એકોત્તરશતી/૬૬. શા-જાહાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શાહજહાન

કાળના સ્રોતમાં જીવન યૌવન ધનમાન—બધું જ વહી જાય છે એ વાત, હે ભારત-ઈશ્વર શાહજહાન, તમે જાણતા હતા. માત્ર તમારી અંતરવેદના ચિરંતન થઈ ને રહે, એ જ સમ્રાટ, તમારી સાધના હતી. વજ્રના જેવી સુકઠિન રાજશક્તિ ભલેને સન્ધ્યા વેળાના રાતા રંગની જેમ તન્દ્રાને તળિયે લીન થઈ જતી, કેવળ એક દીર્ધ નિઃશ્વાસ સદા ઉચ્છ્વસિત થઈને આકાશને કરુણ કરી રહે એટલી જ તમારા મનમાં આશા હતી. હીરા મોતી અને માણેકનો ઠઠેરો તો જાણે શૂન્ય દિગન્તમાં ઇન્દ્રજાળના મેઘધનુષ્યની છટા—એ લુપ્ત થાય તો ભલે થતી. કાળના કપોલ પરનું શુભ્ર સમુજ્જ્વલ એક બિન્દુ નયનજળ આ તાજમહાલ માત્ર રહો. હાય રે માનવહૃદય, વારેવારે પાછું ફરીને કોઈના ભણી જોઈ રહેવાનો સમય જ નથી, નથી, નથી. જીવનના પ્રચંડ પ્રવાહમાં તું સદાય વહ્યે જાય છે જગતને ઘાટે ઘાટે, એક હાટમાં બોજો લે છે બીજા હાટમાં ખાલી કરી નાંખે છે, દક્ષિણના મંત્રગુંજનથી તારા કુંજવનમાં વસંતની માધવીમંજરી જે ક્ષણે ઉદ્યાનનો અંચલ ભરી દે છે તે જ ક્ષણે વિદાયની ગોરજવેળા આવીને છિન્ન થયેલી પાંખડીઓને ધૂળમાં વિખેરી દે છે. સમય નથી! તેથી તો શિશિરની રાતે હેમન્તના અશ્રુપૂર્ણ આનન્દની છાબ સજાવવાને નિકુંજમાં ફરી નવકુન્દની હારો ખીલી ઊઠે છે, હાય રે હૃદય, તારા સંચયને દિવસને છેડે રાત્રિને અંતે માત્ર રસ્તા પર ફેંકી જવા પડે છે. નથી, નથી, સમય નથી. હે સમ્રાટ, તેથી તમારા શંકિત હૃદયે સમયના હૃદયને, સૌન્દર્યથી ભુલાવીને, હરી લેવા ઇચ્છ્યું હતું. મૃત્યુહીન અનોખા સાજે, રૂપહીન મરણને કણ્ઠે શી માળા ઝુલાવીને તમે એને વરી લીધું! બારે માસ વિલાપ કરવાનો અવકાશ રહેતો નથી એટલે જ તમારા અશાન્ત ક્રન્દનને ચિર મૌનની જાળથી તમે કઠિન બન્ધનમાં બાંધી દીધું. ચાંદની રાતે એકાંત ઓરડે પ્રેયસીને જે નામે ધીરેથી કાનમાં બોલાવતા તે અહીં અનન્તના કાનમાં તમે મૂકી ગયા. પ્રેમની કરુણ કોમળતા પ્રશાન્ત પાષાણે સૌન્દર્યના પુષ્પપુંજે તે ખીલી ઊઠી. હે સમ્રાટ કવિ, આ તમારા હૃદયની છબિ, આ તમારો નવમેઘદૂત, અપૂર્વ અદ્ભુત છન્દે ને ગાને અલક્ષ્યની ભણી ઊંચે ચડ્યો છે જ્યાં તમારી વિરહિણી પ્રિયા પ્રભાતના અરુણ આભાસમાં, કલાન્ત સંધ્યાવેળાના દિગન્તના કરુણ નિઃશ્વાસમાં, પૂર્ણિમાએ દેહહીન ચમેલીના લાવણ્યવિલાસમાં ભાષાની પેલે પારના એ પ્રદેશમાં, જેના બારણેથી કંગાલ નયન પાછાં વળી આવે છે. તમારો સૌન્દર્યદૂત જુગજુગથી કાળના પ્રહરીને ચુકાવીને વાણીહીન આ સમાચાર લઈને ચાલ્યો જાય છેઃ ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, પ્રિયા!’ તમે આજે ચાલી ગયા છો, મહારાજ તમારુ રાજ્ય સ્વપ્નની જેમ અદૃશ્ય થઈ ગયું છે, સિંહાસન તૂટી ગયું છે; જેના ચરણના ભારથી ધરતી હલમલી ઊઠતી તે તમારાં સૈન્યદળની સ્મૃતિ દિલ્હીના રસ્તાની ધૂળ પર પવનથી ઊડી રહી છે. બન્દીઓ ગીત ગાતા નથી, જમુનાના કલ્લેાલની સાથે નોબત તાન મેળવતી નથી. તમારી પુરસુન્દરીનાં નૂપુરનો રણકાર ખંડિયેર મહેલને ખૂણે તમરાંના અવાજમાં ડૂબી જઈને રાત્રિના આકાશને રડાવે છે. તોય તમારો અમિલન, થાક વિનાનો દૂત રાજ્યોના અસ્ત અને ઉદયને તુચ્છ ગણી, જીવનમરણના ઉત્થાન અને પતનને તુચ્છ ગણી એકસ્વરે ચિરવિરહીનો સંદેશ લઈને યુગે યુગે કહ્યા કરે છે: ‘ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી પ્રિયા!' ખોટી વાત! કોણ કહે છે જે ભૂલ્યા નથી? સ્મૃતિના પિંજરના દ્વારને ખોલ્યાં નથી એમ કોણ કહે છે? ભૂતકાળના એ ચિર અસ્ત-અન્ધકારે આજેય શું તમારા હૃદયને બાંધી રાખ્યું છે? વિસ્મૃતિના છીંડામાંથી આજેય શું એ બહાર નીકળી નાઠું નથી? સમાધિમંદિર એક સ્થાને સદાકાળ સ્થિર રહે છે, ધરતીની ધૂળમાં સ્મરણના આવરણથી મરણને એ જતન રીતે ઢાંકી રાખે છે. પણ જીવનને કોણ રોકી રાખી શકે? આકાશનો પ્રત્યેક તારો એને સાદ દે છે? લોકેલોકમાંથી નવ નવ પૂર્વાચળના પ્રકાશમાંથી એને નિમંત્રણ મળે છે. સ્મરણની ગાંઠ તોડી બંધવિહીન બનીને એ વિશ્વને રસ્તે દોડી જાય છે. મહારાજ, કોઈ પણ મહારાજ્ય ક્યારેય તમને પકડી રાખી શક્યું નહિ. સમુદ્રથી ગાજતી પૃથ્વી, હે વિરાટ, તમને ભરી શકી નહિ—તેથી આ ધરતીને, જીવનના ઉત્સવને અંતે, માટીના પાત્રની જેમ અને પગે ઠેલી દઈને ફેંકીને તમે ચાલ્યા ગયા. તમારી કીર્તિના કરતાં તમે મહાન, તેથી તમારા જીવનનો રથ તમારી કીર્તિને વારંવાર પાછળ પાડી દે છે. તેથી તમારાં ચિહ્ન અહીં પડ્યાં રહ્યાં છે, તમે અહીં નથી. જે પ્રેમ આગળની દિશામાં ચાલવાનું કે ચલાવવાનું જાણતો નથી, જે પ્રેમે રસ્તાની વચ્ચે પોતાનું સિંહાસન માંડ્યું હતું. તેના વિલાસનું સંભાષણ રસ્તાની ધૂળની જેમ તમારા પગને વળગીને રહ્યું હતું.—એ ધૂળને તમે પાછી વાળી છે. તમારી પાછળની એ પદરજ પર તમારા ચિત્તમાંથી વાયુની સાથે એકાએક ક્યારેક જીવનની માળામાંથી ખરેલું બીજ ઊડીને પડ્યું હતું. તમે દૂર ચાલી ગયા છો. એ બીજ અમર અંકુરે આકાશ ભણી નીકળ્યું છે, ગંભીર ગાને એ કહે છે: ‘ગમે તેટલે દૂર નજર નાંખું છું, પણ નથી, નથી, એ પથિક નથી. પ્રિયાએ એને રોકી રાખ્યો નહીં, રાજ્યે એનો રસ્તો મોકળો કરી દીધો, સમુદ્ર કે પર્વતે એને રોક્યો નહિં. આજે એનો રથ રાત્રિના આહ્વાને નક્ષત્રના ગાને પ્રભાતના સિંહદ્વાર ભણી જઈ રહ્યો છે. તેથી સ્મૃતિના ભારથી હું અહીં પડી રહ્યું છું, ભારમુક્ત એ અહીં નથી.’ ૩૧ ઑક્ટોબર, ૧૯૧૪ ‘બલાકા’

(અનુ. સુરેશ જોશી)