એકોત્તરશતી/૨૧. જીવન-દેવતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીવનદેવતા

હે અંતરતમ, મારા અંતરમાં આવીને તારી બધી તૃષા મટી છે? નિષ્ઠુર પીડનથી છૂંદેલી દ્રાક્ષની માફક હૃદયને નિચોવીને દુ:ખસુખની લાખા ધારાથી, મેં તને પાત્ર ભરી આપ્યું છે. કેટલાય રંગો, કેટલાય ગંધો, કેટલીય રાગિણી અને કેટલાય છંદો ગૂંથી ગૂંથીને મેં તારું વાસરશયન વણ્યું(રચ્યું) છે. વાસનાનું સોનું ગાળી ગાળીને મેં તારી ક્ષણિક રમતને માટે રોજ રોજ નિત્યનવી મૂર્તિઓ રચી છે. તેં પોતે જ કોણ જાણે શાની આશાએ મને પસંદ કરી લીધો હતો. હે જીવનનાથ, મારી રજની, મારાં પ્રભાત, મારો નર્મ, મારાં કર્મ તારા એકાંતવાસમાં તને ગમ્યાં છે? વર્ષામાં અને શરદમાં, વસંતમાં અને શીતમાં (મારું) હૃદય જે જે સંગીતથી ગાજી ઊઠ્યું હતું તે તેં પોતાના સિંહાસન ઉપર એકલા બેસીને સાંભળ્યું છે? માનસકુસુમને ખોળામાં વીણીને તેં માળા ગૂંથી છે, અને ગળામાં પહેરી છે? મારા યૌવનવનમાં તે મનમાં આવ્યું તેમ ભ્રમણ કર્યું છે! હે પ્રિય, મર્મમાં એ આંખો માંડીને શું જુએ છે? મારાં બધાં સ્ખલન, પતન અને ત્રુટિઓ તેં ક્ષમા કર્યાં છે? હે નાથ, પૂજા વગરના દિવસો અને સેવા વગરની રાત્રિઓ કેટલીય વાર આવી આવીને પાછી ગઈ છે—અર્ધ્યકુસુમ વિજન વિપિનમાં ખીલીને ખરી પડ્યાં છે, જે સૂરે તેં આ વીણાના તાર બાંધ્યા હતા તે વારે વારે ઊતરી ગયા છે—હે કવિ, તારી રચેલી રાગિણી શું હું ગાઈ શકું! તારા કાનનમાં જલ સીંચવાને જતાં છાયામાં આડો થઈને ઊંઘી ગયો છું, સંધ્યાસમયે આંખો ભરીને અશ્રુજલ લાવ્યો છું. હે પ્રાણેશ, જે કંઈ શોભા, જે કંઈ ગીત, જે કંઈ પ્રાણ, જાગરણ, ગાઢ નિદ્રા—જે કાંઈ મારું હતું તે બધું હવે પૂરું થયું છે? બાહુબંધન શિથિલ થયું છે, મારું ચુંબન મદિરાવિહીન થઈ ગયું છે,—જીવનકુજમાંની અભિસારરાત્રિ આજે પૂરી થઈ છે? તો આજની સભા વિખેરી નાખો, નવું રૂપ આણો, નવી શોભા લાવો, અને ચિરપુરાતન એવા મને નવો બનાવીને ફરીવાર લો. નૂતન વિવાહ દ્વારા મને નવીન જીવનના દોરામાં બાંધજો. ૧૧ ફેબ્રુઆરી, ૧૮૯૬ ‘ચિત્રા’

(અનુ. નગીનદાસ પારેખ)