કંસારા બજાર/હિમાળો
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.
પવનના ઠંડા સુસવાટા સાથે ઊડતી
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ
મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે.
મને જરૂર છે, મારા ભરવાડની
અથવા તો એક ઘેટાની.
ભરવાડ જો હોત તો
એની પાઘડીના વળમાં વીંટી લેત
આ કાતિલ પવનને.
ભરવાડ જો હોત તો
એના દોહાની રંગતમાં
પવન પણ માથું ડોલાવતો બેસી રહેત.
ભરવાડને હવે આ નિર્જન વગડામાં
ક્યાં શોધવા જઉં?
એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું
આ પાસેના ઘેટાને.
એ ઘેટુંયે મને જાણી ગયું છે
પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના
કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને
એક ગરમ ધાબળો વણી શકું.
હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું
ઘેટાની પાછળ પાછળ.
લાગે છે,
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે.