એકોત્તરશતી/૮૫. પ્રથમ પૂજા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રથમ પૂજા


ત્રિલોકેશ્વરનું મંદિર. લોકો કહે છે કે સ્વયં વિશ્વકર્માએ એનો પાયો નાખ્યો હતો, કોણ જાણે કયા માંધાતાના રાજ્યકાળમાં, સ્વયં હનુમાન લઈ આવ્યા હતા તેના પથ્થર ઉપાડીને, ઇતિહાસના પંડિતો કહે છે, એ મંદિર કિરાત જાતિનું બાંધેલું છે, એ દેવતા કિરાતના છે. એક વખતે જ્યારે ક્ષત્રિય રાજાએ એ દેશ જીતી લીધો ત્યારે દેવળનું આંગણું પૂજારીઓના લોહીથી ઊભરાઈ ગયું હતું. દેવતા નવે નામે નવી પૂજાવિધિની આડશમાં રક્ષા પામ્યા— હજાર વર્ષનો પ્રાચીન ભક્તિધારાનો પ્રવાહ બદલાઈ ગયો. કિરાત આજે અદશ્ય થઈ ગયો છે. એ મદિરમાં તેના પ્રવેશનો માર્ગ રહ્યો નથી. કિરાત રહે છે સમાજની બહાર, નદીને પૂર્વ કિનારે તેનો મહોલ્લો છે. તે ભક્ત છે, આજ તેને મંદિર નથી, તેની પાસે ગીત છે. તેના હાથ નિપુણ છે, તેની દૃષ્ટિ અભ્રાન્ત છે. તેને આવડે છે કે કેવી રીતે પથ્થર ઉપર પથ્થર ચણાય, કેવી રીતે પિત્તળ ઉપર રૂપાનાં ફૂલ કઢાય—કાળી શિલામાંથી મૂર્તિ ઘડવાનો છંદ કયો છે. રાજશાસન તેનું નથી, તેનાં હથિયાર છીનવી લેવામાં આવ્યાં છે. વેશ વાસ અને વ્યવહારમાં તે સંમાનનાં ચિહ્નથી વંચિત છે, પોથીની વિદ્યાથી (પણ) તે વંચિત છે. ત્રિલોકેશ્વરના મંદિરનું સુવર્ણ શિખર પશ્ચિમ દિગન્તમાં દેખાય છે. (એ લોકો) ઓળખી શકે છે કે (આ) પોતાના જ મનનો આકલ્પ (ડિઝાઈન) છે, બહુ દૂરથી પ્રણામ કરે છે. કાર્તિક પુર્ણિમા (હોઈ) પૂજાનો ઉત્સવ છે. મંચ ઉપર વાગે છે વાંસળી, મૃદંગ; કરતાલ; આખા મેદાનમાં તંબૂઓ (ઠોકાયા છે), વચમાં ધજા ચડી છે. રસ્તાની બંને બાજુએ વેપારીઓનો માલ છે- તાંબાનાં રૂપાનાં ઘરેણાં, દેવમૂર્તિના પટ, રેશમી કાપડ, છોકરાંને રમવા માટે લાકડાનાં ડમરુ, માટીનાં રમકડાં, પાંદડાંના પાવા; પૂજાની સામગ્રી, ફળ હાર ધૂપ દીપ, ઘડેઘડા તીર્થજલ. બાજીગર ઊંચે સાદે બકબકાટ કરતો ખેલ દેખાડે છે, કથા કરનાર રામાયણની કથા વાંચે છે, ઉજ્જ્વળ વેશે સશસ્ત્ર પ્રહરીઓ ઘોડે ચડીને ઘૂમતા ફરે છે; રાજ્યનો પ્રધાન હાથી ઉપર અંબાડીમાં બેઠો છે, આગળ રણશિંગાં વાગતાં વાગતાં ચાલે છે. કિનખાબથી ઢાંકેલી પાલખીમાં ધનિક-ઘરની ગૃહિણી છે. આગળ પાછળ ચાકરોનાં ટોળાં છે. પંચવટી તળે સંન્યાસીની ભીડ છે—નાગા, જટાધારી, ભસ્મ ચોળેલા; સ્ત્રીઓ (તેમના) ચરણ આગળ ભોગ મૂકી જાય છે- ફળ, દૂધ, મિષ્ટાન્ન, ઘી, ચોખા. રહી રહીને આકાશમાં જોરથી પુકાર જાગે છે, જય ત્રિલોકેશ્વરનો જય. કાલે શુભ મુહૂર્તે રાજાની પ્રથમ પૂજા આવશે. તેમના આવવાના રસ્તાની બંને બાજુએ હારની હાર કેળો ઉપર ફૂલની માળા (લટકાવેલી છે). મંગળ કળશમાં આંબાનાં પાંદડાં (મૂક્યાં છે), અને ક્ષણે ક્ષણે રસ્તાની ધૂળ ઉપર સુગંધ જળ છાંટવામાં આવે છે.

શુક્લ ત્રયોદશીની રાત. મદિરમાં પહેલા પહોરનાં શંખ, ઘંટા, ભેરી, પટહ થંભ્યાં છે. આજે ચંદ્ર ઉપર એક પ્રકારનું ધૂંધળું આવરણ છે. આજે ચાંદની ઝાંખી છે—જાણે મૂર્છાનું ઘેન ચડ્યું. પવન બંધ છે—આકાશમાં ધુમાડો જામ્યો છે, ઝાડપાન જાણે શંકાથી સ્તબ્ધ (થઈ ગયાં છે). કૂતરાં વગર કારણે રડે છે, ઘોડા કાન ઊભા કરીને, આકાશ ભણી જોઈને હણહણી ઊઠે છે. એકાએક જમીન નીચે ગંભીર ભીષણ અવાજ સંભળાયો—પાતાળમાં દાનવોએ જાણે યુદ્ઘના દદામા વગાડ્યા—ગડડડ, ગડડડ. મંદિરમાં ઘંટ પ્રબળ નાદે વાગવા લાગ્યા. હાથી બાંધેલા હતા, તે બંધન તોડીને ગર્જના કરતા કરતા ચારે કોર દોડવા લાગ્યા, જાણે વાવંટોળનાં વાદળાં, પૃથ્વીમાં તોફાન જાગ્યું— ઊંટ, ભેંસ, ગાય, બકરાં, ઘેટાં ઊંચેશ્વાસે ટોળાંબંધ દોડવા લાગ્યાં. હજ્જારો દિશા ભૂલેલા લોકો આર્તસ્વર કરતા દોડતા ફરે છે, તેઓની આંખ અંજાઈ જાય છે, પોતીકાપારકાનો ભેદ ભૂલી જઈને કોઈ કોઈને રોળી નાખે છે. પૃથ્વી ફાટી ફાટીને ધુમાડો નીકળે છે, ગરમ પાણી નીકળે છે—ભીમ સરોવરનું તળાવ રેતીમાં શોષાઈ ગયું. મંદિરના શિખર ઉપર બાંધેલો મોટો ઘંટ ડોલતો ડોલતો વાગવા લાગ્યો—ટન્ ટન્. કશુંક ભાંગી પડવાના અવાજ સાથે અચાનક ધ્વનિ થંભી ગયો. પૃથ્વી જ્યારે સ્થિર થઈ ત્યારે પૂર્ણપ્રાય ચંદ્ર પશ્ચિમમાં ઢળ્યો હતો. સળગી ઊઠેલા તંબૂઓના ધુમાડાનાં ગૂંચળાં આકાશમાં ચડતાં હતાં- જ્યોત્સનાને જાણે અજગર વીંટાયો ન હોય. બીજે દિવસે સગાંવહાલાંના વિલાપથી દિશાઓ જ્યારે શોકાર્ત (બની ગઈ) હતી ત્યારે રાજસૈનિકો મંદિરને ઘેરીને ઊભા, રખેને આભડછેટનું કારણ ઊભું થાય. રાજમંત્રી આવ્યો, જોશી આવ્યો, સ્માર્ત પંડિત આવ્યો. જોયું કે બહારની દીવાલ ધૂળ ભેગી થઈ ગઈ છે. દેવતાની વેદી ઉપરનું છાપરું ભાંગી પડ્યું છે. પંડિતે કહ્યું, ‘આવતી પૂનમ પહેલાં જ સમારકામ કરવું પડશે, નહિ તો દેવતા પોતાની મૂર્તિનો ત્યાગ કરશે.’ રાજાએ કહ્યું, ‘સમારકામ કરો.’ મંત્રીએ કહ્યુ, ‘પેલા કિરાતો વગર કોણ કરશે પથ્થરનું કામ? એ લોકોની દૃષ્ટિના દોષમાંથી દેવતાની રક્ષા શી રીતે કરીશું? મંદિરની મરામતથી શું થશે, જો દેવતાનો અંગમહિમા મલિન થાય તો?’ કિરાતોના દલપતિ માધવને રાજાએ બોલાવી મંગાવ્યો. વૃદ્ઘ માધવે, સફેદ વાળ ઉપર નિર્મળ સફેદ ચાદર વીંટી હતી—પીળું વસ્ત્ર પહેર્યું હતું. તાંબા જેવો દેહ કેડ સુધી ઉઘાડો હતો, બે આંખો કરુણાપૂર્ણ નમ્રતાથી ભરેલી હતી. સાવધાનતાથી રાજાના ચરણ આગળ એક મૂઠી મોગરાનાં ફૂલ મૂક્યાં, અડી ન જવાય એની કાળજી રાખીને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું, ‘તમારા લોકો વગર દેવતાના મંદિરનું સમારકામ થાય એમ નથી.’ ‘અમારા ઉપર દેવતાની એટલી કૃપા’ એમ કહીને દેવતાને ઉદ્દેશીને માધવે પ્રણામ કર્યા. રાજા નૃસિંહરાય બોલ્યા, આંખો બાંધીને કામ કરવું જોઈશે, (જેથી) દેવમૂર્તિ ઉપર નજર ન પડે. થશે?' માધવે કહ્યું, ‘અંતરની દૃષ્ટિથી અંતર્યામી કામ કરાવી લેશે. જ્યાં સુધી કામ ચાલશે ત્યાં સુધી આંખ નહિ ખોલું.' બહારનું કામ કિરાતો કરે છે, મંદિરની અંદર માધવ કામ કરે છે. તેની આંખો આંટા ઉપર આંટા મારીને કાળા કપડાથી બાંધેલી છે. રાત દહાડો તે મંદિરની બહાર જતો નથી—ધ્યાન ધરે, ગીત ગાય અને તેની આંગળીઓ ચાલ્યા કરે. મંત્રી આવીને કહે, ‘ઉતાવળ કર, ઉતાવળ કર. તિથિ પર તિથિ જાય છે, (કોણ જાણે) ક્યારે મુહૂર્ત વહી જશે.' માધવ હાથ જોડીને કહે છે, જેમનું કામ છે તેમને પોતાને જ ઉતાવળ છે, હું તો નિમિત્તમાત્ર છું.’ અમાવસ્યા ગઈને ફરી શુકલ પક્ષ શરૂ થયો. અંધ માધવ આંગળીના સ્પર્શથી પથ્થર સાથે વાત કરે છે. પથ્થર તેને જવાબ આપતો રહે છે. પાસે ઊભો રહે છે પ્રહરી, રખેને માધવ આંખનો પાટો ખોલી નાખે. પંડિતે આવીને કહ્યું, ‘ એકાદશીની રાતે પ્રથમ પૂજાનું શુભ મુહૂર્ત છે. કામ શું તે પહેલાં પૂરું થશે?' માધવે પ્રણામ કરીને કહ્યું', 'હું કોણ જવાબ દેનાર. જ્યારે કૃપા થરો ત્યારે યથાસમયે ખબર કહેવડાવીશ, તે પહેલાં જો આવશો તે અડચણ થશે, વિલંબ થશે.’ છઠ્ઠ ગઈ, સાતમ પૂરી થઈ—મદિરના બારણામાંથી ચંદ્રને પ્રકાશ આવીને માધવના સફેદ કેશ ઉપર પડે છે. સૂર્યં આથમ્યો. પાંડુર આકાશમાં એકાદશીના ચંદ્ર (ઊગ્યો છે). માધવ દીર્ઘનિશ્વાસ નાખીને બોલ્યો, જા પ્રહરી, જઈને ખબર આપી આવ કે આજે માધવનું કામ પૂરું થયું. મુહૂર્ત વહી ન જાય એ જોજો. ’ પ્રહરી ગયો. માધવે ખોલી નાખ્યો આંખનો પાટો. ખુલ્લા બારણામાં થઈને એકાદશીના ચંદ્રનો પૂરો પ્રકાશ પડયો હતો દેવમૂર્તિ ઉપર. માધવ ઘૂંટણિયે પડીને બેઠો હાથ જોડીને, એકીટશે જોઈ રહ્યો દેવતાના મોં તરફ, બંને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આજે હજાર વર્ષથી જેની ભૂખ હતી એવાં દર્શન થયાં ભક્તને ભગવાનનાં. રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારે માધવનું માથું વેદી ઉપર નમેલું હતું. રાજાની તલવારથી ક્ષણમાં તે માથું કપાઈ ગયું. દેવતાને ચરણે એ જ પ્રથમ પૂજા, એ જ અંતિમ પ્રણામ. ૧૩ ઓગસ્ટ, ૧૯૩૨ ‘પુનશ્ચ’

(અનુ. નગીનદાસ પારેખ )