એકોત્તરશતી/૮૭. પ્રહર શેષર આલોય રાઙા
છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ (પ્રહર શેષેર આલોય રાઙા)
એ દિવસે ચૈત્ર માસ છેલ્લા પ્રહરના અજવાળાથી લાલ બનેલો હતો—મેં તારી આંખોમાં મારો સર્વનાશ જોયો હતો. આ સંસારના સનાતન ખેલમાં, રોજ રોજના જીવોના મેળામાં, વાટે ને ઘાટે હજારો માણસો હાસ્યવિનોદ કરે છે તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું. આંબાના વનને ઝોલો લાગે છે, મંજરીઓ ખરી પડે છે—ચિરકાળની પરિચિત ગંધ હવાને ભરી દે છે. મંજરીઓવાળી ડાળીએ ડાળીએ અને મધમાખીઓની પાંખે પાંખે ક્ષણે ક્ષણે વસન્તનો દિવસ નિશ્વાસ નાખે છે—તેની વચમાં તારી આંખોમાં હું મારો સર્વનાશ જોઉં છું, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૩૪ ‘ગીતવિતાન ૩’
(અનુ. રમણલાલ સોની)