એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૬. કરુણિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. કરુણિકા

ષટ્પદી વૃત્તના પદ્યમાં અનુકરણ કરતી કવિતાની અને વિનોદિકાની વાત આપણે પાછળથી કરીશું. હમણાં તો,જે કાંઈ કહેવાઈ ગયું તેના ફલ સ્વરૂપે રૂપાત્મક વ્યાખ્યા બાંધીને કરુણિકાની ચર્ચા કરીએ.

તો, કરુણિકા ગંભીર, સ્વયંપર્યાપ્ત અને અમુક પરિમાણ ધરાવતી એક ક્રિયાનું અનુકરણ છે;જેનું માધ્યમ નાટકના વિભિન્ન ભાગોમાં વિવિધ પ્રકારે પ્રયોજાયેલી સર્વ પ્રકારનાં કલાત્મક આભૂષણોથી અલંકૃત એવી ભાષા છે; જેનું અનુકરણ કથનાત્મક નહિ પણ નાટ્યાત્મક છે; અને જેમાં કરુણા અને ભીતિના ઉદ્રેક દ્વારા તે તે લાગણીઓનું વિરેચન સાધવામાં આવે છે. ‘અલંકૃત ભાષા’નો અર્થ મારા મનમાં એવો છે કે જેમાં લય, ‘સંવાદિતા’ અને ગીતનો સમાવેશ થાય. ‘વિભિન્ન ભાગોમાં વિવિધ પ્રકારે’ કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક ભાગો એકલા પદ્યના જ માધ્યમદ્વારા નિરૂપાય,અને બીજા કેટલાક ભાગો યથાક્રમે ગીતોની મદદથી નિરૂપાય.

હવે, કારુણિક અનુકરણ અનુકર્તાઓનું સૂચન કરે છે, એટલે અનિવાર્ય રીતે સૌ પ્રથમ દૃશ્યવિધાન કરુણિકાનું એક અંગ બનશે. એ પછી ગીત અને પદરચનાનું સ્થાન; કારણ કે આ બન્ને અનુકરણનાં માધ્યમ છે. ‘પદરચના’માં શબ્દોની માત્ર છંદોબદ્ધ સંકલના મને અભિપ્રેત છે : અને ‘ગીત’ તો એવી સંજ્ઞા છે જેનો અર્થ બધા સમજે છે.

ત્યારે, કરુણિકા ક્રિયાવિશેષનું અનુકરણ છે, અને ક્રિયા ચારિત્ર્ય અને વિચારનાં અમુક વિશિષ્ટ ગુણલક્ષણો ધરાવતા અનુકર્તાઓનું સૂચન કરે છે; આ બંને વડે તો આપણે ક્રિયાઓ વિશેષીકૃત કરીએ છીએ, અને આ બંને–વિચાર અને ચારિત્ર્ય–એવાં નૈસગિર્ક કારણો છે જેમાંથી ક્રિયાઓ જન્મે છે; અને ક્રિયાઓ ઉપર તો સફળતા કે નિષ્ફળતાનો આધાર હોય છે. આથી, વસ્તુ ક્રિયાનું અનુકરણ છે – અહીં વસ્તુનો અર્થ હું પ્રસંગસંકલના એવો ઘટાવું છું. હું ચારિત્ર્ય તેને સમજું છું જેને આધારે આપણે પાત્રો પર કેટલાંક ગુણલક્ષણોનો અધ્યારોપ કરીએ છીએ. જ્યાં કોઈ વિધાનની સાબિતી આપવાની હોય ત્યાં વિચારની જરૂર પડે છે, અથવા તો, કોઈ સામાન્ય સત્યની વ્યાખ્યા કરવામાં પણ એની જરૂર ઊભી થાય. આ રીતે પ્રત્યેક કરુણિકાને છ ઘટક અંશો હોવા જોઈએ જે એની લાક્ષણિકતા નક્કી કરે છે : વસ્તુ, ચરિત્ર, પદરચના, વિચાર, દૃશ્યવિધાન અને ગીત. આમાંના બે અંશો અનુકરણના માધ્યમ રૂપે છે, એક રીતિ રૂપે, અને ત્રણ અનુકરણના પદાર્થો રૂપે. આ બધા અંશો યાદીને પૂર્ણ બનાવે છે. આ બધા ઘટક અંશો બધા કવિઓ પ્રયોજે છે એમ આપણે કહી શકીએ; વાસ્તવમાં, પ્રત્યેક નાટક દૃશ્યવિધાનની સાથે સાથે ચરિત્ર, વસ્તુ, પદ્યરચના, ગીત અને વિચારનો સમાવેશ કરતું જ હોય છે.

પણ આ બધાંમાં સૌથી વધુ મહત્ત્વ પ્રયોગોના બંધારણનું હોય છે. કારણ કે કરુણિકા માનવોનું નહિ પણ ક્રિયા અને જીવનનું અનુકરણ છે; અને જીવન ક્રિયામાં ધબકે છે; અને તેનું લક્ષ્ય ક્રિયાની ભંગીમાં છે, એની લાક્ષણિકતામાં નથી. ચારિત્ર્ય વડે માનવોનાં ગુણલક્ષણો નક્કી થાય છે પણ તેઓ સુખી કે દુ:ખી થતાં હોય તો તે તો ક્રિયાઓને લીધે. એટલા માટે નાટ્યાત્મક ક્રિયા ચારિત્ર્યની રજૂઆતની દૃષ્ટિએ થતી હોય છે એવું નથી હોતું : ક્રિયાઓને મુકાબલે ચરિત્ર ગૌણ રૂપે આવે છે. આથી પ્રસંગો અને વસ્તુ કરુણિકાનાં સાધ્ય છે;અને આ સાધ્ય જ બધાંમાં મુખ્ય છે. ફરીવાર કહીએ, કે ક્રિયા વિના કરુણિકા સંભવી ન શકે પણ ચરિત્ર વિના તો સંભવી શકે. આપણા ઘણાખરા આધુનિક કવિઓની કરુણિકાઓ ચરિત્રનિમિર્તિમાં નિષ્ફળ નીવડી છે; અને આ વાત સામાન્ય રીતે બધા જ કવિઓની બાબતમાં ઘણુંખરું સાચી છે. ચિત્રમાં પણ એવું જ છે; અને અહીં ઝેયુક્સીસ અને પોલિગ્નોતેસ વચ્ચે ભિન્નતા રહેલી છે. પોલિગ્નોતેસ ચરિત્રનિરૂપણ સારી રીતે કરે છે : ઝેયુક્સીસની શૈલી નૈતિક ગુણ વિનાની છે. વળી, ચરિત્રને વ્યક્ત કરતાં અને પદરચના તેમજ વિચારની બાબતમાં પરિષ્કૃત એવાં ભાષણોના સમૂહને તમે કોઈ કરુણિકામાં સૂત્રબદ્ધ ભલે કરો, પણ તેનાથી એવી તત્ત્વભૂત કરુણાત્મક અસર નહિ નિપજાવી શકાય જેવી અસર આ બધી બાબતોની ઊણપવાળા પણ વસ્તુ અને કલાત્મક પ્રસંગસંકલનાવાળા નાટક દ્વારા નિપજાવાતી હોય છે. આ ઉપરાંત કરુણિકાન્તર્ગત રસનાં સૌથી વધુ શક્તિશાળી તત્ત્વો – વિપર્યાસ કે સ્થિતિવિપર્યય અને અભિજ્ઞાન પ્રસંગો – વસ્તુનાં અંગો છે. આનું એક વધુ પ્રમાણ એ છે કે નવોદિત કલાકારો વસ્તુગ્રથનની કુશળતા પ્રાપ્ત કરતાં પહેલાં પદરચનાની શુદ્ધિ અને ચરિત્રનિર્માણની સૂક્ષ્મતા પ્રાપ્ત કરી લે છે. આગળ થઈ ગયેલા લગભગ બધા જ કવિઓની બાબતમાં આવી સ્થિતિ જોવા મળે છે.

એટલે, વસ્તુ કરુણિકાનો પ્રથમ સિદ્ધાન્ત છે, અને જાણે કે, એનો આત્મા છે. ચરિત્રનું સ્થાન બીજું આવે છે. આવી જ હકીકત ચિત્રકલામાં પણ જોઈ શકાય છે. સુંદર રંગો જો ગમે તેમ વેરાયેલા હશે તો વ્યક્તિચિત્રની ખડી વડે દોરેલી રેખાઓ જેટલો પણ આનંદ તે નહિ આપી શકે. આમ, કરુણિકા એક ક્રિયાનું, અને મુખ્યત્વે ક્રિયાના અન્વર્થમાં ચરિત્રોનું, અનુકરણ છે.

ક્રમમાં ત્રીજું સ્થાન વિચારનું છે. વિચાર એટલે પ્રસ્તુત પરિસ્થિતિમાં શું સંભવિત અને શું સંગત છે તે કહેનારી શક્તિ, એવો અર્થ હું ઘટાવું છું. વક્તૃત્વની બાબતમાં આ કાર્ય રાજકારણકલા અને વાગ્મિતાકલાનું છે; અને તેથી પ્રાચીન કવિઓ તેમનાં પાત્રો પાસે નાગરિક જીવનની ભાષા બોલાવતા, જ્યારે આપણા યુગના કવિઓ વાગ્મિકોની ભાષા બોલાવે છે. ચરિત્ર તેને કહે છે જે માનવી કયા પ્રકારની વસ્તુઓનો પુરસ્કાર કે તિરસ્કાર કરે છે તે બતાવતાં નૈતિક હેતુને પ્રકટ કરે. એટલા માટે,જે સંભાષણોમાં આ વ્યક્ત થતું ન હોય અથવા તો જેમાં વક્તા કશાનો પણ પુરસ્કાર-તિરસ્કાર ન કરતો હોય, તે સંભાષણો ચરિત્રનાં અભિવ્યંજક બનતાં નથી. બીજી બાજુએ જ્યાં કશાકનું હોવું કે ન હોવું પુરવાર થાય છે અથવા તો જ્યાં સામાન્ય સત્યની વ્યાખ્યા બંધાય છે ત્યાં વિચારતત્ત્વ જોવા મળે છે.

આગળ ગણાયેલાં ઘટક અંગોમાં ચોથું સ્થાન પદરચનાનું આવે છે. આગળ જણાવી દીધું છે તે પ્રમાણે તેનો અર્થ ‘શબ્દોમાં અર્થની અભિવ્યક્તિ’ મને અભિપ્રેત છે; અને તેનું તત્ત્વ પદ્યમાં તેમજ ગદ્યમાં તેનું તે જ રહે છે.

બાકી રહેલાં ઘટક અંગોની વાત કરીએ તો, અલંકરણોમાં ગીતનું સ્થાન મોખરે છે.

દૃશ્યવિધાનને એનું આગવું ભાવોત્તેજક આકર્ષણ હોય છે તે વાત ખરી, પરંતુ બધાં જ અંગોમાં એ સૌથી ઓછું કલાત્મક છે અને કવિતાકલા સાથે એનો સંબંધ ઓછામાં ઓછો છે, કારણ કે કરુણિકાનું સામર્થ્ય રજૂઆત અને અભિનેતાઓ વિના પણ અનુભવી શકાય છે, તે બાબતમાં આપણે નિ:શંક છીએ. વળી, દૃશ્ય-અસરોની ઉત્પત્તિ કવિની કલા કરતાં વધુ તો રંગમંચશિલ્પીની કલા ઉપર આધાર રાખે છે.