ઋણાનુબંધ/અમેરિકન ડ્રીમ
અમેરિકન ડ્રીમ
એક પરદેશી માણસ
શહેરની વચ્ચોવચ્ચ
ફૂટપાથ પર
છાપાં વેચે છે.
એ માણસ
અઢાર કલાક છાપાં વેચે છે,
એ માણસ
જાણીઅજાણી ભાષાનાં છાપાં વેચે છે,
એ માણસ
ટ્રેનના અવાજને અવગણીને છાપાં વેચે છે,
એ માણસ
જતાઆવતા ચહેરાઓને જોયા વિના છાપાં વેચે છે,
એ માણસ
ડોલર્સ ભેગા કરવા છાપાં વેચે છે,
એ માણસ
દેશમાં છોડેલાં સંતાનોને ભણાવવા છાપાં વેચે છે,
એ માણસ
અમેરિકન ડ્રીમ સાકાર કરવા છાપાં વેચે છે,
એ માણસ
બેચાર કલાક જ સૂએ છે—
ફૂટપાથ પર
ન વેચાયેલાં છાપાંની પથારી પર…