એકોત્તરશતી/૮૮. અવસન્ન ચેતનાર ગોધૂલિ વૅલાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અવસન્ન ચેતનાની ગોધૂલિવેળાએ (અવસન્ન ચેતનાર ગોધૂલિ વૅલાય)


મેં જોયું કે અવસન્ન ચેતનાની ગોધૂલિવેળાએ મારો દેહ કાળી કાલિંદીના સ્ત્રોતમાં તણાતો જાય છે—અનુભૂતિપુંજ લઈને, તેની ભાતભાતની વેદના લઈને, ચીતરેલા આચ્છાદનમાં આજન્મની સ્મૃતિના સંચયને અને પોતાની વાંસળીને લઈને. દૂરથી દૂર જતાં જતાં તેનું રૂપ મ્લાન થઈ જાય છેઃ પરિચિત તીરે તીરે તરુચ્છાયાથી વીંટળાયેલાં લોકાલયોમાં સંધ્યા-આરતીનો ધ્વનિ ક્ષીણ થઈ જાય છે, ઘેર ઘેર બારણાં બંધ થઈ જાય છે, દીપશિખા ઢંકાઈ જાય છે, નૌકા ઘાટે બંધાય છે. બંને કાંઠે આ પારથી તે પાર જવાનો ક્રમ બંધ થયો, રાત્રિ ગાઢ બની, વિહંગનાં મૌનગીતે અરણ્યની શાખાએ શાખાએ મહાનિઃશબ્દને ચરણે પોતાનું આત્મબલિદાન આપ્યું. એક કાળી અરૂપતા વિશ્વવૈચિત્ર્ય ઉપર જળમાં અને સ્થળમાં ઊતરે છે. દેહ છાયા બનીને, બિંદુ બનીને અન્તહીન અંધકારમાં મળી જાય છે. નક્ષત્રોની વેદીતળે આવીને એકલો સ્તબ્બ ઊભો રહીને, ઊંચે જોઈને, હાથ જોડીને કહું છું- હે પૂષન્! તેં તારાં કિરણોની જાળ સમેટી લીધી છે, હવે તારું કલ્યાણતમ રૂપ પ્રગટ કર, જેથી તારામાં અને મારામાં એક છે તે પુરુષને હું જોઉં. ૮ ડિસેમ્બર, ૧૯૩૭ ‘પ્રાન્તિક’

(અનુ. નગીનદાસ પારેખ)