ઓખાહરણ/કડવું ૧૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૧

[ઓખાની વિનંતિથી અનિરૂધ્ધનું અપહરણ કરવા સખી ચિત્રલેખા પંખિણી સ્વરૂપે દ્વારિકા જાય છે. દ્વારિકાની સમૃધ્ધિ-ભવ્યતાનું વર્ણન છે. ચિત્રલેખા હીંચકા સહિત અનિરૂધ્ધનું અપહરણ કરી ઉપાડીને લાવે છે.]

રાગ મારુ
ઓખા કહે, ‘સુણ, સાહેલી રે! લાવ નાથને વહેલી વહેલી;
બાઈ! તું છે સુખની દાતા, લાવ સ્વામીને, થાય સુખ-શાતા.’ ૧

ચતુરાને કહે ચિત્રલેખા, ‘બાઈ! આણ્યાના ઉપાય કેવા?
દૂર પંથ છે દ્વારામતી[1], ક્યમ જવાયે મારી વતી? ૨

તાહાં જઈ ન શકે રાય શક્ર, રક્ષા કરે સુદર્શન ચક્ર;
ત્યાંથી જીવતાં ક્યમ અવાય? ત્યાં તો નિશ્ચે મસ્તક છેદાય. ૩

જાવું જોજનશત અગિયાર, ત્યારે આવે તારો ભરથાર,
નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે : ૪

‘બાઈ! તારી ગતિ છે મોટી, તુંને કોઈ ન કરી શકે ખોટી;
સહિયરને સહિયર હોય વહાલી, બાઈ! તે મુંને હાથે ઝાલી. પ

આપણ બે જણ બાળસંઘાતી[2], પ્રાણદાતા તું છે, રે વિધાત્રી!
માત-તાત વેરી છે. મારાં, મેં તો ચરણ સેવ્યાં છે તારાં; ૬

વિધાત્રી! તું છે દીનદયાળ,’ એમ કહીને પગે લાગી બાળ.
ચિત્રલેખાએ ધારણ દીધી, પછે દેહ તે પક્ષણી[3]ની કીધી; ૭

આપ્યું વાયક[4] એક પ્રમાણી, ‘ક્ષણુ એકમાં આપું આણી.’
ઓખા કહે : ‘રહેજે રૂડે આચરણે, રખે અનિરુદ્ધને તું પરણે; ૮

કરજે સ્વામીનું સઘળું જતન જેમ આંખને રાખે પાંપણ.
એમ કહી વળાવી રે વિધાત્રી, પંખિણી પવનવેગે જાતી; ૯

દ્વારકા જઈ પોહોતી કામિની, છેલ્લી દોઢ પહોર રહી જામિની;
જેવું દુર્ગમાં પેસે સ્ત્રીજંન, તેવું ધાયું તે સુદર્શન. ૧૦

જેવું મસ્તક છેદે પળમાં, કન્યા પેઢી ગોમતીજળમાં,
એવે નારદજી તાંહાં આવી, કન્યા ચક્ર થકી રે મુકાવી. ૧૧

નારદ કહે, ‘રે સુદર્શન! એને લઈ જવા દેજે તંન;
એ તો કામ છે કૃષ્ણને ગમતું, માટે તું એને રખે દમતું.’ ૧૨


ગયું ચક્ર તે પશ્ચિમ પાસ, ઋષિ નારદ ગયા આકાશ;
હવે અલ્પ રહી છે રાત્રિ, ચાલી ગામ જોતી વિધાત્રી. ૧૩

ચાલી પક્ષણી જોતી ગામ, સામાસામી દીસે છે ધામ;
સપ્ત ભૂમિ તણા આવાસ, જોતાં ક્ષુધાતૃષા થાય નાશ. ૧૪

બહુ કળશ, ધજા રે વિરાજે, જોતાં અમરાપુરી તે લાજે;
શોભે છજાં, ઝરૂખા ને માળ, સ્તંભ મણિમય ઝાકઝમાળ; ૧૫

વાંકી બારી ને ગોખે જાળી, નીલા કાચ મુક્યા છે ઢાળી;
ઝળકે મંડપ ડેમની થાળી, પટ માંડે જડિત્ર[5] પરવાળી. ૧૬


ભલાં ચૌટાં, શેરી ને પોળ, સામસામી હાટોની ઓળ;
લીંપી ભીંત કનકની ગાર, ચળકે કાચ તે મીનાકાર. ૧૭

ઘેર ઘેર વાટિકા ને કુંજ, કરે ભમરા તે ગુંજાગુંજ;
થાય ગાનતાન બહુ તાલે, રસ જામે વાજિંત્ર રસાલે. ૧૮

મોટા મદગળ ઘૂમે ને ડોલે, ગુણ ગાંધર્વ બંદીજન બોલે;
દ્વારકા તે વૈકુંઠ સરખી, ચિત્રલેખાએ નગરી નીરખી. ૧૯

દુર્ગ, કોસીસાં[6] રૂડાં વિરાજે, ચોફેર રત્નાકર ગાજે;
ત્યાં તો ગોમતીનો રે સંગમ, ઉદ્ધરે સ્થાવર ને જંગમ. ૨૦

ઘેર ઘેર હરિગુણ ગાય, ચિત્રલેખા તે જોતી જાય;
વસુદેવનાં ઘર નિહાળી, ત્યાંથી વિધાત્રી આઘેરી ચાલી; ૨૧


સોળ સહસ્ર કૃષ્ણની નારી, સઘળે દીઠા દેવ મોરારી;
હરિના સાઠ લાખ છે તંન, જોયાં તેહ તણાં ભવંન. ૨૨

જોયું ધામ કામ-ઝાતકાર, દીઠો મેડીએ રાજકુમાર;
અનિરુદ્ધ સૂતો છે હિંદોળે, દાસી ચાર તે વાયુ ઢોળે; ૨૩

શોભે દીપક ચારે પાસ, કોઈ ચરણ તળાંસે[7] દાસ;
તાંહાં બાવનાચંદન મહેકે, હિંદોળે ફુમતડાં લહેકે. ૨૪

કામકુંવર કામના જેવો, ચિત્રલેખાને ચોરી લેવો;
કુંવર હરવાનું કારણ, સમર્યું નિદ્રાનું ઘારણ. ૨૫


રાતે જે કો જાગતું હૂતું, પછી જે જેમ તેમ તે સૂતું;
ઘારણ ભારણ ભરી છે કાયા, વપુ માંહે વસી જોગમાયા. ૨૬

અનિરુદ્ધ તણી કિંકરી, તે તો સૂતી નિદ્રાએ ભરી;
ચિત્રલેખા તે ઘરમાં ગઈ, પણ કુંઅરે તે જાણી નહિ; ૨૭

વિચાર અંતર માંહે કીધો, આંકડેથી હિંડોળો લીધો;
બેઉ સાંકળ કરમાં ઝાલી, ખેચરી-ગત ચતુરા ચાલી. ૨૮

ગોઠવણ ગોવિંદે કીધી, જાણી જોઈને જાવા દીધી;
ઘેર ઓખા જુએ છે વાટ, ના’વ્યો નાથ ને થાય ઉચાટ. ૨૯

એવે સાંભળી પાંખ જ વાગી, ઓખા નિદ્રામાંથી જાગી;
આવી ચિત્રલેખા કહેવા લાગી, ‘આપ વધામણી મુખમાગી; ૩૦

આ નાથ તારો હિંડોળે, તમો તારુણી મળોની ટોળે. ૩૧

વલણ
ટોળે મળો તારુણી, આ તારો ભરથાર રે.’
પછે ઓખાએ ચિત્રલેખાને આપ્યા સોળ શણગાર રે. ૩૨



  1. દ્વારામતી-દ્વારિકા
  2. બાળસંઘાતી-બાળપણના મિત્રો
  3. પક્ષણી-પંખિણી
  4. વાયક-વચન
  5. જડિત્ર-જડેલાં
  6. કોસિસાં-મહેલના કાંગરા
  7. તળાંસે-દબાવે