એકતારો/મોતનાં કંકુ-ઘોળણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મોતનાં કંકુ-ઘોળણ


કંકુ ઘોળજો જી કે કેસર રોળજો!
પીઠી ચોળજો જી કે માથાં ઓળજો!

ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે,
રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરઘરે;
મીંઢોળબંધા, તજી માયા, સજી આયુધ નીસરે,
હરખાએ પ્રિયજન, ગાઓ ગુણીજન, દાવદુશ્મન થરથરે. ૧.

જોદ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા,
ડંકા વાગિયા જી કે હાકા લાગિયા;

લાગિયા હોહોકાર રણલલકાર ઘર ઘર બારણે,
કંકુ લગાવત પ્રિયા, બહેની લળે વીરને વારણે;
સહુ સાથ લડશે, પછી રડશે કોણ કોના કારણે!
રિપુઓને આંગણ સંગ–પોઢણ પામવા દિલ રણઝણે. ૨.

માંડ્યાં કારમાં જી કે જુદ્ધ જગે નવાં,
ના ના મારવાં જી કે શીશ સમર્પવાં;

કારમાં રણ ખાંડા વિનાનાં, ખેલવા હાકલ પડી,
હુલ્લસિત હૈયે ઘાવ તાતા ઝીલવા સેના ચડી;
છો હણે ઘાતી, રખે થાતી : રોષ–રાતી આાંખડી,
ગુર્જરી! તારાં જુદ્ધ નવલાં ન્યાળવા આલમ ખડી. ૩.

ગુર્જર ઘેલડી જી કે ઓ અલબેલડી!
સમરાંગણ ચડી જી કે તું નહતી લડી!

નહતા લડ્યા તારા બિચારા બાળ ગભરૂ ઘેલડા
હર વરસ હોરી–ખેલ રસબસ રમન્તા તુજ છેલડા!
આવિયો ફાગણ આજ ભીષણ, ખેલજો રે ફુલ–દડા!
મોતની ઝારી રક્ત–પિચકારી ભરી રિપુદળ ખડાં. ૪.

રાજ વસંતનાં જી કે વાહ વધામણાં!
ગાઓ ગાવણાં જી કે જુદ્ધ જગાવણાં;

ગાઓ બજાઓ, જુદ્ધ જગવો, વાહ ઘોર વધામણાં!
ગુર્જરી તારે મધુવને ગહેકે મયૂરો મરણના;
મઘમઘે જોબન, પ્રાણ થનગન, લાગી લગન સહાય ના,
પ્રગટે હુતાશન, ભીતિનાશન, ખમા વીર! ખમા! ખમા! પ.