ઋતુગીતો/બંગાળી બારમાસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બંગાળી બારમાસી

[જૂની બંગાળી લોકગીત-કથાઓ (બૅલડ્સ)માં આવી બારમાસીઓ કથાના એક વિભાગ તરીકે ગૂંથાયેલી ઠેકાણે ઠેકાણે જડી આવે છે. મોટે ભાગે કથાની નાયિકા કોઈ રાજકચેરીની સન્મુખ કરુણ આપવીતીની કથા કહેતી હોય તે વેળા આ બારમાસીનું ગૂંથણ થાય છે. આંહીં પણ સૂર વિજોગના — કરુણતાના — જ હોય છે. એમાંથી બંગાળી ઋતુઓનાં રિવાજો, ઉત્સવો, વિશિષ્ટ લક્ષણો, પંખીઓ ઇત્યાદિની નોંધો જડે છે. નીચેની બારમાસી ‘કમલા’ નામની ગીતકથામાંથી ઉતારી છે. વચ્ચેથી કથાના પ્રસંગો જતા કર્યાં છે. (જુઓ ‘મૈમનસિંહ ગીતિકા’, પ્રથમ ખંડ : કમલા : પૃષ્ઠ 145 : કલકત્તા યુનિવર્સિટી]

હાસિયા ખેલિયા દેખ પોષ માસ આય, પોષ માસેર પોષા આન્દિ સંસારે જાનાય;

સકલેર છોટ બોન પોષ માસ હય, ચોક મેલાઈ તે દેખ કત વેલા હય.

[હસતાં રમતાં પોષ માસ આવ્યો. પોષ માસના ધુમ્મસના અંધકારે સંસારને જાણ કરી. પોષ એ સર્વ મહિનાની નાની બહેન થાય છે. (એના દિવસો ટૂંકા હોવાથી) આંખ ખોલીએ ખોલીએ ત્યાં તો જુઓને કેટલી વેળા વીતી જાય છે!]

પોષ ગેલ માધ આઈલ શીતે કાપે બૂક, દુઃખીર ના પોહાય રાતિ હઈલ બડ દુઃખ;

શીતેર દીઘલ રાતિ પોહાઈતે ના ચાય, એઈ રુપે આસ્તે આસ્તે માઘ માસ જાય.

[પોષ ગયો. માહ આવ્યો. ઠંડીથી છાતી કંપે છે. દુઃખી જનોની રાત ખૂટતી નથી. બહુ દુઃખ થાય છે. ઠંડીની લાંબી રાત પૂરી થવા ચાહતી નથી. એ રૂપે માઘ ધીરે ધીરે જાય છે.]

આઈલ ફાલ્ગુન માસ વસંત બાહાર, લતાય પતાય ફુટે ફુલેર બાહાર.

ધનુ હાતે લઈયા મદન પુષ્પેતે લૂકાય બેલૂડા યુવતી ઘરે ના દેખે ઉપાય.

ભ્રમરા કોકિલ-કુંજે ગુંજરિ બેડાય, સોનાર ખંજન આસિ આંગિન જુડાય.

[ફાગણ આવ્યો. વસંતની બહાર આવી. લતાઓ ને પાંદડાંઓમાં ફૂલોની શોભા ખીલે છે. હાથમાં ધનુષ લઈને મદન પુષ્પોમાં છુપાય છે. બહાવરી યુવતી ઘરમાં કશો ઇલાજ ભાળતી નતી. ભમરાઓ કોકિલ-કુંજોમાં ગુંજતા ભમે છે. સોનેરી રંગનું ખંજન પક્ષી છેક આંગણામાં આવે છે.]

આઇલ ચૈત્રિરે માસ આકાલ દુર્ગાપૂજા, નાનાવેશ કરે લોક નાના રંગેર સાજા.

ઢાક બાજે ઢોલ બાજે પૂજાર આંગિનાય ઝાક ઝાક શંખ બાજે નટી ગીત ગાય.

પાડા પડસી સવે સાજે નૂતન વસ્ત્ર પડિ ઘરેર કોનાય લૂકાઈયા આમિ કાંદ્યા મરિ.

[ચૈત્ર આવ્યો. એ સમયે દુર્ગાની પૂજા થાય છે. સર્વ લોકો જૂજવા રંગના શણગાર સજે છે. પૂજાગૃહના આંગણામાં ઢોલનગારાં વાગે છે. શંખ ફૂંકાય છે. નટીઓ ગીત ગાય છે. આડોસીપાડોસી સર્વે નવાં વસ્ત્ર સજે છે, માત્ર હું જ ઘરને ખૂણે છુપાઈને આક્રંદ કરું છું.]

વૈશાખ માસેતે ગાછે આમેર કડિ પુષ્પ ફુટે પુષ્પ ડાલે ભ્રમર ગુંજરિ.

ફુલ દોલે પૂજા આદિ કહિતે વિસ્તર આર વાર પત્ર આસે માયેર ગોચર.

[વૈશાખે આંબાનાં વૃક્ષોમાં મહોર બસે છે. પુષ્પો ફૂટે છે. ફૂલડાળીઓમાં ભમરા ગુંજે છે. ફૂલ-દોલના ઉત્સવ થાય છે. મા ઉપર આ વખતે (પિતા તથા ભાઈનો) કાગળ આવે છે.]

જ્યૈષ્ઠ માસેતે દેખ પાકા ગાછેર ફલ, રાત્રિ દિવા ના શૂકાય નયનેર જલ.

માયે કરે ષષ્ઠીપૂજા પૂતેરે લાગિયા, પ્રાનેર ભાઈ વિદેશે મોર દુઃખે કાન્દે હિયા.

[જેઠ માસે ઝાડે ફળ પાક્યાં. પણ રાત-દિવસ નયન-જળ સુકાતાં નથી. માતા પુત્રને ખાતર છઠ્ઠીની પૂજા કરે છે. મારો પ્રાણપ્રિય ભાઈ પરદેશ છે. તે દુઃખે હૈયું આક્રંદ કરે છે.]

આષાઢ માસેતે દેખ ભરા નદીર પાની, મામાર બાડીતે કાંદિ દિવસ રજની

ડિંગા વાઈયા આસવે ઘરે બાપ આર ભાઈ, આશાય બાંધિયા બૂક રજની ગુયાઈ.

[આષાઢે નદીમાં ભરપૂર પાણી આવ્યાં. હું મારા મામાને ઘેર દિનરાત રડું છું. મછવો હાંકીએ બાપુ ને ભાઈ ઘેર આવશે એ આશાએ હૈયું બાંધી રાખીને હું રાત્રિ ગુજારું છું.]

શ્રાવન માસેતે દેખ ધન વરિષન. વિલેર માઝે કોડાકોડિ કરયે ગર્જન.

કોડા શિકાર કરતે આઈલો રાજાર કુમાર, મૈષાલેર વાસે દેખા હઈલ તાહાર.

[શ્રાવણ મેઘ વરસે છે. સજલ ભૂમિમાં કોડા ને કોડિ પક્ષીઓ ગર્જના કરે છે. રાજાનો કુંવર એ કોડા પક્ષીનો શિકાર કરવા આવ્યો. ગોવાળાના વાસમાં એનો મેળાપ થયો.]

ભાદ્ર માસે તાલેર પિઠા ખાઈતે મિષ્ટ લાગે, દરદિ માયેર મૂખ સદા મને જાગે.

દિનેર વેલા ઝરે આખિ રાઈતેર અંધકાર, ભાદ્ર માસેર ચાન્નિ ગેલ રુસનાઈર બાહાર.

ભાદ્ર માસેર ચાન્તિ દેખાય સમુદ્રેર તલા, સેઉ ચાન્નિ આંધાઇર દેખ્યા કાન્દિ છે કમલા.

[ભાદરવામાં ખજૂરના ઘૂઘરા ખાવા મીઠા લાગે, પરંતુ મારા મનમાં સદા દુઃખી માતાનું મુખ યાદ પડે છે. દિવસે આંખો રડે છે. રાત્રિએ અંધકાર હોય છે. ભાદરવાની ચાંદની રાતોની શોભા ગઈ. ભાદરવાની ચાંદની સમુદ્રને તળિયે દેખાય છે. એ ચાંદનીને અંધારેલી જોઈને કમલા આક્રંદ કરે છે.]

ભાદ્ર ગેછે આશ્વિન આઈલ દુર્ગાપૂજા દેશે આનંદસાયરે ભાસ્યા વસુમાતા હાસે.

બાપેર મંડપ ખાનિ રઈલ, કેવા પૂજા કરે, બાપ ભાઈ મૌક્ત હોક દૂર્ગા માયેર વરે.

[ભાદરવો ગયો. આસો આવ્યો. દેશમાં દુર્ગા-પૂજા થાય છે. માતા વસુંધરા આનંદસાગરે નીતરતી હસે છે. પણ મારા પિતાનો મંડપ તો રહી ગયો. કોણ પૂજા કરે? દુર્ગામાના વરદાન થકી બાપુ ને ભાઈ મુક્ત બનજો!]

કાર્તિક માસેતે દેખ કાર્તિકેર પૂજા, પરદિમેર ઘટ આકિ બાતિર કરે સાજા.

સારા રાત્રિ લૂલા મેલા ગીત વાદ્યિ બાજે, કૂલેર કામિની જત અવતરંગ સાજે.

[કાર્તિકમાં કાર્તિકસ્વામીની પૂજા થાય છે. પ્રદીપનો ઘટ (ગરબો) કંડારીને બત્તીના શણગારો કરે છે. આખી રાત આનંદના કોલાહલ અને ગાન-બાજન થાય છે. કુલીન કામિનીઓ વિવિધ વસ્ત્રો સજે છે.]

સેઈત કાર્તિક ગેલ આગન આઈલ, પાકા ધાને સરુ શષ્યે પૃથિવી ભરિલ;

લક્ષ્મી-પૂજા કરે લોક આસન પાતિયા, માથે ધાન ગિરસ્થ આસે આગ બાડાઈયા.

[કાર્તિક ગયો. અગ્રહાયન (માગશર) આવ્યો. પાકેલાં ધાન્ય ને ઝીણાં કણ વડે પૃથ્વી ભરાઈ ગઈ. આસન પાથરીને લોકો લક્ષ્મીપૂજા કરે છે. પેટ વધારેલાં લોકો માથે ધાન્ય ઉપાડીને આવે છે.]

જયાદિ જૂકાર પડે પ્રતિ ઘરે ઘરે, નયા ધાનેર નયા અન્ને ચિડા પિઠા કરે.

પાયેસ ખિચૂરી રાંધે દેવેર પારન લક્ષ્મીપૂજા કરે લોકે લક્ષ્મીર કારન.

[ઘેરઘેર જયજયકાર થાય છે. નવાં ધાન્યની મીઠાઈઓ રંધાય છે. (ઉપવાસ પછી) દેવનાં પારણાં કરાવવા દૂધ–ખીચડી રંધાય છે. લોકો લક્ષ્મીને કારણે લક્ષ્મીપૂજા કરે છે.]