ઋણાનુબંધ/અદ્વૈત
અદ્વૈત
હવે
શ્વાસે શ્વાસે ફેફસાંમાં
અમેરિકા પણ
હવા થઈને ભરાય છે.
આ લોહી
આ અસ્થિમાં
હવે અહીંની ઋતુઓનાં
આછી સુગંધનાં રંગબેરંગી ફૂલોનો
મલય
સતત વહ્યા કરે છે.
પળે પળે પલકારતી
આંખોમાં
હવે અહીં બારે માસ વરસતા
વરસાદનાં પાણી ઘર કરી ગયાં છે.
અહીંના
ધ્રુજાવી દેતા શિયાળાના
થીજી જતા સ્નોમાં
ઠંડી થઈ જતી મારી ગળાની અને ખભાની ત્વચા પર
હવે
અમેરિકા શાલદુશાલા થઈને વીંટળાય છે.
અને
વર્ષોના વસવાટ પછી
મુંબઈના એરપોર્ટ પર ઊતરું છું
ત્યારેય
ત્વચા થઈને ચોંટેલું હોય છે
અમેરિકા…