ઓખાહરણ/કડવું ૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૭

[પાર્વતીજીના વચન પ્રમાણે ઓખાનાં પ્રથમ લગ્ન સ્વપ્નમાં થાય છે. પતિ-પત્ની બંને રતિસુખમાં તલ્લીન બને છે પરંતુ પાનનાં બીડાં માટે પતિ અનિરૂધ્ધ રિસાઈને ચાલ્યો જતાં ઓખા વલોપાત કરે છે.]

રાગ કેદારો

શુકદેવજી વાણી વદે : ઓખા ભરી છે પૂરણ મદે,
વૈશાખ સુદિ દ્વાદશી હતી, ‘સ્વામી સ્વામી’ કરતી સેજ સુતી; ૧

સુખે નિદ્રા કરે છે બાળા, તન તપે, હૃદે વ્રેહજ્વાળા[1],
વ્રેહની જ્વાળા તપી નવ શમે, ઘણું એક દુખે નિશા નિર્ગમે. ૨

કાંઈ લિખિત વાત છે ભાવી, ઓખાબાઈને નિદ્રા આવી,
સૂતી ‘સ્વામી સ્વામી’ કરતાં, થવા લાગ્યાં તે સમણાં સરતાં. ૩

શુભ શુકને ઓખા આનંદી, મળ્યો છે વર વિરહ-નિકંદી;
મંડપ મનીખે[2]ભરાયો ખચખચી, રૂડી નૌતમ ચૉરી રચી. ૪

મળ્યો સ્વામી રૂપ-રસાળો, તેની સાથે મળ્યો હાથેવાળો;
ચાર મંગળફેરા ફરિયાં, કંસારનાં ભોજન કરિયાં. પ

દાસી ગીત ગાય છે વરણી, ઓખા સ્વપ્નાંતરમાં પરણી
એકસ્થંભ પોતાની મેડી, ચિત્રલેખા વરને લાવી તેડી; ૬

બેઠાં શય્યાએ સામાસામી, એવું સ્વપ્ને પ્રેમદા પામી.
ત્રૂટે હાર, છૂટે મેખલા, રમે રતિસુખ આસન-કલા. ૭

નિશ્ચે નારીએ જાણ્યો નૃપ, કન્યા સ્ખલિત થઈ કંદર્પ,
સમણામાં રજની જાગે, ઓખાજીને તે તો રૂડું લાગે. ૮

ઓખા મનવાંછિત વર પામી, ઉર-શું ભીડ્યા તે અંતરજામી,
બીડી અરધી કરડી પાનની, નાથ કહે, ‘આરોગો, કામની!’ ૯

ખાતાં મુખ મરડ્યું છે બોટી[3], પિયુને રીસ ચડી છે ખોટી,
‘હું તો થયો કામાતુર અંધ, પરસુતા[4]-શું શાનો સંબંધ? ૧૦

બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી,
ભરથારને ભ્રાંત[5] જ આવી, સેજથી નાથ ગયો રિસાવી. ૧૧

વલણ
રિસાવી ગયો રમણ કરતાં, તે સ્વપ્નાંતરની વાત રે,
ઓચિંતી ઓખાબાઈ જાગી, કરવા લાગી આંસુપાત રે.



  1. વ્રેહજવાળા-વિરહવ્યથા
  2. મનીખે-મનુષ્યો
  3. બોટી-એઠું
  4. પરસુતા-પરસ્ત્રી
  5. ભ્રાંત-સભાનતા