કંકાવટી/ઝાડપાંદની પૂજા
ઝાડપાંદની પૂજા
બોરડી રે બોરડી
મારા વીરની ગા ગોરડી.
હું પૂજું આકડો આકડો
મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.
હું પૂજું આવળ આવળ
મારો સસરો રાવળ રાવળ
હું પૂજું પોદળો પોદળો
મારી સાસુ રોદળો રોદળો.
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે: આવળના રોપની આરાધના કરતી કરતી રાજવી (રાવળ) સસરો માગે: ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી! શા માટે? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે!