એકોત્તરશતી/૭૬. મને પડા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યાદ (મને પડ઼ા)

મા મને યાદ આવતી નથી. માત્ર કોઈક વાર રમવા જતાં અચાનક અકારણ કોઈ એક સૂર ગણગણ કરતો મારે કાને અથડાય છે, કેમ જાણે મારી માતાના શબ્દો મારી રમતમાં ભળી ન જતા હોય. મા મને હીંચેાળા નાખતી નાખતી ગીત ગાતી હશે, મા તો ચાલી ગઈ છે, પણ જતાં જતાં ગીત મુકતી ગઈ છે. મા મને યાદ આવતી નથી. માત્ર જ્યારે આશ્વિનમાં સવારના પહોરમાં પારિજાતના વનમાં ઝાકળથી ભીની થયેલી હવા ભેગી ફૂલોની ગંધ આવે છે ત્યારે કોણ જાણે કેમ માની સ્મૃતિ મારા મનમાં તરવરવા લાગે છે. કોક સમયે મા એ ફૂલોની છાબ ભરીને લાવતી હશે, એટલે આજે પૂજાની સુવાસ માતાની સુવાસ બનીને આવે છે. મા મને યાદ આવતી નથી. માત્ર જ્યારે સૂવાના ખંડમાં એક ખૂણામાં જઈને બેસું છું, અને બારીમાંથી દૂર નીલ આકાશ તરફ જોઉં છું, ત્યારે એમ થાય છે કે મા મારા તરફ અનિમિષ નયને જોઈ રહી છે—કોઈ સમયે મા મને ખોળામાં લઈને જોતી હશે, તે દૃષ્ટિ સારા આકાશભરમાં તે મૂકતી ગઈ છે. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૨૧ ‘શિશુ ભોલાનાથ’

(અનુ. નગીનદાસ પારેખ)