એકતારો/ગરજ કોને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગરજ કોને?


ગરજ હોય તો આવ ગોતવા
હું શીદ આવું હાથ હરિ!
ખોજ મને જો હોય ખેવના
હું શીદ સ્હેલ ઝલાઉં હરિ!—ગરજ૦ ૧

ગેબ તણી સંતાકુકડીમાં
દાવ તમારે શિર હરિ!
કાળાન્તરથી દોડી રહ્યા છો
તોય ન ફાવ્યા કેમ હરિ!—ગરજ૦ ૨

સુફીઓ ને સખી–ભકતો ભૂલ્યા,
વલવલીઆ સહુ વ્યર્થ હરિ!
'સનમ! સનમ!' કહીને કો રઝળ્યા,
કોઈ 'પિયુ! પિયુ!' સાદ કરી—ગરજ૦ ૩

પોતાને પતિતો દુષ્ટો કહી
અપમાને નિજ જાત હરિ!
એ માંહેનો મને ન માનીશ,
હું સમવડ રમનાર હરિ!—ગરજ૦ ૪

તલસાટો મુજ અંતર કેરા
દાખવું તો મને ધિઃક હરિ!
પતો ન મારો તને બતાવું
હું–તું છો નજદીક હરિ!—ગરજ૦ ૫

મારે કાજે તુજ તલસાટો
હવે અજાણ્યા નથી હરિ!
હું રીસાયલ ને તું મનવે
વિધવિધ રીતે મથી હરિ!—ગરજ૦ ૬

પવન બની તું મારે દ્વારે
મધરાતે ગુમરાય હરિ!
મેઘ બનીને મધરો મધરો
ગાણાં મારાં ગાય હરિ!—ગરજ૦ ૭

વૈશાખી બળબળતાં વનમાં
દીઠા ડાળેડાળ ભરી
લાલ હીંગોળી આાંગળીઆળા
તારા હાથ હજાર હરિ!—ગરજ૦ ૮

માછલડું બનીને તેં મુજને
ખોળ્યો પ્રલયની માંય હરિ
હું બન્યો કાદવ, તું બની ડુક્કર
રગદોળાયો, શરમ હરિ!—ગરજ૦ ૯

પથ્થર લક્કડ પશુ પંખી થૈ
નજર તમારી ચુકાવી હરિ!
માનવ થઈ પડું હાથ હવે, તો
જગ કહેશે, ગયો ફાવી હરિ—ગરજ૦ ૧૦

લખ ચોરાશીને ચકરાવે
ભમી ભમી ઢુંઢણહાર હરિ!
ડહ્યો થૈ કાં દાવ પૂરો દે,
કાં તો હાર સ્વીકાર હરિ!—ગરજ૦ ૧૧