એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૪. કવિતાનો ઉદ્ભવ અને વિકાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. કવિતાનો ઉદ્ભવ અને વિકાસ

સામાન્યત: કવિતા બે ઉદ્ભવહેતુઓમાંથી જન્મી હોવાનું જણાય છે; અને આ બંને કારણોનાં મૂળ આપણા સ્વભાવમાં ઊંડે ઊંડે પડેલાં છે. પહેલું, અનુકરણની વૃત્તિ માનવીમાં બાળપણથી જ રોપાયેલી હોય છે. માનવી અને અન્ય પ્રાણીઓ વચ્ચેનો એક ફરક એ છે કે જીવંત પ્રાણીઓમાં માનવી સૌથી વધુ અનુકરણશીલ છે; અને અનુકરણ દ્વારા શરૂઆતના પાઠ શીખે છે. અનુક્ત વસ્તુઓમાં અનુભવાતો આનંદ પણ કંઈ ઓછો સનાતન નથી. અનુભવનાં તથ્યોમાં આપણને આનો પુરાવો મળી રહે છે. જે વસ્તુઓને આપણે દુ:ખપૂર્ણ રીતે જોઈએ છીએ તે જ વસ્તુઓની સૂક્ષ્મ વફાદારીથી થયેલી પ્રતિકૃતિનું ભાવન કરવામં આપણે આનંદ અનુભવીએ છીએ. જેમ કે અત્યંત ઘૃણાજનક પ્રાણીઓ અને મૃતદેહોની પ્રતિકૃતિઓ. આનું કારણ એ છે કે જ્ઞાનપ્રાપ્તિ જીવંત આનંદ આપે છે;અને તે પણ માત્ર ફિલસૂફોને નહિ પણ જેમની જ્ઞાનપ્રાપ્તિની શક્તિ વધુ મર્યાદિત હોય છે તેવા માનવીમાત્રને. આમ, સરખાપણું જોવામાં માનવીઓને આનંદ આવે છે તેનું કારણ એ છે કે એનું ભાવન કરવામાં તેઓ પોતાને જ્ઞાન પ્રાપ્ત કરત કે અનુમાન કરતા, અને કદાચ ‘અરે, આ તો તે છે,’ એમ પોતાની જાતને કહેતા હોવાનું અનુભવે છે. જો તમે મૂળ વસ્તુને ન જોઈ હોય તો આનંદ અનુકરણજન્ય નહિ હોય પણ આલેખન, રંગવિધાન કે એવા કોઈ અન્ય કારણ પર આધારિત હશે.

એટલે, અનુકરણ આપણા સ્વભાવની એક સહજ વૃત્તિ છે. બીજી વૃત્તિ છે ‘સંવાદ’ અને લય માટેની. છંદો સ્પષ્ટત: લયના વિભાગો છે. કુદરતી શક્તિથી આરંભાઈને અને પ્રથમ પ્રયાસોમાંથી ક્રમિક સંસ્કાર સાધીને અણઘડ રચનાઓમાંથી કવિતા જન્મી.

લેખકોના વૈયક્તિક ચારિત્ર્ય પ્રમાણે કવિતા હવે બે દિશાઓમાં વિભક્ત થાય છે. ગંભીર પ્રકૃતિના લેખકોએ ઉદાત્ત ક્રિયાઓ અને સજ્જનોની ક્રિયાઓનું અનુકરણ કર્યું. ઊતરતી કક્ષાના લેખકોએ ક્ષુદ્ર માનવીની ક્રિયાઓનું અનુકરણ કર્યું : અને જેવી રીતે ગંભીર પ્રકૃતિના લેખકોએ દેવોનાં સ્તોત્રકાવ્યો અને વિખ્યાત માનવીઓની પ્રશસ્તિઓ રચી હતી તેવી રીતે આ લેખકોએ શરૂઆતમાં વ્યંગકાવ્યો રચ્યાં. વ્યંગકાવ્યોને હોમર પહેલાં કોઈ કવિના નામ સાથે જોડી શકાય તેમ નથી; જોકે મોટેભાગે આવા ઘણા લેખકો થઈ ગયા છે. પણ હોમર પછી જ તેનાં ઉદાહરણો આપી શકાય તેમ છે – એનું પોતાનું ‘માગિર્તેસ’ અને એવી અન્ય રચનાઓ ઉલ્લેખી શકાય. ઉચિત છંદ પણ અહીં પ્રયોજાયો છે; અને તેથી આ માપ આજે પણ લઘુ-ગુરુ-દ્વિમાત્રિક કે વ્યંગવૃત્તમાપ કહેવાય છે, કારણ કે લોકો મોટેભાગે આ છંદમાં એકબીજા પર વ્યંગ કરતા. આમ પ્રાચ્ય કવિઓના બે ભેદ હતા – વીરકવિઓ અને વ્યંગકવિઓ.

ગંભીર શૈલીની બાબતમાં હોમર કવિઓમાં શ્રેષ્છ છે; કારણ કે અનુકરણ-કૌશલની સાથે નાટ્યરૂપને જોડી આપવાનું એણે એકલાએ જ કર્યું; અને તેથી તેણે જ વ્યક્તિગત વ્યંગકાવ્ય લખવાને બદલે વ્યંગજનક તત્ત્વોને નાટ્યરૂપ આપીને વિનોદિકાની રૂપરેખા દોરી આપી. એના ‘માગિર્તેસ’નો વિનોદિકાની સાથે એવો સંબંધ છે જેવો સંબંધ ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ને કરુણિકાની સાથે છે. જ્યારે કરુણિકા અને વિનોદિકાનો વિકાસ થયો ત્યારે પણ કવિઓના આ બંનેય વર્ગો પોતાના સ્વાભાવિક વલણને અનુસરતા રહ્યા: વ્યંગકાવ્યના કવિઓ વિનોદિકાના રચયિતાઓ બન્યા અને વીરકાવ્યના કવિઓનું સ્થાન કરુણિકાકારોએ લીધું, કારણ કે નાટક કલાનું મહત્તર અને ઉચ્ચતર સ્વરૂપ હતું.

કરુણિકાએ પોતાના યોગ્ય પ્રકારોની પૂર્ણતા સિદ્ધ કરી છે કે નહિ, અને એનું મૂલ્યાંકન નિરપેક્ષપણે કે પ્રેક્ષક-સાપેક્ષ રીતે થવું જોઈએ કે નહિ, તે એક જુદો પ્રશ્ન છે. ગમે તેમ હો, કરુણિકા અને વિનોદિકા પણ શરૂઆતમાં તો અણઘડ રચનાઓ હતી. એકનો ઉદ્ભવ રૌદ્રકાવ્યના સર્જકોના હાથે અને અન્યનો લૈંગિક ગીતોના સર્જકોના હાથે થયો હતો. આ લૈંગિક ગીતો હજી પણ આપણાં ઘણાંખરાં નગરોમાં પ્રચલિત છે. કરુણિકાનો વિકાસ ધીમી ગતિએ – ક્રમપ્રાપ્ત રીતે – થયો. જે પ્રત્યેક નૂતન તત્ત્વ દેખાયું તે ક્રમેક્રમે વિકાસ પામતું હતું. ઘણાં પરિવર્તનોમાંથી પસાર થઈને એણે પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું; અને ત્યાં તે અઠકી.

એસ્કાઇલસે સૌપ્રથમ બીજું પાત્ર દાખલ કર્યું; વૃંદગાનનું મહત્ત્વ એણે ઓછું કર્યું; અને સંવાદને આગળ પડતું સ્થાન આપ્યું. સોફોક્લિસે પાત્રસંખ્યા વધારીને ત્રણની કરી અને દૃશ્ય-ચિત્રાંકન ઉમેર્યું. પરંતુ વિશાળ વિસ્તારને માટે લઘુ કથાનકનો ત્યાગ અને કરુણિકાની ઉદાત્ત ગંભીર ચાલને માટે પહેલાં પ્રયોજાતી વ્યંગરૂપોની વિષમ પદાવલીનો પરિહાર તો ઠીક ઠીક સમય પછીથી થયેલો જોવા મળે છે. ગુરુ-લઘુ ક્રમવાળા દ્વિમાત્રિક ચતુષ્પદી વૃત્તનું સ્થાન લઘુ-ગુરુ ક્રમવાળા દ્વિમાત્રિક વૃત્તે લીધું. જ્યારે કવિતા વ્યંગ કક્ષાની હતી ત્યારે ચતુષ્પદી વૃત્ત પ્રયોજાતું હતું; અને નૃત્યની સાથે એને વધુ નજીકનો સંબંધ હતો. પણ સંવાદે એક વખત દેખા દીધી કે કુદરતે પોતે જ ઉચિત માપ શોધી આપ્યું. કારણ કે વૃત્તોમાં લઘુ-ગુરુ ક્રમવાળો દ્વિમાત્રિક છંદ સૌથી વધુ બોલચાલની છટાવાળો છે. આપણે એ જોઈ શકીએ છીએ કે બોલચાલની વાણી અન્ય પ્રકારના પદ્ય કરતાં લઘુ-ગુરુ ક્રમયુક્ત દ્વિમાત્રિક વૃત્તની પંક્તિઓમાં વધુ વેગપૂર્ણ રીતે વહે છે. ષટ્પદી વૃત્તમાં વિરલ પ્રસંગોએ એ બની શકે છે. પણ તેમાંયે બોલચાલના મરોડ છોડી દઈએ ત્યારે. ‘ઉપકથાનકો’ અથવા અંકોની સંખ્યાવૃદ્ધિ અને પરમ્પરાકથિત અન્ય ઉપસાધકો વિશે વર્ણન થઈ ચૂક્યું છે એમ માની લેવાનું છે; કારણ કે એમનું વિગતે વર્ણન કરવું તે નિ:શંકપણે એક મોટું કામ ઉઠાવવા જેવું થાય.