ઋણાનુબંધ/~

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
~



વરસતો સ્નો
આકાશી લિપિમાં લખાયેલાં
વરસતાં હાઇકુ…

*


નદીના સુંવાળા જળ ઉપર કૈં કોમળ સળ
પડ્યા જાણે એવા: પવન સ્પરશે પ્રેમળ પળ
વહે છે આનંદે રણઝણ થતી જાય સૂરમાં
નદી પોતે માતી નથી નિજ મહીં: અંગ, ઉરમાં!

*


ચપોચપ ભિડાયેલા અરવ હોઠ આકાશના
અચાનક ગયા ખૂલી: જલધરો ઝરે પ્રીતને
અને લય ગયો મળી મધુર માહરા ગીતને
જરીક ધબકી રહ્યા હરિત શ્વાસ આ ઘાસના.

*


અહો! તારી વાટે પવન સૂસવે તોય પણ આ
ઝગે છે મારી આ સ્તનપ્રદીપની જ્યોત નમણી.

*


સ્મૃતિ
એ કંઈ
નાયલોન નથી
કે
એકાદ તણખો અડતાં
આખી સાડી બળીને ખાખ થઈ જાય!

*


ગઈ કાલનું તારું સ્મિત
મારાં સ્મરણોની પથારીમાં
ટૂંટિયું વાળીને પડ્યું છે.

*


સૂકાં પર્ણે સળવળ થતો વાયુ ફંફોળતો શું?

*


આસપાસ અવકાશમાં
તરબતર અત્તર સમું મઘમઘ અહો! વાતાવરણ
કોનો હશે સુરભિત શ્વાસ
ને અહીં કોનાં હશે પરિમલભર્યાં છાનાં ચરણ!

*


પ્રાત:કાલે
આંગણામાં સાંપડેલાં
મન્દારવૃક્ષનાં પર્ણો—
હશે એ
હરિવર! તમારાં ચરણો?

*