કથાચક્ર/૧૦

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦

સુરેશ જોષી

ચારે તરફની લોકોની ભીડ, ઘોંઘાટ, વાહનોનો ખડખડાટ – આ બધાંના પ્રવાહ પર ખરી પડેલા પાંદડાની જેમ તરતો ઠેલાતો એ જઈ રહ્યો હતો, ત્યાં એકાએક એ થંભી ગયો. પાણીમાં વમળ થાય તેમ એની ચારે બાજુ વમળ થવા લાગ્યાં. એમાં થતી ભમરીના આંટા એની ચારે બાજુ ફરી વળીને એને નીચે ને નીચે ખેંચતા ગયા. નરી નિષ્ક્રિયતાનું આલમ્બન લઈને એ ટકી રહ્યો. એને મનમાં થયું: હું કેમ ઊભો રહી ગયો? સામેના મકાનના બીજા માળની કાચની બારી પરનો તડકો સળગી ઊઠીને એની ઝાળથી આંખને બાળતો હતો તેથી કે પછી ચારે બાજુ ચાલ્યા જતા લોકો સાથે ઘસાવાથી ભુંસાઈ જતી પોતાની જાતને ભુલાઈ જતી બચાવી લેવાની સંરક્ષણાત્મક સાહજિક વૃત્તિથી – તે એને સમજાયું નહીં. એનું શરીર જેને વશ વર્તીને આચરણ કરતું હતું તેને વિશે મનને હજુ જાણ થઈ નો’તી. આંખ ક્યાંક કશુંક જોઈને સ્થિર થઈ ગઈ હતી. એની સ્થિરતાના પ્રવાહે વિદ્યુતના વેગથી પગ સુધી વહી જઈને પગને પણ જકડી લીધા હતા. એણે મનને આંખની પાછળ દોડાવ્યું. દૃષ્ટિ સામે શું હતું? થોડાં રંગનાં ધાબાં, એકબીજામાં ભળી જઈને ઝાંખી થઈ અટવાઈ જતી રેખાઓ, હવામાં પીછાની જેમ તરીને દૂર ઘસડાઈ જતા અવાજો. આ બધાંનો સરવાળો કરીને આંખ કશીક છબિ ઉપજાવતી હતી ખરી? એ સરવાળો એણે અનેક રીતે કરી જોયો ને ભૂંસી નાખ્યો. એણે પ્રયત્ન છોડી દેવાનું નક્કી કર્યું. તે જ ક્ષણે એકાએક એની આંખે ઉપજાવેલી છબિ એની આગળ પ્રકટ થઈ ગઈ. એનું મન અધીર બન્યું. પણ પગ ખસ્યા નહીં.

આછી ઝરમરથી ઝાંખા બનેલા કાચની બીજી બાજુએ એ હતી. હડપચીનો પરિચિત વળાંક, નાની મોંફાડ, આંખની કશાક ભારથી લચી પડેલી પાંપણો.

‘તારી આ બદામોની અંદર તું કયા ઝેરી અન્ધકારને આટલા જતનથી દુનિયાથી સાચવી રહી છે?’

હોઠ પર ફૂલની પાંખડીની જેમ વળગી રહેલું સ્મિત – જેટલું ઝરમરે ઝાંખું કરી નાખ્યું હતું તેટલું એણે ઉમેરી લીધું. એણે હોઠને ખૂલતા જોયા, અનિશ્ચિતતાથી સહેજ બિડાઈ જતા જોયા, એના પર ગોઠવાતા અશ્રુત શબ્દોને એ પામવા મથ્યો. બંધ લાગતી પાંપણો ખૂલી, દૃષ્ટિ ઊંચી થઈ ને તરત વળી ઝૂકી પડી.

‘કેટલીક વાર મને શંકા થાય છે કે તેં મને આંખો ખોલીને પૂરેપૂરો જોયો છે ખરો?’

એના વાંકડિયા વાળની એક લટ એણે આંગળીની આજુબાજુ વીંટવા માંડી. આમ જ એ કશું બોલ્યા વિના મૌનને વળ ચઢાવતી. તેથી એ ઉશ્કેરાઈ જતો. એના રોષની એ કશીક કઠોરતાથી કચ્ચર કચ્ચર કરી નાખતી.

એની સામે અત્યારે કોણ હતું? એ કોની જોડે વાતો કરતી ઊભી હતી?

‘તું બીજા જોડે વાતો કરી શકે છે, પણ મારી સામે આવતાંની સાથે જ કેમ સાવ મૂગી થઈ જાય છે?’

‘તમે હો છો ત્યારે મને કશો વિક્ષોભ ગમતો નથી, મારો શ્વાસ પણ મને કોલાહલ જેવો લાગે છે.’

એ કુતૂહલથી આગળ ડગલું ભરવા જતો હતો ત્યાં જ એ બહાર નીકળી. એની દૃષ્ટિ પોતે જે બાજુ ઊભો હતો તે તરફ વળી. એને છતા થવાનું ન ગમ્યું. એ બાજુના દીવાના થાંભલાની ઓથે લપાઈને જોઈ રહ્યો. ઘડીભર તો એ અનિશ્ચિતતાભરી સ્થિતિમાં ઊભી રહી ગઈ. એ વખતે નીચલો હોઠ ઉપલા હોઠથી એણે સહેજ દબાવ્યો, પછી એને મુક્ત કર્યો. પવન ભરાતાં ઊડુ ઊડુ થઈ રહેલા પાલવને ખભા પર સરખો કર્યો. પછી એણે પગ ઉપાડ્યો. એની દિશામાં જ એ આવી રહી હતી. બંને સાથે ચાલતાં ત્યારે તો એ એને ધારી ધારીને જોઈ શકતો નહીં. પણ આજે એણે જોયું. એના પગ ઊપડતા હતા, પણ જાણે ચાલતા નો’તા. એ પગોને ક્યાંક જવાની અધીરાઈ નો’તી. એ તો માત્ર શરીરમાં એક આન્દોલન, એક લયનો સંચાર કરવા પૂરતી જ ગતિ ઉપજાવતા હતા. આખા શરીરમાં થતા એ લયના સંચારને એ જોઈ રહ્યો. એ લયની છેલ્લી રેખાઓ એની આંખમાં શમી જતી. એની આંખમાં બધું જ શમાવી દેવાની ગજબની શક્તિ હતી. એના કાળા ઊંડાણને તળિયે કોણ જાણે શુંનું શું પડ્યું હશે! એ આંખો સામે એ હંમેશાં ઝૂઝતો, એનાથી એ હંમેશાં સાવધ રહેતો. રાતે સફાળો જાગી જઈને એ બાજુમાં જોઈ લેતો, ઘણી વાર એ ઊખેળીને દૂરતાનો એ વિસ્તાર કરતી. દૂરતામાં શબ્દ પહોંચતો નહીં. એ પોતે ક્યાંક કશીક નિશ્ચિહ્નતામાં ફેંકાઈ જતો હોય એવું એને લાગતું. આથી તે ચિઢાઈ જતો.

‘મારી પાંપણ ઢળેલી હોય છે તેય તમને ગમતું નથી. તો બોલો હું શું કરું?’

‘મને થાય છે કે તારી આંખો ફોડી નાખું. એ બદામ ફોડી નાખીને એમાંની ઝેરી મીજ દૂર દૂર ફગાવી દઉં.’

એ એની સાવ પાસેથી પસાર થઈ ગઈ. આજુબાજુના પડછાયાઓમાં એ એની નજર આગળથી સાવ ભુંસાઈ ગયો. નહીં તોય એણે એને ક્યારે જોયો હતો જે! ચાલતી વખતે એક તરફ એની ડોક સહેજ ઝૂકેલી રહેતી. એને ખભે જાણે કશોક ભાર રાખીને એ ચાલતી. એ ભાર તેણે બધાથી છુપાવેલા. કોઈક રહસ્યનો ભાર હોય એમ એને લાગતું. આથી ચાલતાં ચાલતાં કોઈક વાર બે હાથે એના ખભા પકડીને એને હલાવી નાખતો. ત્યારે બધાં વચ્ચે એકાએક એનાં વસ્ત્રો સરી પડ્યાં હોય તેમ એ અંગોને ઢાંકવા મથતી. આથી એ બમણો ચિઢાઈ જતો.

એ આગળ વધ્યે જ ગઈ. એને થયું: હું એને બૂમ પાડીને ઊભી રાખું. લોકોની ભીડ વચ્ચે બૂમ પાડવાનું એને ગમ્યું નહીં. આથી એ એની પાછળ ચાલવા માત્રથી જ, બન્ને વચ્ચે કશોક સમ્બન્ધનો તન્તુ સંધાઈ ગયો. એ તન્તુ એને ઢસડવા લાગ્યો. એ તન્તુના સ્પન્દનમાં આગળ ચાલનારના મનનો લય એને વરતાવા માંડ્યો. આવી નિકટતા જીરવવાની એની હિંમત નહોતી. આથી એ ઊભો રહી ગયો. લોકોની ભીડ વચ્ચે કદીક કદીક એનો ચહેરો દૂરથી તરતો દેખાયો. એ ઠીક ઠીક દૂર ગઈ ત્યાર પછી એણે ફરી ચાલવા માંડ્યું. એ બંને સાથે ચાલતાં ત્યારે ગમે તે યુક્તિથી એ હંમેશાં થોડી પાછળ રહી જતી. એ કદી ઝાઝું બોલતી નહીં. ફરી ફરી એનો હાથ ખેંચીને એ એને આગળ ખેંચતો.

‘તમને મારા પર અવિશ્વાસ છે, નહીં? રખે ને હું તમને છોડીને ક્યાંક લોપ થઈ જાઉં!’

‘હા, કશોક મન્ત્ર ફૂંકીને તને તાવીજ–માદળિયામાં પૂરી રાખું કે પછી બીજની જેમ મારા મનમાં દાટી રાખું એવું મને થાય છે.’

અત્યારે પણ એનો હાથ ખેંચીને એને પોતાની પાસે લાવી દેવાનું એને મન થયું. એની ઉત્તેજનાથી એ સહજ ઝડપથી આગળ વધ્યો, હવે બેની વચ્ચે ઝાઝાં માણસો રહ્યાં નહોતાં. એ એને ચોક્ખી જોઈ શકતો હતો. એના પગ, હાથ, ખભા, ગરદન, માથું – એ બધાંને પોતાના નિયન્ત્રણની પોતાની ઇચ્છા મુજબ દોરવાની એને ઇચ્છા થઈ આવી. એના હોઠ પર પોતે ધારે તે શબ્દો જ આવે, એના શ્વાસનો દોર પણ પોતાના હાથમાં રહે, એની પાંપણો પોતે ધારે ત્યારે બિડાય ને ઊઘડે – આ વિચારથી એનામાં ઉત્સાહ આવ્યો. અગ્નિની જ્વાળાની જેમ જો એ એને વીંટળાઈ વળે – એ સિવાય એ બીજા કશાય આલિંગનમાં સમાય તેવી નહોતી.

‘તને આલિંગનમાં જકડું છું ત્યારે આપણી વચ્ચે કોઈક ત્રીજાની જગ્યા તું ખાલી રાખતી લાગે છે.’

‘મારામાં તો બધી દસેક સ્ત્રીઓ ભૂલી પડી છે, તમે એક સાથે એ બધીયને જકડી લો ને!’

એના હોઠ પર શબ્દો દાઝી ઊઠ્યા. અગ્નિ, અગ્નિ! પણ એ અગ્નિ લાવવો ક્યાંથી? શતાબ્દીઓના જીર્ણ પુંજને સળગાવી મૂકીને? એના મૌન સાથે પોતાના રોષને ચકમકની જેમ ઘસીને?

એ હવે લગભગ એની લગોલગ આવી પહોંચ્યો. એની ગરદન પરની રુવાંટી પર એને હાથ ફેરવવાનું મન થયું. પોતાના હાથના દાબથી એના ખભાના ગોળાકારને અનુભવવાનું એને મન થયું. એ હાથની પકડને સખત કરીને એનો શ્વાસ રૂંધીને એને ગૂંગળાવી નાખવાનું એને મન થયું. એના હાથના સ્પર્શથી જ એ ચોંકી ઊઠતી. એની આંખોમાં ભયભરી લાચારી વર્તાતી. આથી જ એ પારકો બનીને જાણે દૂર હડસેલાઈ જતો, ને ધૂંધવાઈ ઊઠતો.

‘મારા સ્પર્શમાત્રથી તું કેમ આમ છળી મરે છે, હું તે કોઈ રાક્ષસ છું?’

‘કોણ જાણે એ સ્પર્શ તમારો નથી લાગતો. મારાથી અણજાણપણે તમારામાં કોઈક સંતાઈ બેઠું છે. હું અસાવધ રહું કે તરત એ મને મારી નાખવા લાગે છે. આથી હું ચોકી ઊઠું છું.’

એના હાથ એણે કોટના ખિસ્સામાં સંતાડી દીધા. બહુ જ હળવે પગલે, સહેજ પણ અવાજ કર્યા વિના, એ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એનું મન એના પગ કરતાં આગળ દોડી ગયું. હવે એ ઘરે જશે, દિવસની ટપાલ, લીંબુનું શરબત, પગમાં પહેરવાની સપાટ એના ઓરડામાં એ જે ખુરશી પર બેસતો તેની પાસેથી ટ્રિપોય પર મૂકી રાખશે. એ બધું એની રાહ જોશે, પણ એ એની પ્રતીક્ષા કરતી ઉમ્બરે નહીં ઊભી હોય. ઘરમાં એનો અણસાર સરખોયે વરતાતો નહીં હોય. દર્પણમાં સહેજ નીચી વળીને એ ચાંલ્લો કરતી હોય કે નાહીને ભીના વાળ સૂકવતી એ બેઠી હોય કે ખભા પરથી સરી પડેલો છેડો ફરીથી સરખો કરતી હોય – આવી સાધારણ સ્થિતિમાં એણે કદી એને જોઈ નહોતી. એનો અર્ધો ભાગ એ કોણ જાને કોઈ બીજા જન્મમાં જ મૂકીને આવી હતી. મરણ સિવાય બીજા કોઈ પાસે એની ચાવી નહોતી.

મરણ – બળી ગયેલા કાગળમાંથીય ક્યાં અક્ષરો ઉકેલીને નથી વાંચી શકાતા! એ અપ્રાપ્ય હતી એનું એને એટલું દુ:ખ નો’તું. એથી એનું અભિમાન ઘવાતું હતું એ ખરું, પણ એથી વિશેષ તો એની આ અપ્રાપ્યતા જ જાણે કે સદા આંગળી ચીંધી ચીંધીને પોતાનામાં જ રહેલા કોઈને ફરી ફરી ગુપ્ત સંકેતથી બોલાવ્યા કરતી હતી. એનો એ તર્જનીસંકેત એને જંપવા દેતો નો’તો. પોતે તો એ જેને ચાહતી હતી તેના નર્યા આશ્રયસ્થાન રૂપ જ હતો. જો એ તર્જની–સંકેતને એ બંધ કરી શકે તો પોતાનામાં સંતાઈ બેઠેલો પેલો બીજો આપોઆપ બહાર નીકળી જાય. ફરી એની આંખ આગળ ઝબકારો થયો. મરણ!

‘કેમ, આમ મારી ભણી તાકી રહ્યા છો?’

‘અહીં મારી પાસે આવ.’

‘પણ આમ ખેંચો છો કેમ?’

‘જોઈ તારી આ ગળા પરની શિરા?’

‘અરે મને દુ:ખ થાય છે, આ શું કરો છો? મારો શ્વાસ રૂંધાય છે. જુઓ તો …’

એની ફાટી ગયેલી આંખો નવા સંકેતથી એને બોલાવી રહી હતી. એ આગળ ને આગળ ચાલ્યે જતો હતો, ને છતાં પોતાથી જરાય દૂર થઈ શકતો નો’તો. ‘હવે જો એ મળે તો એને ફરી વાર ગળું ટૂંપીને મારી નાખું.’ એ બબડ્યો: મરણ! એની આગળ કોઈ નો’તું. હવે લગભગ નિર્જન થઈ ગયેલા રસ્તા પર એ એકલો ભમતો હતો – પોતાના ભૂતની સાથે.