કંકાવટી મંડળ 2/જીકાળિયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જીકાળિયો
[પુરુષોત્તમ માસની વાત]

રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય.

શું બોલીને ના’ય?
એમ બોલીને ના’ય કે —
અડધી ભીની અડધી કોરી
મારે છે રાજાની ચોરી
મારે એક પૂતર
મારા પૂતરને એક સો ને આઠ પૂતર.
એમ કહીને વડલા માથે ચડી જાય.
ગામની બાઈઓ ના’વા આવે ને વિસ્મે પામે.
અરે, આ આપણી મોર્ય કોણ આવીને આરો પલાળી જાય છે!
વાંદરી!!!
હાં એલા, છે કોઈ!
કે’ એક કહેતાં એકવીશ!
ચોકીદાર હાજર થયા.
‘ખબરદાર ચોકિયાતો! અમારી મોર્ય શું વાંદરી રાત જગાડે?’
પાંદડે પાંદડે ને ડાળ્યે ડાળ્યે ચોકી રાખીને રાજા બેઠા.
પરોડિયું થયું. વાંદરી રાજાને હાથ પડી. દોરીને ઘેર લાવ્યા.
‘બોલ વાંદરી! શું કામ સૌની મોર્ય જળ જગાડછ?’
વાંદરી કહે કે ‘રાજા રાજા! મારે વ્રત છે. મને વચન છે કે પૂતર મળશે.’
‘એમ! એલા, રાખો વાંદરીને રાજમોલમાં!’
રાજા કરતા’તા દાતણ અટારીએથી. રાજાજીએ નાખ્યો ગળફો. વાંદરીએ ગળફો અધ્ધર ઝીલી લીધો.
વાંદરીને તો ઓધાન રહ્યું.
બે મહિના, ચાર મહિના, પાંચ મહિના થયા છે. રાજાને ગામતરે જવું છે. કહી ગયા છે કે ‘વાંદરીને ખાટું ખોરું ખાવા દેશો મા!’
રાણીઓએ કહ્યું કે ‘હો રાજાજી!’
નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’
કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં!

*

ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે?
હેઠ બાળોતિયું
પાંભરી ઓઢાડેલી
માંહી રમે છોકરો.
આપણને તો શ્રી પુરુષોત્તમદાસજીએ દીકરો દીધો! કુંભાર છોકરાને ઘેરે લાવ્યો. નામ પાડ્યું જીકાળિયો. જીકાળિયો તો ગારાના ઘોડા કરે છે. કૂવે ઘોડાને પાણી પાવા લઈ જાય છે : બોલે છે કે ‘ત્રો! ત્રો!’
રાજાની દાસી પાણી ભરે : કોત્યક જુએ : ‘અરે છોકરા, ગારાના ઘોડા પાણી પીતા હશે?’
‘ત્યારે બાઈ, કોઈ અસ્ત્રીને સાવરણી ને સૂંથિયાં તે આવતાં હશે?’
દાસીએ તો મેણાંની મારી રાણીઓને વાત કરી છે. કુંભારને રાણીએ દરબારમાં તેડાવ્યો છે ને હુકમ કર્યો છે, ‘જા, તને દેશવટો દઉં છું.’
ઉચાળો ભરીને એ તો હાલ્યો છે. ભેળો જીકાળિયો છે. આઘેરાક ગયા ત્યાં દહાડો આથમી ગયો છે. એક રાતમાં ત્યાં તો —
આળિયાં ને જાળિયાં!
કાચનાં કમાડિયાં!
એના બાપની મેડી હતી તેથી સવા હાથ ઊંચી મેડી : એકસો ને આઠ ઓરડા : જીકાળિયાનું તળાવ : એવું એવું બધું બની ગયું.
સવારે કુંવારી દીકરીઓ ના’વા જાય છે : તળાવમાં જે નાઈ તે એકસો આઠેયને ઓધાન રહી ગયાં છે. ચાર-પાંચ મહિને માને ખબર પડી છે. માએ તો એકસો આઠેયને કાઢી મૂકી છે : જાવ, તમને જીકાળિયો રાખશે!
એકસો આઠેય કુંવારકાઓને તો જીકાળિયે સાચવી છે : નવ માસે એક સો ને આઠ દીકરા અવતર્યા છે.
સવાર પડ્યું. રાજા દાતણ કરે. સીમાડા માથે અટારીએ ભાળે છે, એકસો ને આઠ જોદ્ધા જુએ છે. ઓ હો હો! આ મારું રાજ લેવા કોણ ઊતર્યો?
જીકાળિયા! જીકાળિયા! તને રાજા બોલાવે.
જીકાળિયે તો જઈને બાપને સલામ ભરી.
રાજા કહે : ‘આવો!’
જીકાળિયો કહે : ‘હા, પત્યાજી!’
‘તું મને પત્યાજી કેમ કહે છે?’
‘રાજા રાજા! તમારી પંદર માનેતીને ને એક વાંદરીને સોળેયને આંહીં સામે બેસારો. જેના થાનેલામાંથી દૂધની શેડ્યું ફૂટે તેનો હું પૂતર.’
વાંદરીનાં તો થાન છલક્યાં છે. ધાવણની શેડ્યું જીકાળિયાની મૂછે જઈને પડી છે. વાંદરી તો રાજાની રાણી બની છે.
હે પુરુષોત્તમ ભગવાન! જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો!