એકતારો/શૉફરની દિવાળી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શૉફરની દિવાળી


: ઝૂલણા :


નગરની રોશની નીરખવા નીકળ્યાં
શેઠ શેઠાણી ને સાત છૈયાં;
ચકચકિત મોટરે દીપકો અવનવા,
હાર ગલફુલ સજ્યાઃ થૈ થૈ થૈયાં! ૧.

થૈ થૈ થૈ ડોલતી ચાલમાં ચાલતી
ગાડીને જોઈ જન કૈંક મોહે;
આગલી પાછલી ગાડીના ગર્વને
મોડતી હાથણી જેમ સોહે. ૨.

આપણા રાવ શૉફર તણી હાંકણી!
ભલભલી મૂછના વળ ઉતારે;
વાંક ને ઘોંકમાં શી સિફત ખેલતો
ફાંકડો રાવ નટવી નચાડે! ૩.

શેઠના પેટમાં બિન્દુ પાણી હલે,
છાતી શેઠાણીની લેશ થડકે,
(તો) ફાંકડા રાવના હાથ લાજે–અને
રાવને હૃદય બદનામ ખટકે! ૪.

‘રાવ, મોટર જરી બગલમાં દાબ તો!’
શેઠનાં નયન સૌંદર્ય શોધે;
‘રાવ, સરકાવ ગાડી જરી પાછળે.’
શેઠ–પત્ની ઢળે રૂપ જુદે. પ.

ચાર દિવસો તણી ચમકતી પર્વણી :
ચિત્રપટ, નાટકો ને તમાશા :
‘સાલ નવ મુબારક’ કાજ અહીં તહીં બધે
ઘૂમિયાં પલટી પોશાક ખાસા. ૬.

થાક આનંદનો લાગિયો, શેઠિયાં
બીજનો દિન ચડ્યો તોય સૂવે :
રાવ મોટર તળે જાય ઓજાર લૈ :
પોઢવા?— નૈ જી, પેટ્રોલ ચૂવે! ૭.

‘શું થયું. રાવ! ગાડી બગાડી નવી!
આમ બેધ્યાન ક્યાં થઈ ગયો’તો?’
‘દીપમાલાની સ્વારી વિષે શેઠજી!
એક દીવો તહીં ગુલ થયો’તો’. ૮.

‘કયાં?’–‘તહીં એક અંધારગલ્લી તણી
‘ચાલની આખરી ઓરડીમાં,
‘નાર મારી અને બાળ બે ગોબરાં
‘ચાર રાત્રી સુધી વાટ જોતાં, ૯.

‘બારીએ લાલટિન લટકતું રાખજે,
‘આવી પ્હોંચીશ. આજે હું વે’લો :
‘વાટ જોતાં મળી આંખ એની હશે,
‘તેલ ખૂટ્યું હશે–હું ય ઘેલો ૧૦.

‘દીપમાલા ત્યજી ત્યાં નિહાળી રહ્યો,
‘પીઠથી ગાડીએ દીધ ઠેલો,
‘પાંસળાંમાં ખુતી સોટી સાર્જન્ટની,
‘હેબતે હું ઘડી ભાન ભૂલ્યો.’ ૧૧.

‘હા અલ્યા રાવ! અફસોસ, હું યે ભૂલ્યો,
‘તાહરે પણ હતી કે દિવાળી?
‘શી ખબર, તું ય પરદેશમાં માણતો
‘નારબચ્ચાંની સોબત સુંવાળી!’ ૧૨.

એમ કહી શેઠીએ આઠઆની દીધી
ને દાધી શીખ અણમૂલ આખી:
‘ગાંડિયા! આંહીં તો એકલા કામીએં
‘આ બધી લપ્પને વતન રાખી.’ ૧૩.