કંદમૂળ/પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખારવાની વહુ

પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો

પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે જે વિચારશીલ સ્વતંત્રતા આપી તેની મને આજ સુધી નવાઈ લાગે છે. પપ્પાનો સ્વભાવ રમૂજી હતો. સતત હસતા અને સૌને હસાવતા રહેતા પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થઈ રહેલું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તો બૌદ્ધિક સંવેદનશીલતાના એક એવા સ્તર પર તેઓ હતા કે જીવન માટે જરાય લાલચ નહોતી રહી. પરિચિત હોય એ બધું જ છોડીને અપરિચિત તરફ પ્રયાણ કરી જવા તેઓ એકદમ તૈયાર હતા. ન હોવું એ જ હોવાની સૌથી ઉત્તમ અનુભૂતિ હશે કદાચ. પપ્પા, તમને લાલ સલામ.



આપણે પિતા-પુત્રી

મેં વારસામાં મેળવી છે,
આ ઉદાસી,
તમારી પાસેથી.
ભરપૂર જિવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે
પિતા-પુત્રી,
પોતપોતાના એકાંતમાં
અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ એમ,
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ
લૂછી નાખતા હોઈએ.
ઘણી વખત
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતાં આપણે.
જાણીએ છીએ,
આ અજંપો ઘર કરી ગયો છે શરીરમાં.
તમે ઘણી વાર જોઈ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઈ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ.
પછી એક વાર તમે કહ્યું હતું, ઈશ્વર નથી.
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલાં,
આપણે પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો
આપણો સંબંધ છે,
ઉદાસીનો.

ગુજરાતી મૂળાક્ષર

દરિયાથીયે અફાટ
જળચરોની આંખો
નજર પરોવી રહી છે
મારી આંખોમાં.
વર્ષો પહેલાં,
તમે મને લખેલા એક વહાલસોયા પત્રના
ગુજરાતી મૂળાક્ષરો
મારી સમક્ષ
સ્પષ્ટ-અસ્પષ્ટ
જળપરીની જેમ નૃત્ય કરી રહ્યા છે.
એ કાગળના સળમાં તમારા ચહેરા પરની રેખાઓ
એમ સેળભેળ થઈ રહી છે
જાણે દરિયા પરની ઠંડી હવામાં ઊડી જાય પાણી.
આ હસ્તાક્ષરો પાણીમાં પલળીને
સાવ પાંગળા થઈ જાય એ પહેલાં
અહીં સૂકવો એમને.
આ ટાપુ પર ખૂબ તડકો છે.
પપ્પા, અહીં બેસો.
જુઓ, આ તમારો પત્ર.
જાણે નવોનક્કોર કાગળ.
તડકામાં ચમકતા પાણી પર
ઝળાઝળા થતા
ગુજરાતી મૂળાક્ષરોને
માછલી માનીને
ચાંચમાં લઈને ઊડી રહ્યાં છે જળપંખી
ને રાત્રે, દરિયાની ચોકી કરતા
દીવાદાંડીના પ્રકાશના શેરડાની જેમ
તમારો પત્ર
પાણી પર પથરાય છે,
ઝાંખો થાય છે,
ફરી વંચાય છે.


દેવદૂત

તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં,
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા.
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું,
પણ તમે આવજો,
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને,
મારા ઘરનો.

પિત્તળની ઍશ-ટ્રે

ગઈ કાલે હું કુહાડી લઈને
બરફના પહાડોમાં ખોદી રહી હતી.
મૃત યાકનાં શરીર.
ત્યારે મળી આવી અચાનક,
તમને મેં ભેટ આપી હતી એ
સુંદર, જાળીવાળી, પિત્તળની ઍશ-ટ્રે
હવે હું શોધી રહી છું
સિગારેટની રાખ ખંખેરતી
તમારી લાંબી આંગળીઓ.
અને મળી આવી મને
હજી પણ હૂંફાળી સિગારેટની રાખ.
કેલ્શિયમની ખામી તો છે જ મારા શરીરમાં નાનપણથી.
હું હંમેશ ઍશ-ટ્રે હાથમાં લઈને રાખમાં આંગળીઓ ફેરવતી
એ તમે જોતા.
હવે, આ પહાડોમાં દટાયેલા યાકની આંખો
નજર રાખી રહી છે મારા પર.
હું આ સિગારેટની રાખ
મારા મોંમાં ન મૂકું તે માટે.
છાપું

તમારા ગયા પછી

હું રોજ બહારથી છાપું ઘરમાં લઈ આવું છું.
છતાં કોઈ વાર એવું લાગે છે
જાણે ઘરની બહાર
મેં ન ઉપાડેલાં અને
તમે ન વાંચેલાં છાપાંનો ઢગલો પડી રહ્યો છે.
તમારાં ચશ્માં છે હજી, કબાટના કોઈ ખૂણે સચવાયેલાં.
ચશ્માં અને સમાચાર વચ્ચેનું એક શરીર નથી હવે.
મારી નજર સામે અવારનવાર દેખાય છે
બરફના પર્વતોમાં તમને શોધવા
મોંમાં છાપું લઈને દોડી રહેલો એક કૂતરો.
એ છાપામાં, બસ એક સમાચાર મારે તમને ખાસ પહોંચાડવા છે.
તમારી નાની દીકરી હિનાને ત્યાં દીકરી આવી છે અને એનું નામ અમે
                                             અનુષ્કા રાખ્યું છે.
સજીવ શર્ટ

કપડાંમાં સરી જતાં જીવન
અને જીવનમાં સરી જતાં કપડાં
અને એ બે વચ્ચેથી પસાર થઈ જતા
કંઈ કેટલાયે પ્રસંગો,
સારા ને માઠા.
કેટલાંક કપડાં એ પ્રસંગોમાં એવા ભળી જાય
કે જાણે એ કપડાં એ પ્રસંગો માટે જ
કે એ પ્રસંગો એ કપડાં માટે જ
સર્જાયાં હોય.
તમને અગ્નિદાહ આપતી વખતે
ભૂજના સ્મશાનગૃહમાં મેં પહેરેલું
કાળા અને સફેદ રંગના પોલકા ડૉટવાળું એ શર્ટ -
મારી સ્મૃતિમાં એવું સ્થિર થઈ ગયું છે
જાણે તમારું એ નિશ્ચેતન શરીર.
તમારા નિર્જીવ શરીર પર મેં આગ ચાંપી ત્યારે
એ શર્ટ જાણે સજીવન થઈ ગયું હતું
અને તમામ વિષાદથી પર થઈ ગયું હતું.
હું જાણું છું કે એ શર્ટને
હું ક્યારેય ફેંકી નહીં શકું.

ગાંધીધામની ટ્રેન

તમારી આંગળી પકડીને જોઈ હતી ટ્રેન પહેલી વાર,
કચ્છમાં ગાંધીધામના સ્ટેશન પર.
મેં પૂછ્યું હતું, આ ટ્રેન આટલી લાંબી?
અને તમે કહ્યું હતું, તું નાની છે.
આજે હવે દેશ-વિદેશની યાત્રા વેળા
હું ઘણી વાર મુઠ્ઠી પછાડીને
તોડી નાખું છું પ્લેનની બારી
અને કૂદી પડું છું બહાર
ખુલ્લા, અજાણ્યા આકાશમાં.
નીચે જોઉં છું તો
પસાર થઈ રહી હોય છે એક ટ્રેન.
પૂરપાટ દોડયે જતી એ ટ્રેન
હજી પણ, આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે.
કચ્છથી કેલિફોર્નિયા જઈ રહેલી
એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા
અજાણ્યા લોકોના ચહેરા
હજી આજે પણ એટલા જ અજાણ્યા લાગે છે.
ગાંધીધામના સ્ટેશન પર
ટ્રેનને લીલી ઝંડી બતાડનાર એ ગાર્ડ
મૃત્યુ પામ્યો હશે હવે
પણ એ એક માત્ર ચહેરો
મને યાદ છે હજી પણ.
એ એ જ ચહેરો છે, જે ચેક કરે છે મારો પાસપોર્ટ
જ્યારે હું પ્રવેશું છું, કેલિફોર્નિયામાં.
અને એ જાણે છે,
હું ક્યારેય ગઈ જ નથી, કચ્છથી બહાર.