કંકાવટી મંડળ 2/સૂરજ–પાંદડું વ્રત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૂરજ–પાંદડું વ્રત

આષાઢની અજવાળી અગિયારશે શરૂ થાય. સૌભાગ્યવતી હંમેશ સૂરજની પૂજા કરે : સાડા ચાર મહિને એક ટંક જમે : પિત્તળનાં થાળી વાટકામાં ન જમે : પતરાવળામાં જમે : વરસાદને લઈને સૂરજ ન ઊગે એટલા દિવસના અપવાસ પડે. ઊજવણામાં કાંસાનું પદ આપે, રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજની મૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે. વ્રતની કથા આમ કહેવાય છે. [આ વાર્તા ગુજરાત તરફ કહેવાય છે.] સૂર્યનારાયણ હતા. સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણને કહેવા માંડ્યું, ભાઈ, ભાઈ, તમે પરણોને. મા, મારે પરણ્યે ઘણું સંકટ થશે ને, ભાઈ, મારે વૃદ્ધપણું થયું છે ને મારાથી કાંઈ કામ નીપજતાં નથી ને માટે તમે પરણો ને.

ત્યારે કહે : વારુસ્તોને. આપણા જોડેના વનમાં એક રન્નાદે છે ને; એક ડોસી છે ને, તમે ત્યાં જઈ કહી આવોને, ‘તમારી રન્નાદેને સૂર્યનારાયણ જોડે પરણાવશો ને?’ માએ તો જઈને કહ્યું છે ને ડોશીએ તો જવાબ દીધો છે ને કે —

“ત્યારે તમારા સૂર્યનારાયણ પૃથ્વી પરક્મા કરવા જાય ને મારી રન્નાદે ઊગતાં ને આથમતાં સુધી ભૂખી મરે ને.” ત્યારે કહે છે, સારું ને.

સૂર્યનારાયણ ઊગીને આવ્યા. પોતાની માને પૂછવા લાગ્યા. “ભાઈ, મને તો ના કહીને, એ ને એમ કહેવા લાગ્યાં કે, ઊગતાં ને આથમતાં ભૂખે મરે ને?” સૂર્યનારાયણે કહેવા માંડ્યું ને આપણાં માગાં પાછાં ઠેલ્યાં ને, આપોઆપ હા કે’વડાવું ને! એમણે તો તડકા ને તાપ મેલ્યા ને, માણસ આકળવીકળ કર્યાં ને. કોઠીઓ કલાડાં ભાંગી ગયાં ને તાવડીઓ તૂટી ગઈ ને રન્નાદેની માની તાવડી ભાંગી ગઈ ને રન્નાદેને એમની માએ પૂછવા માંડ્યું ને, બોન, આપણે કોઈની તાવડી ખપે નહિ ને, ભાખરી સારુ તાવડી માટે સૂર્યનારાયણની માને ઘેર જાવ ને! રન્નાદે તો સૂર્યનારાયણને ઘેર ગયાં ને, અમને તમારી તાવડી આલો ને! બાંન, બાંન, તારે મોઢે વાત કરીએ તો તું શું જાણું રે! તારી માને મોકલ ને! રન્નાદે તો ઘેર પાછાં ગયાં ને, મા, મા, મને ના કહીને, બાંન, તું શરત ઓઢમાં શું જાણું ને રન્નાદેની મા સૂર્યનારાયણને ઘેર ગયાં ને, ‘તમારી તાવડી આલો ને.’ ‘ત્યારે ભાંગી ઠીંકરી. લઉં દીકરી.’ ત્યારે કહે, ‘વારુસ્તો ને.’ હું રન્નાદેને મોકલું છું ને, રન્નાદે તો તાવડી લેવા ગયાં છે ને, રોટલા ઘડી તાવડી પાછી મોકલે છે ને,

આકાશમાંથી બે સાંઢિયા સૂર્યનારાયણે મોકલ્યા ને, બીક લાગીને હાથમાંથી તાવડી સરી પડી ને, ત્યારે રન્નાદે વીલે મોઢે ગયાં ને, ‘મા, મા, તાવડી ભાંગી ગઈ ને.’ ‘ત્યારે, બાંન કશી ફિકર નહીં ને, શરતે પઠીશું ને!’ ડોશી તો ડોશીને કહેવા ગયાં ને ‘તમારી તાવડી ભાંગી ગઈ ને.’ ‘ત્યારે બોલ્યાં હો તે કબૂલજો ને.’ સૂર્યનારાયણ ઊગીને આવ્યા ને, ભાઈ, તાવડી તો ભાંગી ગઈ ને, તમારા તો વિવાહ થયા ને, પૈઠણ થઈ ને, વિવાહ નક્કી કર્યો ને, સૂર્યનારાયણની મા તો કહેવા ગયાં ને, “મારા સૂર્યનારાયણ તો પરણવા આવશે ને.’ “તમારી જાદવ કુળની જાન, મારે કશી સગવડ છે નહિ ને.” “વડીઓ પાપડની સોરામણ રાખવી નહિ ને, પીરસાં રાંધવાની સોરામણ રાખવી નહિ ને, સૂર્યનારાયણ પાસે અક્ષેપાતર છે ને; પાંચે પકવાન ઊભરાશે ને નાતજાતો જમી રહેશે ને.

સૂર્યનારાયણ લગ્ન નિરધારી પરણવા આવ્યા ને, એમને ઘેર તો તેત્રીસ કરોડ દેવ લઈને આવ્યા ને, રન્નાદેને મંડપમાં પધરાવ્યાં છે ને; ચારે મંગળ પરિપૂર્ણ થઈ રહ્યાં ને, જાન તો ભાવતાં ને ફાવતાં જમે છે ને, તેને કશી ન્યૂન નથી ને, રન્નાદેની માએ મળી એવી યથાશક્તિ પહેરામણી આપી ને, રન્નાદેને વિદાય કર્યાં ને.

ત્યારે સૂર્યનારાયણ ઘેર આવ્યા ને, ત્યારે તેમણે જ ઊગવા જવા માંડ્યું ને, રન્નાદેએ કહ્યું : “સાકરનું પાણી પીતા જાવ ને. મારે જમવાની છૂટી થાય ને.’

‘હું તો જગતનો પિતા કહેવાઉં ને ‘મારે તો કીડીથી કુંજર સુધી પૂરું કરવાનું ને ‘મારાથી જમાય નહિ ને.’ સૂર્યનારાયણ તેમ કરી ઊગવા ગયા ને, ત્યારે રન્નાદેએ વિચાર કર્યો ને એ કીડી કુંજરનું પૂરું કરે છે ને આજે આપણે નેટુ જોઈએ ને.

એક કીડી હશે ને, જતી’તી ડાબલીમાં નાખી ને. રન્નાદેએ નાહી ધોઈ ને ચોખાનો કપાળમાં ચાંલ્લો કર્યો હતો ને, જેવી ડાબલી અડકાવા જાય છે તેમ ચોખાનો દાણો ડાબલીમાં પડી ગયો ને, તેમણે તો કોઠીમાં ડાબલી સંતાડી દીધી ને. સૂર્યનારાયણ તો આથમીને ઘેર આવ્યા ને ત્યારે એમણે તો પૂછવા માંડ્યું : ‘તમે બધાનું પૂરું કર્યું?” ‘હા, હું તો બધાનું પૂરું કરીને આવ્યો ને.’ ‘કીડીથી કુંજર સુધી કર્યું છે ને?’ ‘તમારી જાણમાં હોય તો લાવો ને!’

ત્યારે પેલાં તો ધાયાં ધાયાં ડાબલી લઈને આવ્યાં ને, ઓળ છપે ડાબલી ઉઘાડી જોઈ ને કીડી ચોખાનો દાણો ખાતી’તી ને ધીમી રહીને ચોખાનો દાણો વેગળો મેલ્યો ને, ત્યારે સૂર્યનારાયણને ડાબલી બતાવી, તેમણે તો ઉઘાડી ને જુએ તો કીડી મહીં ભૂખી છે ને ત્યારે સૂર્યનારાયણે કહેવા માંડ્યું, “એ તો કીડી ચોખાનો દાણો ખાતી’તી તે તમે આઘો મેલ્યો ને” “ત્યારે જે થાય તે તમે બધું જાણો છો?” “હું તો બધુંયે જાણું ને.” “આપણી પાડોશણમાં છાણાં કોણે લીધાં છે ને?” “થોડાબોલી થઈ જાય છે ને, વત્તાબોલીને માથે પડે છે ને.”

સૂર્યનારાયણ તો ઊગવા ગયા ને, ત્યારે પેલી તો સહિયરો પાણી ગયાં ને, તેમની જોડે રન્નાદે પાણી ગયાં છે ને, “અલી ઓ, આમ આવ, તને વાત કહું ને, તારાં છાણાં તો પેલી વત્તાબોલી નથી લઈ જતી પણ થોડાબોલી લઈ જાય ને, તું વત્તાબોલીને ગાળો ભાંડીશ નહીં ને.’ “તને કોણ કહ્યું ને?”

“મને મારા સૂર્યનારાયણે કહ્યું છે ને.” પેલાં તો કટમકટા લડવા માંડ્યું ને સામાસામી ગાળો ભાંડે છે ને, પાંચ પચાસ ગાળો સૂર્યનારાયણને ભાંડી છે ને. સૂર્યનારાયણ ઊગીને ઘેર આવ્યા ને, તમે ચાડી ખાધી ને, મને ગાળો ભંડાવી ને, માટે તમને શાપ દઉં છું ને, તમે બૈરાંના પેટમાં વાત નહિ ટકે ને, તમે ભભડતાં ભભડતાં રહેશો ને, સંતોષ ને સબૂરી નહિ વળે ને.’

એક દહાડો સૂર્યનારાયણ જમ્યા, ને બે ગ્રાસ રહ્યા છે ને; એક ગ્રાસ સાસુ ખાય છે, એક ગ્રાસ રન્નાદે ખાય છે; સૂર્યનારાયણે માને પૂછવા માંડ્યું ને, મા, મા, કેમ સુકાયાં છો ને,

‘ભાઈ, ઘરની વાત જાણો છો ને, તમારે કશું અજાણ્યું નથી ને.’ ‘જુઓ, મારે પરણ્યે બહુ દુઃખ આવ્યું ને.’ ‘ભાઈ, કશીયે ફિકર નહિ ને.’ રન્નાદે એક દહાડો કરગરીને કહેવા લાગી ને, ‘હવે ભાઈશા’બ, શાપના અનુગ્રહ કરો ને, બધુંય દુઃખ વેઠાય પણ ભૂખનું દુઃખ વેઠાતું નથી ને, એક ગ્રાસ તમારી મા ખાય છે, ને એક ગ્રાસ હું ખાઉં છું ને, માટે હવે મને અનુગ્રહ કરો ને.’

‘તમે મારું વ્રત કરો ને.’ ‘તમારું વ્રત હું જાણતી નથી ને?’

‘સવાત્રણ શેર ચોખાનો લોટ, સવાશેર ઘી, સવાશેર ખાંડ. એના ફીણીને લાડુ કરો, રૂપાનો રથ કરાવો, સૂર્યનારાયણની મૂર્તિ કરાવો, એક પાત્રમાં ફદિયું મેલી ને, મંદિરમાં અર્પણ કરો ને, તો તમને સંતોષ વળશે ને.’

પછી રન્નાદેએ વ્રત કર્યું ને છ મહિના વ્રત, વાત સાંભળીને ખાવાનું ને.

એમને તો એક દિવસ વાત સાંભળનાર મળે નહિ ને, વનમાં ગૌતમ ઋષિ બેઠા’તા ને, ઋષિના શાપે અહલ્યા શલ્યા હતાં ને, તે શલ્યા અગાડી ઋષિ બેઠેલા છે ને,

ત્યાં આગળ રન્નાદે વાત કહેવા ગયાં ને, શલ્યા હતાં તે અહલ્યા થઈ ગયાં ને.

બીજે વને ગયાં ને, સીતારામ બેઠાં’તાં ને ત્યાં આગળ સીતારામને વાત કરી ને, સીતામાતાએ વ્રત કર્યાં ને, વનવાસ છોડી અયોધ્યા ગયાં ને; અયોધ્યાની ગાદીએ બેઠાં ને.

દુઃખના માર્યાં તારામતી પાણી ભરતાં’તાં ને, હરિશ્ચંદ્ર રાજા પરઘેર મજૂરી કરતા’તા ને, હરિશ્ચંદ્ર રાજા, તારામતી અને રન્નાદે ત્રણે બેઠાં છે ને રન્નાદેએ વાત કહી ને, એમના દુઃખના દહાડા નિવારણ થઈ ગયા ને, સૂર્યનારાયણની સહાયતાએ, એમને એમનાં અમર રાજ મળ્યાં ને.

રન્નાદે ઘેર આવ્યાં ને. સૂર્યનારાયણે અખેપાત્ર સામું જોયું ને; એમને મનમાં વિચાર થયો ને; રન્નાદેને નગર જમાડ્યાની વરતી છે ને, એની કૃપાદૃષ્ટિથી અખેપાત્રમાં અન્ન ઊભરાયાં ને, રિદ્ધિસિદ્ધિ બે બારણે થઈ રહીને, સૂર્યનારાયણનાં કરેલાં વ્રત પરિપૂર્ણ થયાં ને, જય સૂર્યનારાયણ! દેવને ફળ્યાં. એવાં માનવીને ફળજો.