબડ્યો: ‘શું કાંઈ ગરાસ દાટ્યો છે સાહેબના બાપાનો?’ સાહેબની પાસે જઈને પટાવાળાએ આ શબ્દો કહ્યા ત્યારે સાહેબ ઊકળી ઊઠ્યા. મહેસૂલી અધિકારી તરીકેનું પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું. તાબડતોબ પટાવાળાને પાછો મોકલીને રાજિયાને બોલાવ્યો. ‘કેમ એલા, હમણાં કાંઈ બહુ ફાટ્યો છે?’ સાહેબના આ પ્રશ્નનો જરાય ખચકાયા વિના રાજિયાએ ઉત્તર વાળ્યો: ‘ના સાબ!’ ‘તંયે વારાની ના કેમ પાડી?’ ‘કોણ ના પાડે છે?’ રાજિયાએ સિફતભર્યો જવાબ આપ્યો. ‘તો પછી ડાહ્યો થઈને રૂપિયા આપી દે ને!’ રાજિયે બધી હિમ્મત એકઠી કરીને બોલી નાખ્યું: ‘રૂપિયા વળી કેવાના?’ ‘વેઠના. બીજા કેવાના?’ સાહેબે ડોળા ઘુરકાવ્યા. ‘વેઠે આવવાની કોણ ના પાડે છે?’ રાજિયાએ નરમાશથી વાતને પલટો આપ્યો: ‘હું તો વેઠે આવવા તૈયાર છું.’ ‘તને મારે શું ઘસીને ગૂમડે ચોપડવો છે? રૂપિયા આપી દે ડાહ્યો થઈને.’ ‘રૂપિયા મરી ગયા સા’બ. ઘરમાં રૂપિયો તો શું, પણ માણસ મરી જાય તો મડાના મોંમાં મૂકવા ઝીણી બેઆનીય જડે એમ નથી.’ રાજિયે વાસ્તવિકતાની ક્રૂરતા એક જ વાક્યમાં સમજાવી દીધી. પછી બોલ્યો: ‘કહેતા હો તો ગાડું જોડીને આવું. ધોરિયા બળધ વાજોવાજ જાશે તો, આંખ ઉઘાડતાં તો મેખાપાદરની સીમમાં મૂકી દેશે...’ સાહેબ આ સાંભળી એટલા તો અકળાઈ ગયા હતા કે વધારે બોલી પણ ન શક્યા. કંટાળીને પટાવાળાને એટલું જ કહ્યું: ‘બહાર કાઢ. ડેલીની બહાર કાઢ સાલા કાફરને! બાપુએ બહુ ફટવ્યા છે, આમાં જ આટલી જીભ વધી ગઈ છે.’ આ વાતમાં તો કાઈ માલ નહોતો, પણ એણે મહાલકારીસાહેબ તથા બીજા અમલદારોને વસ્તુસ્થિતિનો ગંભીરપણે વિચાર કરતા કરી મૂક્યા. સૌએ એકમતે ઠરાવ કર્યો કે કાંક મક્કમ પગલાં લેવાવાની જરૂર ઊભી થઈ છે. નહીંતર આ ખેડૂતો કયાં જઈને ઊભા રહેશે એની કલ્પના થઈ શકે તેમ નથી. રાતે સાહેબને મોડે સુધી ઊંઘ ન આવી. રાજિયાવાળો બનાવ વખતોવખત સણકા કરાવી જાતો હતો. છેલ્લાં વર્ષોમાં મોટરની એટલી તો સહેલ કરી હતી અને શરીર એટલું તો સુંવાળું થઈ ગયું હતું કે હવે ગાડામાં બેસવું પડશે એની કલ્પના માત્ર તેમને થરથરાવતી હતી. રાજિયાનું ગાડું નજર સામે જોઈને મોટરનાં લારાં આવતાં હતાં. કોઈ તેમની મોટર ખૂંચવી લેતું હોય એમ તેઓ અનુભવી રહ્યા. પોતે બધું બળ એકઠું કરીને એનું પૈડુ પકડી રાખ્યું. સામી બાજુથી રાજિયો મોટરને ખેંચતો હતો. પોતે બન્ને હાથે પૈડું ખચકાવીને ઝાલી રાખ્યું. સામે રાજિયાની મદદે બીજા ખેડૂતો આવ્યા અને ‘હ...અ...મ્મ... મારો બાપો ખેંચજો,’ કરીને સૌએ મોટર ખેંચી. સાહેબે છેવટનો મરણિયો પ્રયત્ન કરીને મોટર પોતા તરફ ખેંચવા કરી જોયું અને બેબાકળા ચીસ પાડી ઊઠ્યા: ‘નહીં મૂકું!’ તુરત સાહેબનાં વહુ જાગી ઊઠ્યાં અને ઠપકાભર્યા અવાજે બોલ્યાં: ‘આજ સવારનું તમને થયું છે શું? મારાં પીટ્યાં કણબાં પણ તમારો જીવ લેવા આવ્યાં છે!... પણ મને કાં પકડી રાખ્યો?’ સાહેબે ભાનમાં આવી જઈને મોટરનું પૈડં છોડી દીધું. સવારમાં ઊઠીને સાહેબ કારભારીસાહેબને મળવા ગયા અને વેઠના સંબંધમાં કંઈક ચાંપતા ઇલાજ લેવાની અનિવાર્યતા સમજાવી. અને સાથે સાથે એવી પણ ફૂંક મારી કે ખેડૂતો સાવ નિરંકુશ રહેશે તો ખુદ રાજનું અસ્તિવ જોખમમાં આવી પડશે. કારભારી સાહેબને ગળે ઘૂંટડો ઊતર્યો. તેમણે કંઈક નિર્ણયાત્મક પગલાં લેવાનું વચન આપીને મહાલકારીસાહેબને વિદાય કર્યા. કારભારીસાહેબ પણ ઓછી માયા નહોતા. તેમના ફળદ્રુપ ભેજામાં એક નવી જ યોજના આવી. બીજે દિવસે હાઇનેસને બંગલે ગયા ત્યારે વાત આડે વાત કાઢી અને સૂચવ્યું કે વેઠની અવેજીમાં મોટરના લાગા પેટે લેવાતા રૂપિયાની વસૂલાતમાં બહુ મુશ્કેલી પડે છે માટે, આવતા વરસથી વિઘોટીનું વાર્ષિક ભરણું થાય ત્યારે જ સાથે સાથે મોટરલાગાની કુલ રકમ જે થાય તે દરેક ખેડૂત પાસેથી એકસામટી જ વસુલ કરી લેવી, અને પછી જ વિઘોટી જમા કરવી. પણ ત્યાં તો હાઇનેસે કાંડાની ઘડિયાળમાં જોયું અને નાચમુજરાનો સમય થઈ ગયો હોવાથી ‘કાલે વાત,’ કહીને ઊઠીને ચાલ્યા ગયા. જોઈએ હવે કાલે શું થાય છે!