કંસારા બજાર/અર્થ, આકાશનો
એક પંખી વરસાદમાં ભીંજાઈને બેઠું છે.
એની પાંખમાંથી નીતરતું પાણી
ભીની કરી દે છે મારી પરસાળને.
પરસાળ પર ચાલતાં એ લપસી પડે છે
અને મારા અચેતન પગમાં
એક અકથ્ય ધ્રુજારી ફરી વળે છે.
સંકોચાઈને બેસી ગયેલા એ પંખીને જોઈને
એવું લાગે છે, જાણે આકાશમાં
ક્યાંક સ્થગિત થઈ ગઈ છે પંખીઓની હાર.
દિશાશૂન્ય પવન
અને ભીની, અશક્ત પાંખ,
આકાશનો અર્થ બસ એટલો જ?
વ્હિલચેર ફેરવતી હું પરસાળમાં પહોંચું છું
અને એ પંખીને મારા ખોળામાં લઈ,
મરવાની જગ્યા કરી આપું છું.