એકોત્તરશતી/૯૩. એકતાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વૃન્દવાદન (ઐકતાન)


આ વિપુલ પૃથ્વીનું કેટલું ઓછું જાણું છું! દેશદેશમાં કેટલાંય નગરો, રાજધાની- માણસની કેટલી કીર્તિ, કેટકેટલાં નદી, ગિરિ, સિંધુ, મરુભૂમિ, કેટકેટલા અજાણ્યા જીવ, કેટકેટલાં અજાણ્યાં તરુ, અગોચર રહી ગયાં છે. વિશ્વનું આયોજન વિશાળ છે; મારું મન તેના એક અતિક્ષુદ્ર ખૂણો રોકીને રહે છે. એ દુઃખથી જેમાં પ્રવાસવર્ણન હોય એવા ગ્રથો અક્ષય ઉત્સાહથી વાંચું છું. જ્યાં જ્યાં ચિત્રમય વર્ણનની વાણી મળે છે ઉપાડી લાવું છું. પોતાના મનની આ જ્ઞાનની દીનતા ભીખથી મળેલા દાન વડે બને એટલી પૂરી કરી લઉં છું. હું પૃથ્વીનો કવિ છું. એના જે કંઈ ધ્વનિ જ્યાં પણ જાગે છે તેનો પ્રતિધ્વનિ મારી બંસરીના સૂરમાં તરત જ પડે છે—એ સ્વરસાધનામાં ઘણા ઘણા પુકાર નથી પહેાંચ્યા, ઊણપ રહી ગઈ છે. કલ્પના અને અનુમાનથી ધરિત્રીના મહા વૃન્દવાદને કેટલીય નિસ્તબ્ધ ક્ષણોમાં મારા પ્રાણને ભરી દીધા છે. દુર્ગમ તુષારિગિરિ અસીમ નિઃશબ્દ નીલિમામાં જે અશ્રુત ગીત ગાય છે, તેણે મારા અંતરમાં વારંવાર પોતાનું નિમંત્રણ પાઠવ્યું છે. દક્ષિણ ધ્રુવની ઉપર જે અજ્ઞાત તારા મહાનિર્જનતામાં પોતાની રાત્રિ વ્યતીત કરી રહ્યો છે, તેણે મારી અર્ધી રાત્રે અનિમેષ આંખને અપૂર્વ પ્રકાશથી અનિદ્રાનો સ્પર્શ કર્યો છે. દૂર દૂરના મહાપ્લાવનકારી પ્રચંડ નિર્ઝરે મારા મનના ગહનપ્રદેશમાં સ્વર પાઠવ્યા છે. પ્રકૃતિના વૃન્દવાદનસ્ત્રોતમાં જુદા જુદા કવિઓ જુદી જુદી દિશાઓમાં ગીત વહેવડાવે છે—તે બધાની સાથે મારે માત્ર એટલો સંબંધ છે કે બધાનો સંગ હું પામું છું, આનંદનો ઉપભોગ પામું છું : ગીતભારતીનો મને પ્રસાદ તો મળે છે—વિશ્વના સંગીતનો સ્વાદ તો હું પામું છું. માણસ પોતાના અંતરમાં રહેતો હોય છે ત્યાં તે સૌથી દુર્ગમ હોય છે, બહારના દેશમાં કે કાળમાં તેનું કશું પરિમાપ નથી હોતું. તે અંતરમય હોય છે. અંતર સાથે અંતર મેળવીએ છીએ ત્યારે તેના અંતરનો પરિચય થાય છે. તેમાં પ્રવેશનો હમેશાં માર્ગ મળતો નથી; મારી જીવનયાત્રાની વાડો બાધા થઈને પડી છે. ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે, વણકર બેસીને સાળ ઉપર વણે છે, માછી જાળ નાખે છે—એમનો વિચિત્ર કર્મભાર બહુ દૂર દૂર પ્રસરેલો છે, તેનો આધાર લઈને આખો સંસાર ચાલે છે. તેના અત્યંત ક્ષુદ્ર ભાગમાં સન્માનના કાળાપાણીમાં સન્માનના ઊંચા મંચ ઊપર સાંકડી બારીમાં હું બેઠો છું. કોઈ કોઈ વાર હું પેલા મહોલ્લાના આંગણાની નજીક ગયો છું: અંદર પ્રવેશ કરું એવી શક્તિ બિલકુલ હતી નહિ. જીવન સાથે જીવનનો યોગ કર્યો ન હોય તો ગીતની ફેરી કૃત્રિમ માલથી વ્યર્થ થાય છે. એટલે હું એ નિંદાની વાત—મારા સૂરની અપૂર્ણતા સ્વીકારી લઉં છું. મારી કવિતા, હું જાણું છું કે વિવિધમાર્ગે ગઈ છે છતાં તે સર્વત્રગામી થઈ નથી. ખેડૂતના જીવનમાં જે માણસ ભાગીદાર છે, જેણે કર્મ અને વચનથી સાચી આત્મીયતા મેળવી છે, જે ધરતીની નજીક છે, તે કવિની વાણી માટે હું કાન માંડીને રહ્યો છું. સાહિત્યના આનંદભોજનમાં હું પોતે જે આપી શકતો નથી, તેની જ શોધમાં સદા રહું છું. તે સત્ય હો. કેવળ ભાવભંગીથી આંખને ન ભોળવો. સત્ય મૂલ્ય ચૂકવ્યા વગર જ સાહિત્યની ખ્યાતિ ચોરી લેવી એ સારું નથી, સારું નથી, એ તો નકલ છે, શોખની મજૂરી છે. અખ્યાત જનના નિર્વાક્ મનના કવિ આવ; મર્મની બધી વેદનાઓ બહાર કાઢ, આ પ્રાણહીન દેશમાં જ્યાં ચારે દિશા ગીતવિહોણી છે, તે અવજ્ઞાના તાપથી શુષ્ક અને નિરાનન્દ બનેલી મરુભૂમિને તું રસથી પૂર્ણ કરી દે. તેના અંતરમાં તેનો પોતાનો જ જે ઝરો છે તેઓને જ તું વહેતો કરી દે. સાહિત્યના વૃન્દવાદનની સંગીતસભામાં જેમની પાસે એકતારો છે તેઓને પણ સન્માન મળો— જેઓ દુ:ખમાં ને સુખમાં મૂક છે, જેઓ વિશ્વની સામે નતશિર અને મૂંગા છે, હે ગુણી, જેઓ પાસે હોવા છતાં દૂર છે, તેઓની વાણી સાંભળવા પામું એવી ઇચ્છા છે. તું તેમનો સ્વજન થઈને રહે, તારી ખ્યાતિમાં તેઓ જાણે પોતાની ખ્યાતિ પામે. હું વારંવાર તને નમસ્કાર કરીશ. ૨૧ જાન્યુઆરી, ૧૯૪૧ ‘જન્મદિને’

(અનુ. નગીનદાસ પારેખ)