એકોત્તરશતી/૭૪. મુક્તિ
દાક્તર ભલે જે કહેવું હોય તે કહે, પણ રાખો, રાખો, ઓશીકા આગળની બે બારીઓ ખુલ્લી રાખો, શરીર પર હવા લાગવા દો! દવા? દવા ખાવાનું મારું પૂરું થઈ ગયુ છે. આ જીવનમાં રોજ રોજ ક્ષણે ક્ષણે તીખી ને કડવી કેટલીયે દવાઓ ખાધી. જીવતા રહેવું એ જ જાણે એક રોગ છે; કેટલુંયે વૈદું, કેટલાયે ટૂચકા, જરા અમથી બેદરકારીથી જ વિષમ કર્મભોગ. આ સારું, આ ખોટું—જેણે જે કહ્યું તે બધાનું માનીને નીચું જોઈ, માથા પર ઘૂમટો ખેંચી, આ તમારા ઘરમાં મેં બાવીસ વરસ વિતાવી દીધાં—તેથી તો ઘરનાં ને બહારનાં બધાંએ મને સતી લક્ષ્મી કહી, અતિ ભલું માણસ કહી! આ સંસારમાં આવી ત્યારે હું નવ વરસની છોકરી હતી; તે પછી આ પરિવારની લાંબી ગલીમાં થઈને અનેક માણસોની ઇચ્છાઓના બોજાથી લદાયેલું આ જીવન ખેંચી ખેંચીને છેવટે હું આજે રસ્તાના છેડા પર આવી પહોંચી છું. સુખદુ:ખની વાતનો જરી વિચાર કરું એટલો વખત ક્યાં હતો. આ જીવન તે સારું કે ખોટું અથવા તો જે કંઈ હોય તે એ વાત હું ક્યારે સમજવાની, આગળ પાછળનો ક્યારે વિચાર કરી જોવાની? કામકાજનું પૈંડું એક જ ઢંગથી, એક જ ક્લાન્ત સૂર કાઢતું ગોળ ગોળ ફર્યા કરે છે. બાવીસ વરસ સુધી હું ઘૂમરીના ઘેનમાં આંધળી બની એ એક પૈડાની સાથે બંધાયેલી રહી છું. હું કોણ છું તેની મને ખબર નથી, વિશાળ વસુંધરા કયા અર્થથી ભરેલી છે તેની મને ખબર નથી. મહાકાળની વીણામાં માણસની કઈ વાણી બજે છે તે મેં સાંભળ્યું નથી. હું માત્ર એટલું જાણું છું કે રાંધવા પછી ખાવાનું, વળી ખાવા પછી રાંધવાનું- બાવીસ વરસ લગી એક જ પૈડે બંધાયેલી રહી. હવે થાય છે કે પૈડું જાણે હમણાં અટક્યું. તો છો અટકતું. હવે દવાનું શું કામ છે? બાવીસ વરસ સુધી વનના આંગણામાં વસંત ઋતુ આવી હતી. ગંધથી પાગલ બનેલા દખણાદા વાયરાએ જળસ્થળના મર્મ–ઝૂલાને ઝોલો ખવડાવ્યો હતો, અને પોકાર કરી કહ્યું હતું: 'ઉઘાડ રે ઉઘાડ, બારણાં ઉઘાડ!’ પણ એ ક્યારે આવતો ને ક્યારે જતો તેનીયે મને ખબર પડતી નહિ. કદાચ મારા મનને એ અંદરથી ગુપ્ત રીતે આંદોલિત કરતો; કદાચ ઘરના કામકાજમાં અચાનક મારા હાથે કંઈ ભૂલ કરાવતો; કદાચ હૃદયમાં જન્માન્તરની વ્યથા આઘાત કરી જતી; કદાચ વ્યાકુળ વિહ્વળ ફાગણમાં જાણે કોઈનાં પગલાંનો અવાજ સાંભળી કારણ—ભૂલ્યાં દુ:ખસુખમાં (મારા) પ્રાણ જોઈ રહેતા. તમે ઑફિસમાંથી આવતા, અને સાંજે મહોલ્લામાં ક્યાંક શેતરંજ રમવા જતા. જવા દો એ વાત, પ્રાણની આવી બધી ક્ષણિક વ્યાકુળતાઓ આજે કેમ બધી યાદ આવે છે! આ બાવીસ વરસ પછી મારા જીવનમાં આજે પહેલી વાર મારા ઓરડામાં વસંતઋતુ આવી છે. બારીમાંથી આકાશ ભણી જોતાં આજે ક્ષણે ક્ષણે મારા પ્રાણમાં આનંદથી (એ વાત) જાગી ઊઠે છે—હું નારી છું, હું મહીયસી છું. નિદ્રાવિહીન ચંદ્રમાએ જ્યોત્સ્નારૂપી વીણામાં મારા સૂરે સૂર મેળવ્યો છે. હું ન હોત તો સંધ્યાતારાનું ઊગવું મિથ્યા થાત; વનમાં ફૂલોનું ખીલવું મિથ્યા થાત! બાવીસ વરસ સુધી મને મનમાં હતું કે હું તમારા આ ઘરમાં અનંત કાળ માટે કેદ છું, તોયે મને એનું કંઈ દુ:ખ નહોતું. મનની જડતામાં દિવસો વીતી ગયા છે, અને વધારે જીવું તો હજી પણ વીતે. જ્યાં જેટલાં સગાંવહાલાં છે એ બધાં ‘લક્ષ્મી' કહીને મારાં વખાણ કરે છે. ઘરના ખૂણામાં પાંચ માણસોના મુખની વાતો એ આ જીવનમાં મારે મન જાણે મારી પરમ સાર્થકતા હતી. પરંતુ આજે શી ખબર ક્યારે મારાં બંધનનો દોર કપાઈ ગયો. પેલા અપાર વિરાટ નદીમુખમાં જન્મ અને મરણ એકાકાર થઈ ગયાં છે. એ અતલ સાગરમાં કોઠારની બધી દીવાલો ફીણના જરી ફિસોટાની પેઠે ક્યાંની ક્યાં અદૃશ્ય થઈ જાય છે! આટલે દિવસે જાણે પહેલી વાર વિશ્વ-આકાશમાં લગ્નની બંસી બજે છે. તુચ્છ બાવીસ વરસો મારા ઘરના ખૂણાની ધૂળમાં પડી રહી! મારા મરણરૂપી વાસરગૃહમાં જેણે મને બોલાવી છે તે મારે બારણે મારો ભિક્ષુક બની ઊભો છે, તે કેવળ પ્રભુ (માલિક) નથી, તે કદી પણ મારી અવહેલના નહિ કરે. તે માગે છે મારી પાસે મારી અંદર જે ઊંડો ગુપ્ત સુધારસ છે તે! ગ્રહ-તારાઓની સભામાં એ બિરાજેલો છે—પે...લો ત્યાં નિર્નિમેષ નજરે મારા મોં સામે જોતો ઊભો રહ્યો એ! જગત મધુર છે, હું નારી મધુર છું, મરણ મધુર છે, હે મારા અનંત ભિખારી! ખોલી નાખો, બારણાં ખોલી નાખો— વ્યર્થ બાવીસ વરસમાંથી મને કાળના સમુદ્રની પાર ઉતારી દો! ઑક્ટોબર, ૧૯૧૮ ‘પલાતકા’