કંસારા બજાર/સાર્વજનિક બાગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાર્વજનિક બાગ

આ એક સાર્વજનિક બાગ છે.
અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં,
ઠંડકમાં બેસવાનો મૂડ લઈને આવ્યા હો.
અને ફુવારા બંધ હોય એવું બની શકે.
અહીં લોન પર પાણી છાંટેલું ન હોય
કે મેંદીની વાડ બરાબર કાપેલી ન હોય
તો ફરિયાદ ન કરવી.
આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય
તો પાંદડાનો ઢગલો કરી,
જાતે જ એક દીવાસળી ચાંપી દેવી
પણ એ માટે આભારની ઝાઝી અપેક્ષા ન રાખવી;
કારણ કે અહીં તો
રોજ અસંખ્ય પાંદડાં ખરતાં હોય છે.
અને જો તમારે, એ સૂકાં પાંદડાંને
પગ તળે ચચરતાં ચાલવું હોય તો તેમ કરો.
બાગમાં ગોઠવેલી સંગેમરમરની મૂર્તિને જોઈને
ઉદાસ થવું હોય તો પણ બાગ એ સારી જગ્યા છે.
અહીં તમારી તરસને સંતોષવી
પણ પાણીના નળ સાથે સાંકળથી બાંધેલા
ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે.
આ એક સાર્વજનિક બાગ છે.